ગુજરાતમાં કોરાનાથી 3 લાખ મોત, દરેકને 4 લાખ આપો – કોંગ્રેસ

૧૫-૧૨-૨૦૨૧

હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે – જગદીશ ઠાકોર

અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ નાગરિકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.

કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા

કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોના સ્વજનોને ન્યાય અપાવવા રાજ્યપાલ – રાષ્ટ્રપતિ સુધી સમગ્ર વિગતો સાથે રજુઆત કરાશે.

પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ સરકારનો અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, અધિકારી રાજ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.

કોરોના પિડિતને ચાર લાખની સહાય કરવાના રૂપિયા નથી, પણ 200 કરોડનું મુખ્ય પ્રધાનનું અને 8 હજાર કરોડનું વડાપ્રધાનનું વિમાન ખરીદવા પૈસા છે. કોવિડ મૃતક પરિવારને સહાયમાં વારંવાર સરકારી કચેરીઓમાં ધરમધક્કા ખાવા પડે છે. નાગરીકો લાચારી અનુભવી રહ્યાં છે. ડેથ સ્લીપમાં કોવીડથી મોત અને  કોઝ ઓફ ડેથમાં કોવીડ નથી. પુરાવા એકત્ર કરવા અનેક ધક્કા બાદ હજુ કોઈ સહાય જમા થઇ નથી. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે ‘ગુજરાતનાં નાગરીકો’ આ છે ભાજપ સરકારનું ‘ગુડ ગવર્નન્સ’ મોડલ.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા  રાહુલ ગાંધીએ કોરોના પિડિતો – પરિવારજનોના પડી રહેલ મુશ્કેલીઓ – લાગણીઓને વાચા આપવાનો સતત પ્રયત્ન કર્યો. કોંગ્રેસ પક્ષ ગ્રામ્ય – શહેર વિસ્તારના મૃતકોની સાચી વિગતો સરકાર સુધી પહોંચાડશે. કોંગ્રેસનો સંકલ્પ છે કે કોરોનાના મૃતકના  પરિવારોને 4 લાખ રૂપિયાની  સહાય મળવી જ જોઈએ અને કોંગ્રેસ પક્ષનો ગુજરાત અને દેશની જનતા માટે સંકલ્પ છે કે, મૃતકના પરિવારોને 4 લાખ રૂપિયા અપાવવાની લડતમાં જે હદ સુધી જવું પડે, લડાઈ લડવી પડે તે લડાઈ માટે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ પક્ષનો કાર્યકર તૈયાર છે.

ભાજપ સરકાર પાસે મોંઘા પ્લેન ખરીદવાના, ઉદ્યોગપતિના લાખો અને કરોડો રૂપિયા માફ કરવાના પૈસા છે. એમના ઉત્સવો અને તાયફાઓ પાછળ કરોડો રૂપિયા બરબાદ કરવાનું બજેટ છે. પણ ગુજરાતના કોરોનાના મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા આપવા માટે નાણાં – બજેટ નથી.

સરકારી અને પક્ષીય કાર્યક્રમો માટે ગ્રામ સભા બોલાવવામાં આવે છે. તો કોવીડના મૃત્યુ પામનાર પરિવારોને સહાય આપવા માટે ગ્રામ સભા કેમ બોલાવવામાં આવતી નથી ? કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા છે. ‘મહામારી સામે સારી અમને સારવાર મળશે. પણ ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા ઠગારી નીકળી તેના વિશ્વાસનો ઘાત થયો. ભાજપ સરકારે આ કપરા સમયમાં લોકોને ભગવાન ભરોસે જીવવા છોડી દીધા. પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં ઓક્સિજન, ખાલી બેડ, રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર, દવાના કાળાબજાર, ૧૦૮ એમ્બ્યુલન્સ માટે લાંબી કતારો લાગી, 48 થી 72 કલાક સુધી એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડે, સરકારની ગુન્હાહિત બેદરકારી, અણઘડ વહિવટ, આયોજનનો અભાવ, અધિકારીરાજના લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પરિવારના સ્વજનો ગુમાવવા પડ્યા છે. ધમણના નામે લોકોના મોત થયા, જે રીતે ગુજરાતમાં હોસ્પિટલમાં બેડ ના મળે, ઓક્સીજન માટે લોકોએ દર દર ભટકવું પડે, ઈન્જેકશનની કાળાબજારી થાય, વેન્ટીલેટર વગર લોકો તરફડી તરફડીને મોતના મુખમાં ધકેલાય અને સરકારમાં બેઠેલા લોકો મુકપ્રેક્ષક બની જોતા રહ્યાં. ભાજપ સરકારની 17મી સપ્ટેમ્બરે નિરાધાર 8000  બાળકોને સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે તેનો અર્થ સરકારની સત્તાવાર યાદી મુજબ કુલ 13000 જેટલા બાળકો નિરાધાર થયા છે.

કોંગ્રેસ પક્ષ કોવીડમાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનોને સત્વરે આર્થિક સહાય મળે તેવી માંગ કરે છે.