29.4.2020
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 7695 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 24.5% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 31,332 થઇ છે. સચિવ (HFW)એ બિન-કોવિડ આવશ્યક તબીબી સંભાળની જરાય અવગણના ન થવી જોઇએ તે બાબતે પણ ભાર મૂક્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, ડાયાલિસિસ, કેન્સરની સારવાર, ડાયાબિટિસ, ગર્ભવતી મહિલાઓ અને જેઓ ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા છે તેમની પણ પૂરતા પ્રમાણમાં કાળજી લેવી જરૂરી છે. તેમણે તમામ રાજ્યોને વિનંતી કરી હતી કે, તેઓ આરોગ્ય સેતૂ એપ્લિકેશનનો પ્રસાર કરે જે આ રોગને નિયંત્રણમાં લેવા માટે સરકારના પ્રયાસોનું મદદરૂપ આકારણી સાધન છે.
કેન્દ્રીય HRD મંત્રીએ રાજ્યના શિક્ષણ મંત્રીઓ અને શિક્ષણ સચિવો સાથે વાત કરી
કેન્દ્રીય મંત્રીએ બેઠકને સંબોધન કરતાં કહ્યું હતું કે, કોવિડ-19ની વર્તમાન સ્થિતિ કમનસીબ છે, પણ આ સમય સમજીવિચારને કામ કરવાનો છે તથા વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક કલ્યાણકારક પ્રવૃત્તિઓના નવા પ્રયોગોને હાથ ધરીને સ્થિતિને તકમાં પરિવર્તિત કરવાનો છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધન કરતા આપણા પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, નોવેલ કોરોનાવાયરસ સામે ભારતની લડાઈ જનઆંદોલન બની ગઈ છે, જેમાં દરેક નાગરિક એમની ભૂમિકા ભજવી રહ્યો છે. પણ વ્યવસાયો હોય, કે ઓફિસો હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે તબીબી ક્ષેત્ર હોય, દરેક કોરોનાવાયરસ પછીની દુનિયામાં પરિવર્તનો સ્વીકારી રહ્યાં છે. મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, આપણે આ રોગ અને સ્થિતિનો સામનો કરવા સક્ષમ બનીશું.
કોવિડ-19 મહામારીનાં પગલે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમજીવીઓ સહિત અન્ય લોકોની આંતર રાજ્ય આવનજાવન માટે કેન્દ્રએ મંજૂરી આપી
કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના પ્રતિબંધોના પગલે દેશના વિવિધ ભાગોમાં પરપ્રાંતીય શ્રમજીવીઓ, યાત્રાળુઓ, પ્રવાસીઓ વિદ્યાર્થીઓ અને અન્ય ઘણા લોકો ફસાઇ ગયા છે. હવે, કેન્દ્ર સરકારે આ તમામ ફસાયેલા લોકોને જમીનમાર્ગે આવનજાવન માટે મંજૂરી આપી છે. તેમને એક રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી બીજા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં બંને સંબંધિત રાજ્યો વચ્ચે વિચારવિમર્શ બાદ સંમતિ સાધ્યા પછી જવાની મંજૂરી મળશે. એવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, આવી વ્યક્તિ (વ્યક્તિઓ) તેમના ગંતવ્ય સ્થળે પહોંચ્યા પછી સ્થાનિક સત્તામંડળ દ્વારા તેમનું આકલન કરવામાં આવશે અને જ્યાં સુધી તેમને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાં રાખવાની જરૂર ન હોય ત્યાં સુધી તેમને હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવશે. તેમને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવશે અને સમયાંતરે તેમની તપાસ થશે.
ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ની અસરો ઓછી કરવાના સોલ્યુશનો ઝડપથી વિકસાવવા માટે વિજ્ઞાનીઓની પ્રશંસા કરી
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ભૂવિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે અહીં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) અને એની સ્વાસ્થ્ય સંસ્થાઓ (એઆઈ) તથા એના સરકારી ક્ષેત્રનાં સાહસો (પીએસયુ) બીઆઇઆરએસી અને બીઆઇબીસીઓએલ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની સમીક્ષા કરી હતી, જેથી કોવિડ-19ની વર્તમાન કટોકટીનું સમાધાન થાય, ખાસ કરીને રસી, ઝડપી ટેસ્ટ અને આરટી-પીસીઆર નિદાન કિટને સ્વદેશી રીતે વિકસાવવાની પ્રગતિની સંબંધમાં.
