3 હજાર વિદ્યાર્થીઓના નામો લખવામાં કેવી ભૂલો થઈ

GSEB દ્વારા બોર્ડના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે 3000 જેટલી હોલ ટિકિટમાં ભૂલ સામે આવી છે. કેટલીક હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓના નામ બદલાઈ ગયા છે, તો કેટલીક હોલ ટિકિટોમાં અટક અને વિષય બદલાઈ જવાની ફરિયાદો શિક્ષણબોર્ડને મળી હતી. હવે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ ગોટાળો બહાર આવ્યો છે.

બોર્ડના પરીક્ષાની ફોર્મમાં શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા કેટલીક જગ્યા પરથી વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને વિષયમાં ભૂલો આવે છે. આ વર્ષે 3000 જેટલા આવા કિસ્સાઓ સામે આવ્યા હતા. જેનું નિરાકરણ કરી દીધું હતુ. આ ઉપરાંત હોલ ટિકિટનું વિતરણ થયા પછી વિદ્યાર્થીઓને કેટલીક ક્ષતિઓ જણાઈ છે, તે ક્ષતિઓ સુધાવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.

ધોરણ 10 અને 12ના 18 લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે. ત્યારે ધોરણ 10ના 11,59,772 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં 7,05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. ત્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 5,33,626 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 1,47,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં વિજ્ઞાન પ્રવાહના A ગ્રુપ માંથી 57,511 વિદ્યાર્થીઓનો અને B ગ્રુપ માંથી 89,760 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.