પાલનપુર, તા.૨૫
પાલનપુરના ગઠામણ ગામમાં થોડા દિવસ અગાઉ ડેન્ગ્યુથી એક બાળકીનું મોત નીપજ્યા બાદ સફાળા જાગેલા આરોગ્ય વિભાગે સાત દિવસમાં 11 હોસ્પિટલ અને હોટલ, પાર્લર અને ટાયરોની દુકાનોમાં તપાસ કરતાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતાં દંડ ફટકાર્યો હતો. મંગળવારે વધુ 5 ખાનગી હોસ્પિટલ અને 5 નાના મોટા પાર્લર અને ભોજનલયોમાં ડેન્ગ્યુના બ્રીડિંગ મળ્યા હતા. જે મામલે પાલિકાની ટીમને સાથે રાખી રૂ.6900નો દંડ ફટકાર્યો હતો.
પાલનપુર શહેરમાં ફેલાયેલા ડેન્ગ્યુ તેમજ વાયરલ ફીવરને કાબુમા લેવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે રામલીલા મેદાન તેમજ હાઇવે વિસ્તારની હોસ્પિટલ અને રેસ્ટોરન્ટમા તપાસ કરતા ડેન્ગ્યુના બ્રિડિંગ મળી આવ્યા હતા. જેથી તેમની સામે દંડનીય કાર્યવાહી કરી રૂ.6900 જેટલો દંડ વસુલવામા આવ્યો હતો.
નોંધનીય છે કે, આરોગ્ય વિભાગે 17 થી 24 સપ્ટેમ્બર સુધીમાં શહેરના 28,366 ઘરમાં સર્વે કર્યો હતો. જેમાં 2711 બ્રીડિંગ મળી આવ્યા હતા.1805 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ 39 સ્થળોએ તપાસ કરી મચ્છરના બ્રીડિંગ મળતાં 38,400 નો કુલ દંડ વસુલ ફટકાર્યો હતો.