32 વર્ષથી અમદાવાદ પર ભાજપનું રાજ છતાં પાણી માટે ટેન્કર

અમદાવાદ શહેરમાં ગુજરાતના તમામ વિસ્તારો કરતાં સૌથી વધું પાણીના ટેન્કર દોડે છે. અહીં વર્ષે રૂ.2 કરોડનું ખર્ચ તો સસ્તામાં મળતા ટેન્કર દ્વારા થાય છે. જો આ પાણી ખાનગી ટેન્કરો દ્વારા મંગાવવામાં આવતું હોત તો વર્ષે રૂ.10 કરોડનું ખર્ચ શહેરના લોકો દ્વારા કરવું પડત. અમદાવાદમાં ફાયરબ્રિગેડ દ્વારા મફત પાણી આપવામાં આવે છે. ગુજરાતમાં પાણીની કોઈ તકલિફ નથી એવું કહેનાર ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અમદાવાદ શહેરમાં 9 ટકા વિસ્તાર એવો છે કે જ્યાં પિવાનું પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપી શકતું નથી. અહીં 1987થી 32 વર્ષથી ભાજપની સત્તા છે. આટલી લાંબી સત્તા કોંગ્રેસની પણ અહીં રહી નથી તેમ થતાં ભાજપનો વિસાક ટેન્કરોમાં અને પિવાનું પાણી ન મળવા વચ્ચે અટવાઈ પડ્યો છે. અમદાવાદમાં નર્મદા નહેર, સિંચાઇ વિભાગના ફ્રેંચ વેલ, નડિયાદની શેઢી નહેર, ધોળકા શાખા નહેર, નર્મદા નહેર ગ્રેવીટી લાઇન, બોરથી રોજ 1249 MLD પાણી આપવામાં આવે છે. 300 MLD પાણીની અછત વર્તાઇ રહી છે.

નવા પશ્ચિમ ઝોનના સરખેજ તથા દક્ષિણ ઝોનના દાણીલીમડામાં પીવાના પાણીની સૌથી વધું અને વર્ષોથી  સમસ્યા છે, જ્યાં પીવાનું પાણી ટેન્કરથી સપ્લાય કરવામાં આવે છે. 2017માં નવા પશ્ચિમ ઝોનમાં રૂ.62.06 લાખ, ઉત્તર ઝોનમાં રૂ.32.53 લાખ, પશ્ચિમ ઝોનમાં રૂ.45.13 લાખ તથા પૂર્વ ઝોનમાં રૂ.56.27 લાખનો ખર્ચ ટેન્કરથી પાણી સપ્લાય કરવા પાછળ થયો હતો. જ્યારે વર્ષ 2018માં નવા પશ્ચિમ ઝોનમાં રૂ.63.72 લાખ, ઉત્તર ઝોનમાં રૂ.51.19 લાખ, પશ્ચિમઝોનમાં રૂ.43.89 લાખ તથા પૂર્વ ઝોનમાં રૂ.53.01 લાખનો ખર્ચ પાણીના આપવા માટે ટેન્કર પાછળ થયો હતો.

શાહઆલમમાં એફ કોલોની પોલીસ લાઈનમાં 200 થી 225 મકાનોમાં મોટા ભાગના મકાનોમાં પાણી આવતું જ નથી. જેના કારણે આ લાઈનમાં રોજ ટેન્કરથી પાણી મંગાવવું પડે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2019-20નું રૂ.7509 કરોડનું અંદાજપત્ર છે. ‘મોડર્ન અમદાવાદ’નાં સોનેરી સ્લોગન હેઠળ મૂકીને લોકોને આંજી દેવાયા છે. પૂર્વ મેયર અને અમિત શાહના ખાસ એવા ગૌતમ શાહ નારણપુરામાંથી ચૂંટાતા આવ્યા છે. અમિત શાહનું જૂનુ ઘર અહીં છે. છતાં પાણીની તંગી દૂર કરી શકાઈ નથી.

પાણી ચોરી

મ્યુનિકોર્પોરેશનના સત્તાધીશો-નેતાઓની મેળાપીપણાથી અમદાવાદના દૂધેશ્વવર પાણી વહેંચણી મથકથી ખુલ્લેઆમ ટેન્કરો ભરીને પાણીની બેફામ ચોરી કરવામાં આવતી રહી છે. રોજ 6 ટેન્કરો ચલાવવાની ભરવાની મંજૂરી સામે 20 ટેન્કરો ચલાવીને 100થી વધું ફેરા ભરીને એકના રૂ.1200માં વેચી મારવામાં આવે છે. પાણી ચોરી કરતા માફિયાઓ અધિકારીઓ સાથે મજબુત ગોઠવણથી કોઇ પગલા ભરાતા નથી.

10 ટકા લોકો દૂષિત પાણી પીવે છે. આમ સમગ્ર અમદાવાદમાં 60 લાખ લોકોમાંથી 20 ટકા એટલે કે 12 લાખ લોકોને પિવાનું પાણી મળી શકતું નથી. જ્યાં ભાજપનું 32 વર્ષથી શાસન છે.