૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર મજૂરોને ગુજરાત બહાર મોકલાયા

૩પ વિશેષ ટ્રેન દ્વારા ૪૨ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-વ્યકિતઓને તેમના વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થા કરી છે.
૩પ વિશેષ ટ્રેન ઉપરાંત એસ.ટી બસ મારફતે પપ૦૦ તેમજ ખાનગી વાહનો મારફતે ૧.૬૭ લાખ જેટલા અને સુરત મહાનગરમાંથી પરમીટ આપીને પોતાના વાહનો કે ખાનગી વાહનો દ્વારા ૧.૧૪ લાખ મળી સમગ્રતયા ૩.રપ લાખ જેટલા અન્ય રાજ્યો યુ.પી. બિહાર, ઝારખંડ, ઓરિસાના શ્રમિકો-વ્યકિતઓને અમદાવાદ-સુરત અને ગુજરાતથી તેમના વતન રાજ્ય મોકલવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટર તંત્રમાં નોંધાયેલા શ્રમિકોને વતન મોકલવામાં આવે છે અને આવા શ્રમિકોને કલેકટર કચેરીમાં નોંધણી કરાવ્યાથી વતન મોકલવાની વ્યવસ્થાઓ પણ થઇ રહી છે.
ર મે થી અન્ય રાજ્યોના શ્રમિકોને ખાસ ટ્રેન મારફતે તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવી રહ્યા છે.
સુરતથી ઓરિસા માટે ૮, બિહાર માટે ૧, ઝારખંડ માટે ૧, વડોદરાથી યુ.પી માટે ર, અમદાવાદથી બિહાર માટે ૩ અને યુ.પી. માટે ૪, ગોધરા, નડિયાદ, પાલનપુર અને રાજકોટથી યુ.પી. માટે એક એક ટ્રેન સહિત કુલ-ર૩ ટ્રેન દ્વારા અંદાજે ર૮ હજાર શ્રમિકોને ત્રણ દિવસમાં વતન રાજ્ય મોકલવામાં આવ્યા છે.
એટલું જ નહિ, મંગળવારે પાંચમી મે એ સુરતથી ઓરિસા માટે ૩, યુ.પી. માટે ૩, બિહાર અને ઝારખંડ માટે ૧-૧ એમ કુલ ૮ ટ્રેન મારફતે અંદાજે ૯૬૦૦ લોકો, વિરમગામથી યુ.પી. માટે ર ટ્રેન દ્વારા ર૪૦૦ અને અમદાવાદથી બિહાર અને યુ.પી. માટે એક-એક ટ્રેન એમ કુલ-૧ર ટ્રેન દ્વારા ૧૪ હજાર શ્રમિકો પોતાના વતન રાજ્યમાં જવા રવાના થવાના છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સુરતમાં વસવાટ કરી રહેલા સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓના રત્ન કલાકારોને તેમના વતન ગામ જવા દેવાનું પણ સમયબદ્ધ આયોજન ઘડયું છે.

સમિતીને બોટાદ, અમરેલી, ભાવનગર તથા ગુજરાતના અન્ય સંબંધિત જિલ્લાના કલેકટર, એસ.પી સાથે સંકલનમાં રહીને સુરતથી પોતાના વતન જિલ્લા-ગામ જનારા રત્ન કલાકારોને માર્ગમાં પણ કોઇ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા સૂચવ્યું છે.
સુરતમાંથી સૌરાષ્ટ્રના આવા જિલ્લાઓમાં તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જવા ઇચ્છતા રત્ન કલાકારોનું આવતીકાલ-બુધવારથી રજિસ્ટ્રેશન જિલ્લા કલેકટર કચેરી ખાતે ઓનલાઇન કરવામાં આવશે.
આ માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે અને તે પોર્ટલ પર એક જિલ્લાથી અન્ય જિલ્લામાં ખાસ કરીને સુરતથી અન્ય જિલ્લામાં જનારા વ્યકિતઓએ અરજી કરવાની રહેશે.
એક કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી બીજા કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવા-આવવાની પરવાનગી આપવામાં આવશે નહિ.
પોર્ટલ પર અરજી મંજૂર થયા પછી રત્ન કલાકારોનું સ્કીનીંગ કરીને સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સ અને ફરજીયાત માસ્ક પહેરવાની શરત સાથે બસમાં કે ખાનગી વાહનોમાં આવા રત્ન કલાકારોને ઓલપાડ, અંકલેશ્વર, જંબુસરના માર્ગે વતન સૌરાષ્ટ્ર અથવા અન્ય જિલ્લાઓમાં જવાની તબક્કાવાર મંજૂરી અપાશે.
જો કોઇ વ્યકિતને શરદી, તાવ, ઉધરસ કે અન્ય રોગના લક્ષણો જણાશે તો તેને જવાની મંજૂરી આપવામાં આવશે નહિ.
રત્ન કલાકારોનું પોતાના વતન જિલ્લા-ગામ પહોચ્યા પછી પણ ફરીથી આરોગ્ય પરિક્ષણ કરાશે અને તેમને ૧૪ દિવસ માટે હોમ કવોરેન્ટાઇન કે જરૂર જણાયે ઇન્સ્ટીટયુશનલ કવોરેન્ટાઇન પણ થવું પડશે એમ પણ તેમણે જણાવ્યું હતું. જો શરદી, તાવ, ઉધરસ, શ્વાસની તકલીફ જણાશે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં મોકલી અપાશે.
આવા રત્ન કલાકારો વતન જિલ્લા-ગામ ગયા પછી ૪૫ દિવસ સુધી સુરત પરત આવી શકશે નહિ.