300 કિલો પ્લાસ્ટીક જપ્ત, 3 હજારનો દંડ વસૂલયો

હિંમતનગર, તા.૧૨

હિંમતનગર નગરપાલિકા દ્વારા 2 જી ઓક્ટોબરથી પ્લાસ્ટીક ફ્રી શહેર ઝૂંબેશ શરૂ કર્યા બાદ વેપારીઓ અને ફેરિયાઓને એક સપ્તાહ જેટલો સમય આપ્યા બાદ શુક્રવારે સવારે પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી પ્લાસ્ટીકના હોલસેલ વેપારી અને શાકભાજીના ફેરીયા, વેપારી પાસેથી કુલ 300 કિ.ગ્રા. પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂ.3 હજાર દંડ વસૂલવામાં આવ્યો હતો.

શુક્રવારે પાલિકા પ્રમુખ અનિરુદ્ધ સોરઠીયા, ચીફ ઓફિસર અલ્પેશકુમાર પટેલ, સ્વચ્છ ભારત મિશનના ચેરમેન નીલાબેન પટેલે, પાલિકાના આરોગ્ય વિભાગના સ્ટાફને સાથે રાખી પ્લાસ્ટીકનું વેચાણ કરતાં અને ઉપયોગ કરતાં લોકોને ત્યાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી સ્ટેશન રોડ પર જૈનિથ પ્લાસ્ટીક દુકાનમાંથી 51 માઇક્રોનથી ઓછી ગુણવત્તાનું 200 કિગ્રા પ્લાસ્ટીક જપ્ત કર્યુ હતુ અને રૂ.2 હજાર દંડ વસૂલ કર્યો હતો. ત્યારબાદ ટાવર નજીક શાકમાર્કેટમાં તપાસ હાથ ધરી જુદા જુદા વેપારીઓ પાસેથી 100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી કુલ રૂ.1 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો તથા બીજીવાર પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઝડપાશે તો કાયદાની જોગવાઇ અનુસાર વધુ કડક કાર્યવાહી કરાશે.