શ્રી પીયૂષ ગોયલે કહ્યું કે, કોવિડ પછીના સમયમાં, વૈશ્વિક પૂરવઠા સાંકળમાં ફેરફારો થવાનું અનુમાન છે અને ભારતે વૈશ્વિક વેપારમાં નોંધપાત્ર હિસ્સો હાંસલ કરવા પર ધ્યાન આપવું જોઇએ
વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે નિકાસકારોને ચોક્કસ ક્ષેત્રમાં તેમની શક્તિ, સંભાવનાઓ ઓળખવા અને સ્પર્ધાત્મકતાનો લાભ લેવા તેમજ વૈશ્વિક બજારો માટે પોતાને તૈયાર કરવા કહ્યું હતું. શ્રી ગોયલે કહ્યું કે, કોવિડ પછીના સમયમાં, વૈશ્વિક પૂરવઠા સાંકળમાં ફેરફારો થવાનું અનુમાન છે અને ભારતીય ઉદ્યોગ સાહસિકો તેમજ નિકાસકારોએ વૈશ્વિક વેપારમાં નોંધપાત્ર હિસ્સો હાંસલ કરવા પર ધ્યાન આપવું જોઇએ. તેમણે ખાતરી આપી કે, તેમના પ્રયાસોમાં સરકાર સંપૂર્ણ સક્રીયતા સાથે સહકાર આપશે અને સુવિધાઓ પૂરી પાડશે. તે બાબતે વિદેશમાં ભારતીય મિશન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે, ઇન્સેન્ટિવ આપવામાં આવી શકે છે પરંતુ તે ઉચિત, વાજબી અને WTOને સુસંગત હોવા જોઇએ.
શ્રી રવિશંકર પ્રસાદે કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રયાસોની પ્રશંસા કરી
કેન્દ્રીય સંચાર મંત્રી અને ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે 28 એપ્રિલ 2020ના રોજ રાજ્યોના આઈટી મંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક બેઠકનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વર્ક ફ્રોમ હોમના માપદંડોમાં છૂટછાટ માટે ડીઓટીની સમયમર્યાદા ૩૦ એપ્રિલથી 31 જુલાઈ સુધી વધારશે. તેમણે રાજ્યોને ભારત નેટ યોજનાને ટેકો આપવા માટે જણાવ્યું કે તેની સમસ્યાઓની તપાસ કરવામાં આવે. તેમણે નિર્દેશ આપ્યા કે આરોગ્ય સેતૂ એપ્લિકેશનમાંથી ડેટા તમામ રાજ્યોથી માંડીને જિલ્લા અધિકારીઓને ઑનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમણે એવી પણ જાહેરાત કરી કે, ફીચર ફોનના વપરાશકર્તાઓ માટે આવો જ ઉકેલ લાવવામાં આવશે અને તે તૈયાર થઇ રહ્યો હોવાથી ટુંક સમયમાં શરૂ કરાશે.
સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રીએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 પરીક્ષણ અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓ અને હોસ્પિટલોમાં સારવાર દરમિયાન દિવ્યાંગજનોને પાયાની સુવિધાઓ આપવા માટે પત્ર લખ્યો
તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ હેઠળ આવતા દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સચિવ, શ્રીમતી શકુંતલા ડી. ગામલિને જણાવ્યું હતું કે, આ મહામારીની અસર દૂર કરવા માટે ઘણા કોવિડ-19 કેન્દ્રોને ચેપનિયંત્રણ એકમો, આઇસોલેશન સારવાર કેન્દ્રો અને પરીક્ષણ લેબ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે જેથી જરૂરિયાત અનુસાર તબીબી હેતુઓ માટે ક્ષમતા વધારી શકાય. વર્તમાન કટોકટીના કારણે દિવ્યાંગજનો સામે તો વધુ જોખમ ઉભું થયું છે કારણ કે, તેમનામાં પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેઓ વિસ્તૃત માહિતી મેળવવા માટે પૂરતા સક્ષમ હોતા નથી તેમજ કોવિડ સંબંધિત આવી સુવિધાઓમાં ભૌતિક માહોલમાં સુવિધાઓની ઍક્સેસિબિલિટી અને પૂરી પાડવામાં આવતી ઇકો-સિસ્ટમની અનુપલબ્ધતાના કારણે પણ તેમને જોખમ વધે છે.
