અમદાવાદ, તા.4
શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક સેલ્સમેનને ઉછીના 4.50 લાખ રૂપિયાના બદલામાં એક ઠગ ટોળકીએ ગેરંટી તરીકે સોનાની નકલી માળા અને ચાંદીના સિક્કા પધરાવી દીધા છે. જો કે, સેલ્સમેન યુવકે તપાસ કરતા પિત્તળની માળા અને લોખંડના સિક્કા હોવાની જાણકારી મળતા વાડજ પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ મહિલા સહિત ત્રણ શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
શાહીબાગ વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે આનંદલક્ષ્મી સોસાયટીમાં રહેતા સંજયભાઈ પુખરાજ શાહ (ઉ.48) કાલુપુર સાકર બજારમાં ડી. પુખરાજ નામની કાપડની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. ગત 30 ઓક્ટોબરના રોજ સંજય શાહ તેમના સાળા સાથે રખિયાલ વિસ્તારમાં ઘરની ચીજ-વસ્તુઓ લેવા માટે ગયા હતા. ત્યારે તેમને એક 65 વર્ષની વૃદ્ધા અને બે યુવક મળ્યા હતા. તે પૈકીના એક યુવકે મારવાડી ભાષામાં કહ્યું હતું કે, મારી બહેનના લગ્ન હોવાથી રૂપિયાની જરૂર છે. જેથી સંજયભાઈએ તેમને કહ્યું કે, હું તમને ઓળખતો નથી તો મારા પૈસાની ગેરેંટી શું? જેથી તે યુવકે ચાંદીના સિક્કા અને સોનાની માળા છે તે તમને આપીશ અને તમારા પૈસા આપું ત્યારે મારી વસ્તુ પરત લઈ જઈશ. આ સમયે એક સિક્કો અને માળાનો ટુકડો કરીને સંજય શાહને આપ્યો હતો. સંજયભાઈએ સોનીને ત્યાં ખરાઈ કરાવતા તે સાચી જણાઈ હતી.
ગત 1 નવેમ્બરના રોજ અજાણ્યા યુવકે સંજયભાઈને વાડજ સર્કલ પાસે રેડ ક્રોસ સોસાયટી નજીકના બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યા હતા. જ્યાં સંજયભાઈએ તેમને રૂ. 4.50 લાખની રોકડ રકમ આપી હતી. જેની સામે વૃદ્ધા અને તેની સાથેના બે યુવકોએ સોનાની માળા અને ચાંદીના સિક્કા એક થેલીમાં આપ્યા હતા. સિક્કા અને માળા લઈને ઘરે આવ્યા બાદ સંજયભાઈએ ચકાસણી કરતાં તે પિત્તળ અને લોખંડના નીકળ્યા હતા.