24 કલાક માટે વરસાદની આગાહીથી હાઇ એલર્ટ

ખેડા અને નવસારી જિલ્લામાં આજે શનિવારે થયેલા ભારે વરસાદની સ્થિતિ અંગે વિગતો મેળવી હતી તથા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લાની વરસાદી સ્થિતિથી બાદ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીના પગલે આ જિલ્લાના કલેકટરોને સંપૂર્ણ સતર્ક અને સજાગ રહેવાની સરકારે તાકિદ કરી હતી. જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના પણ આપી હતી. 

સુરતમાં કિમ તથા નવસારીમાં અંબિકા અને પૂર્ણા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે તે સંજોગોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની જિલ્લા તંત્રએ સૂચના આપી છે. સુરતના માંગરોળ અને ઓલપાડમાં ભારે વરસાદથી પાણી ભરાવાની સ્થિતિ હતી જે કિમ નદીમાં પાણી વહી જતા હવે સામાન્ય થઇ છે. 

મધ્ય ગુજરાતના ખંભાત તાલુકામાં ૪ કલાકમાં ૧૮ થી ૧૯ ઇંચ વરસાદ વરસ્યો છે તે સાથે આણંદ, નડિયાદ સહિત એક સાથે વ્યાપક વરસાદ થવાથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. 

સમગ્ર રાજ્યમાં ૬ હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત-કચ્છમાં પણ વ્યાપક વરસાદની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે સમગ્ર તંત્ર હાઇ એલર્ટ પર મૂક્યું છે. એટલું જ નહીં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ સહિતની ટીમો બચાવ-રાહત કામો માટે ખડેપગે રાખી છે. 

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી લેવલ ઘટી રહ્યું છે. શહેરમાં સફાઇની કામગીરી શુક્રવારની રાત્રીથી જ વ્યાપક બનાવવામાં આવી છે અને ૧૨૫થી વધુ ટીમો કાર્યરત કરીને ૧,૨૦૦ મે.ટન કચરો એકત્ર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં આગામી સોમવાર સુધીમાં સ્થિતિ પૂર્વવત થઇ જશે અને શાળા કોલેજો પણ શરૂ કરી દેવાશે તેમ તેમણે જણાવ્યું હતું. શહેરમાં આ વરસાદથી થયેલી નૂકશાનીના કિસ્સાઓમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની નિયમાનુસારની સહાય સરકાર આપશે.