પ્રધાનમંત્રી અને કેનેડાના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ
પ્રધાનમંત્રીએ આજે કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રુડો સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવોએ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે ઉભી થયેલી પ્રવર્તમાન સ્થિતિની ચર્ચા કરી હતી. વૈશ્વિક એકતા અને સહકાર, પૂરવઠા સાંકળની જાળવણી અને સંશોધનની પ્રવૃત્તિઓમાં સહયોગના મહત્વ પર બંને એકમત થયા હતા. કેનેડામાં વસતા ભારતીય નાગરકો જેમા ખાસ કરીને વિદ્યાર્થીઓને વર્તમાન પરિસ્થિતિમાં પૂરતો સહકાર અને મદદ કરવા બદલ પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
લૉકડાઉનના સમયમાં ગત વર્ષની તુલનાએ ખાનગી ખાદ્યાન્ન (PFG)ની હેરફેરમાં નોંધપાત્ર વધારો થયો
લૉકડાઉન દરમિયાન 25 માર્ચથી 28 એપ્રિલ 2020ના સમયમાં ભારતીય રેલવેમાં PFG હેરફેરનો 7.75 લાખ ટનથી વધુ (303 રેક) જથ્થો લોડ કરવામાં આવ્યો છે જે ગત વર્ષે આ સમયગાળામાં થયેલા 6.62 લાખ ટન (243 રેક)ની તુલનાએ ઘણો વધુ છે. ભારતીય રેલવે પ્રયાસ કરી રહ્યું છે કે ખાદ્યાન્ન જેવી તમામ ખેત પેદાશો સમયસર ઉપાડવામાં આવે અને પૂરવઠા સાંકળ પણ વિના અવરોધે કાર્ય રહે.
શ્રીમતી હરસિમરતકૌર બાદલે FICCI અને ઉદ્યોગજગતના અગ્રણી સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી
કેન્દ્રીય FPI મંત્રીએ ખેડૂતોના લાભાર્થે ખાદ્યાન્ન અને અન્ય ઝડપથી બગડી જાય તેવી ચીજોની ખરીદી કરવા માટે આગળ આવવા ઉદ્યોગજગતના સભ્યોને અનુરોધ કર્યો. કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગના સભ્યોને ખાતરી આપી હતી કે, મંત્રાલય તરફથી તેમને જરૂરી સહકાર મળતો રહેશે અને તમામ સભ્યોને સલાહ આપી હતી કે, કોઇપણ મદદ માટે તેઓ ટાસ્કફોર્સના સંપર્કમાં રહે.
પ્રથમ વર્ચ્યુઅલ પીટર્સબર્ગ આબોહવા સંવાદમાં ભારતે 30 દેશોની સાથે આબોહવામાં પરિવર્તન સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરી
પીટર્સબર્ગ આબોહવા સંવાદના અગિયારમા સત્રમાં ભારતે અન્ય 30 દેશોની સાથે સામૂહિક લવચીકતાને સંવર્ધિત કરવા અને આબોહવામાં પરિવર્તનની કાર્યવાહીને પ્રોત્સાહન આપીને તથા ખાસ કરીને નિઃસહાય લોકોની પણ સહાયતા કરીને કોવિડ-19 પછી અર્થવ્યવસ્થાઓમાં અને સમાજોમાં નવો પ્રાણ ફૂંકવા પડકારો ઝીલવા અને સાધનો પર ચર્ચાવિચારણા કરી હતી.
ડૉ. હર્ષવર્ધને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી
કોવિડ-19ને ખતમ કરવા માટે ભારતના અભિગમ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, “આ વખતે અમારા અભિગમ હોલમાર્ક પાંચગણો છે: (i) સતત પરિસ્થિતિ અંગે જાગૃતિ જાળવવી (ii) પૂર્વ-અસરકારક અને સક્રીય અભિગમ (iii) સતત ઉભરતી સ્થિતિ અનુસાર તબક્કાવાર પ્રતિક્રિયા (iv) તમામ સ્તરે આંતર ક્ષેત્રીય સંકલન અને છેલ્લે પરંતુ મહત્વપૂર્ણ (v) આ બીમારીને નાથવા માટે લોકોની હિલચાલ તૈયાર કરવી.”
દેશભરમાં સ્વ સહાયતા જૂથો દ્વારા એક કરોડથી વધુ ફેસ માસ્ક તૈયાર કરવામાં આવ્યા
દેશભરમાં જુદા જુદા સ્વ સહાયતા જૂથો દ્વારા એક કરોડથી વધુ ફેસ માસ્ક બનાવવામાં આવ્યા છે. તે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની ડીએવાય – એનયુએલએમ ફ્લેગશીપ યોજના અંતર્ગત કોવિડ-19 સામે લડવા માટે સ્વ સહાયતા જૂથોના અથાક પ્રયાસો, હકારાત્મક ઉર્જા અને એકતાના સંકલ્પને દર્શાવે છે.
ચોમાસા માટે જલ શક્તિ અભિયાન માટેની તૈયારીઓ શરૂ
‘જલ શક્તિ અભિયાન’ આરોગ્યલક્ષી વર્તમાન કટોકટી ઝીલવા અને એના વિવિધ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા સજ્જ છે. ચાલુ વર્ષે કોવિડ-19ની કટોકટીને કારણે અને ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રમિકો ઉપલબ્ધ હોવાથી અભિયાને આગામી ચોમાસા માટે સજ્જ થવાની શરૂઆત કરી છે.
સ્માર્ટ સિટી કલ્યાણ-ડોમ્બિવલીનું ડૅશબોર્ડ હવે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું
પ્રવાસન મંત્રાલય દ્વારા ‘દેખો અપના દેશ”ની થીમ પર આધારિત “ભારત નામનું મહાકાવ્ય – અસંખ્ય કથાઓની ભૂમિ” નામના અગિયારમાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું
રોબોટ HCARD મોખરાના કોવિડ-19 હેલ્થકેર વોરિયર્સને મદદરૂપ થશે
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
● ચંદીગઢ: પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થતા કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના સલાહકારે જણાવ્યું કે, સેક્ટર 26માં બાપુધામ કોલોની અને સેક્ટર 30-બી જેવા વિસ્તારોમાં આપણી તમામ શક્તિઓ અને સંસાધનો એકજૂથ કરીને આ મહામારીને નિયંત્રણમાં લેવાની જરૂર છે. વિસ્તારોને સીલ કરવા ઉપરાંત, સ્થાનિક લોકો સામાજિક અંતર જાળવી રાખે તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક અગ્રણીઓ અને સ્વયંસેવકોની મદદ લઇને પ્રયાસો કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે અને તેમજ ડ્રોન ફોટોગ્રાફી પણ એવી વ્યક્તિઓને શોધવામાં મદદરૂપ થશે જેઓ તેમના વિસ્તારમાં સામાજિક અંતરના માપદંડોનું ઉલ્લંઘન કરે છે. પોલીસ પણ નિયમિત પેટ્રોલિંગ કરશે જેથી કર્ફ્યૂના આદેશનું ચુસ્ત પાલન સુનિશ્ચત કરી શકાય.
● પંજાબ: ગામડાઓમાં સ્વ સહાય સમૂહની મહિલા સભ્યો કોરોના વાયરસ સામેની લડાઇમાં ખૂબ મોટાપાયે યોદ્ધા તરીકે સામે આવી છે. SHGની મહિલા સભ્યો પંજાબના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા માસ્ક, એપ્રન અને હાથમોજાંનું ઉત્પાદન કરી રહી છે જેનો ઉપયોગ નાગરિક વહીવટીતંત્રના કર્મચારીઓ, પોલીસ સ્ટાફ અને પંચાયતો માટે પણ કરવામાં આવી રહ્યો છે. પંજાબ સરકારના ITIના વિદ્યાર્થીઓએ લૉકડાઉનના સમયમાં માસ્કના ઉત્પાદનમાં રાજ્યને સૌથી ટોચે રાખીને ગૌરવ અપાવ્યું છે.
● હરિયાણા: મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી પહેલ હાથ ધરવામાં આવી છે અને કોવિડ-19 મહામારી દરમિયાન મદદ કરવા તેમજ ખરીદી સેવામાં તે નોંધપાત્ર ભૂમિકા નિભાવે છે. તેમણે કહ્યું કે, ઇ-PDS દ્વારા આપત્તિમાં હોય તેવા લોકો માટે આપત્તિ રેશન ટોકન ઇશ્યુ કરવામાં આવ્યા છે જેમાં તેને ત્રણ મહિનાનું રેશન વિનામૂલ્યે આપવામાં આવશે.
● હિમાચલ પ્રદેશ: રાજ્ય સરકારે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા હિમાચલ પ્રદેશના લોકો સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું છે અને સરકારના હેલ્પલાઇન નંબર તેમજ ઇમેલ પર આવેલી વિનંતીઓના આધારે 5000થી વધુ લોકોને મદદ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પણ તમામ રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરી છે કે, મોટી સંખ્યામાં હિમાચલના લોકો ફસાયા હોવાથી, તેમને જરૂરી મદદ કરવામાં આવે.
● કેરળ: કોવિડ-19 મહામારીના કારણે સરકારી કર્મચારીઓના પગારમાં કપાત મૂકવાની મંજૂરી આપતા વટહુકમને રાજ્યએ મંજૂરી આપી; અગાઉ કેરળની ઉચ્ચ અદાલતે સરકારના આ આદેશ પર મનાઇહુકમ મૂક્યો હતો. રાજ્ય સરકારે તમામ જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું. કાસરગોડમાં પોઝિટીવ ટેસ્ટ આવ્યો તે વ્યક્તિના ચેપનો સ્રોત અધિકારીઓ શોધી શકતા નથી. રાજ્યમાં વિવિધ ધાર્મિક અગ્રણીઓએ મહામારીના કારણે અસરગ્રસ્ત તમામ લોકો માટે 3 મેના રોજ ઘરમાં જ લોકોને પ્રાર્થના કરવાની વિનંતી કરી. ગઇકાલ સુધીમાં રાજ્યમાં કુલ પુષ્ટિ થયેલા કેસ- 485, સક્રિય કેસ -123, સાજા થયા – 359
● તામિલનાડુ: ચેન્નઇમાં ફુડ ડિલિવરીના એક સ્ટાફને કોવિડ-19 પોઝિટીવ આવ્યો, તેના પિતા ચેપના કારણે મૃત્યુ પામ્યા છે. તામિલનાડુમાં તમામ ચોખા કાર્ડધારકોને ત્રણ મહિના સુધી ચોખાનો નિર્ધારિત ક્વૉટ કરતા બમણો જથ્થો આપવામાં આવશે. તામિલનાડુ વિદેશમાં રહેલા જે કામદારો પાછા આવવા માંગતા હોય તેમના માટે પોર્ટલ બનાવવાની યોજનામાં છે. ચેન્નઇ કોર્પોરેશને તમામ કેન્દ્રીય, રાજ્ય અને શહેરમાં આવશ્ય ચીજવસ્તુઓની સંસ્થાઓને તેમની કચેરીઓ દિવસમાં બે વખત ડિસઇન્ફેક્ટ કરવા કહ્યું. ગઇકાલ સુધીમાં કુલ કેસની સંખ્યા – 2048, સક્રિય કેસ – 902, મૃત્યુ- 25, સાજા થયા- 1128, મહત્તમ કેસ ચેન્નઇમાં -673
● કર્ણાટક: આજે રાજ્યમાં નવા 9 કેસ નોંધાયા; આઠ કેસ કાલબુર્ગીમાં અને એક કેસ બેલાગાવીમાં. કુલ કેસની સંખ્યા 532 થઇ. અત્યાર સુધીમાં 20 વ્યક્તિનાં મોત નીપજ્યાં જ્યારે 215 સાજા થતા રજા આપવામાં આવી.
● આંધ્રપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં 73 નવા કેસ નોંધાયા; કુલ કેસની સંખ્યા વધીને 1332 થઇ, સક્રિય કેસ- 1014, સાજા થયા -287, મૃત્યુ- 31. રાજ્યએ તમામ સરકારી વિભાગો, બેન્કો, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ, મીડિયા કર્મીઓ, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઇવરોને વાયરસનો ફેલાવો રોકવા માટે આરોગ્ય સેતૂ એપ્લિકેશના ડાઉનલોડ કરવા કહ્યું. જિલ્લા કલેક્ટરોને જો 3 મે પછી લૉકડાઉન ઉપાડી લેવામાં આવે તો, ચેપગ્રસ્ત વિસ્તારોમાં લાગુ કરવાની હોય તે વ્યૂહનીતિ તૈયાર કરવાની સલાહ આપવામાં આવી. સૌથી વધુ પોઝિટીવ કેસ ધરાવતા જિલ્લા: કુર્નૂલ (343), ગુંતૂર (283), ક્રિશ્ના (236).
● તેલંગણાઃ આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પડોશી રાજ્ય આંધ્રપ્રદેશ કરતાં ખૂબ જ ઓછા ટેસ્ટ હાથ ધરવામાં આવ્યાં છે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોઝિટીવ કેસોની સંખ્યા સતત ઘટી રહી હોવાથી મોટા પાયા ઉપર ટેસ્ટિંગ હાથ ધરવાની જરૂર નથી. બુધવારે હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે ગુસ્સે ભરાયેલા વિસ્થાપિત શ્રમિકો દ્વારા કરાયેલી હિંસાના કારણે બે પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા અને એક પોલીસની ગાડી નુકસાન પામી હતી. રાજ્યમાં કુલ 1,009 કેસોમાંથી 610 કેસો સક્રિય છે.
● મહારાષ્ટ્રઃ નવા 728 કેસો નોંધાતા મહારાષ્ટ્રમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 9,318 ઉપર પહોંચી ગઇ છે. સાજા થયેલા 1,388 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવા છતાં રાજ્યમાં મૃત્યુઆંક 369 ઉપર પહોંચી ગયો છે. આ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા લૉકડાઉનના કારણે ફસાઇ ગયેલા 1,600થી વધારે વિદ્યાર્થીઓને રાજસ્થાનના કોટા ખાતેથી પાછા લાવવા માટે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની 70 બસો મોકલવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ સંખ્યાબંધ IIT અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરી રહ્યાં હતા, જેના માટે કોટા પ્રખ્યાત છે.
● ગુજરાતઃ ગુજરાતમાં 196 નવા કોવિડ કેસો નોંધાતા રાજ્યમાં કોવિડના પોઝિટીવ કેસોની સંખ્યા 3,744 પર પહોંચી ગઇ છે. તેમાંથી 434 લોકો સાજા થયા છે અને 181 લોકોના મરણ નીપજ્યાં છે.
● રાજસ્થાનઃ બુધવારે રાજ્યમાં 29 નવા કેસો નોંધાતા કોવિડ-19 પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 2,393 ઉપર પહોંચી ગઇ છે. કોરોનાના કારણે રાજ્યમાં અત્યાર સુધી 52 લોકોના મરણ નીપજ્યાં છે, જેમાંથી 27 લોકોના મૃત્યુ માત્ર જયપુરમાંથી નીપજ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં 781 લોકો સાજા થયા છે.
● મધ્યપ્રદેશઃ વધુ 25 પોઝિટીવ કેસો નોંધાતા મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,387 ઉપર પહોંચી ગઇ છે. તેમાંથી 377 લોકો સાજા થયા છે અને 120 લોકોના મરણ નીપજ્યાં છે.
● છત્તીસગઢઃ છત્તીસગઢમાં આજની તારીખે માત્ર 4 સક્રિય કેસો છે. અત્યાર સુધી નોંધાયેલા 38 કેસોમાંથી 34 લોકો સાજા થઇ ચૂક્યાં છે.
● ગોવાઃ ગોવા કે જ્યાં કોવિડ 19ના સમગ્રપણે માત્ર 7 કેસો નોંધાયાં હતાં તેમાંથી રાજ્યમાં અત્યારે કોઇ સક્રિય કેસ અસ્તિત્વ ધરાવતો નથી.
● અરૂણાચલ પ્રદેશઃ ઇટાનગરના નાયબ કમિશનરે સ્વાઇન ફ્લૂના રોગના ફેલાવાના ભયના કારણે રાજધાનીમાં ડૂક્કરના પરિવહન અને ડૂક્કરના માંસના વેચાણ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.
● આસામઃ આરોગ્યમંત્રી હિમાંતા બિશ્વા શર્માએ જણાવ્યું હતું કે કોવિડ મહામારીને ધ્યાનમાં રાખતાં ઊચ્ચ શિક્ષણ માટે નવી વ્યૂહરચના ધરાવવી મહત્વપૂર્ણ છે. તેના અંગે આગામી રૂપરેખા નક્કી કરવા તેમણે અગ્ર સચિવ અને શિક્ષણ કમિશનરની સાથે સાથે આજે આસામ કોલેજ પ્રિન્સિપલ કાઉન્સિલ અને આસામ કોલેજ ટિચર્સ એસોશિએશન સાથે બેઠક યોજી હતી.
● મણીપૂરઃ કર્ફ્યુ અને લૉકડાઉનના આદેશનું ઉલ્લંઘન કરવા માટે ગઇકાલે રાજ્યમાંથી 784 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને કુલ રૂ.1 લાખનો દંડ તેમની પાસેથી વસૂલવામાં આવ્યો હતો.
● મિઝોરમઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ચાર પૂર્વોત્તરના રાજ્યમાં ફસાયેલા મિઝોરમના 693 લોકોને 30 એપ્રિલથી 2જી મે સુધીના સમયગાળામાં પાછા લાવવામાં આવશે. જે લોકો પાસે વાહનની વ્યવસ્થા ન હોય તેમના માટે સરકાર વાહનોની વ્યવસ્થા કરશે.
● મેઘાલયઃ મુખ્યમંત્રીએ સામાન્ય અને સાથે સાથે કોવિડ સંબંધિત કેસો અંગે લોકોને ઓનલાઇન પરામર્શની સુવિધા પુરી પાડવા શિલોંગના NEIGRIHMS ખાતે ટેલિમેડિસિન સુવિધાનું ઉદ્ઘાટન કર્યુ હતું.
● નાગાલેન્ડઃ રાજ્યએ ઇંધણની કિંમતો વધારવાનું નક્કી કર્યુ છે. સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રવર્તમાન ટેક્સ અને સેસ ઉપરાંત ઇંધણની તમામ પ્રોડક્ટ ઉપર કોવિડ-19 સેસ લાદવામાં આવશે.
● સિક્કીમઃ નવી દિલ્હીની હોસ્પિટલમાં ડાયલિસિસની સારવાર લઇ રહેલી સિક્કીમની મહિલાનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. સિક્કીમના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તે બાબત હજુ સુધી સ્થાપિત નથી થઇ કે તેને વાયરસનો ચેપ ક્યાંથી લાગ્યો છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે તે યોગ્ય સારવાર મેળવી રહી છે અને તેમણે લોકોને ભયનું વાતાવરણ ઊભું ન કરવાની અપીલ કરી હતી.
● ત્રિપૂરાઃ સરકારે કોવિડ-19ના કારણે ત્રિપૂરામાં મનરેગા અંતર્ગત છ દિવસ માટે પ્રત્યેક વ્યક્તિદિઠ જુમિયા પરિવારોને વ્યક્તિદિઠ રૂ. 202 અને પરિવાર દીઠ રૂ. 1,212 આપવાનું નક્કી કર્યું છે.