દૂધસાગર ડેરીના અધ્યક્ષ પદેથી દૂર કરાયા બાદ વિપુલ ચૌધરીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના અધિકારીઓ ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને ખાનગી ડેરીઓમાં અન્ય સંઘોનું દૂધ પેકિંગ કરાવી રહ્યાં છે. વિપુલ ચૌધરી કે જે ‘દૂધ સગાર રિસર્ચ ડેવલપમેન્ટ એસોસિએશન’ (દૂરડા)ને અધ્યક્ષ છે તેમણે એવો આરોપ મૂક્યો હતો કે, મોલાસીસ ખરીદીમાં દૂધ સંઘના અધિકારીઓને ખોટી રીતે પોલીસ કેસ કરીને જેલમાં નાંખવામાં આવી રહ્યાં છે. સરકારે કસ્ટોડિયન નિયુક્ત કર્યા હતા ત્યારે સમિતિએ જે ખરીદી કરી તેના કારણે દૂધ સંઘને રૂ.35 કરોડ કરતાં વધારે નુકસાન થયું છે. જે અંગે અનેક ફરિયાદો કરવા છતાં તેમની સામે કોઈ પોલીસ પગલાં લેવામાં આવતાં નથી. આ નુકસાનની રકમ તુરંત કસ્ટોડિયન સમિતિ પાસેથી વસુલ કરવી જોઈએ. આમ તેમણે સીધી સરકારને પડકારી છે. અધિકારીઓ સામે આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી. રૂપાણી આ સમગ્ર બાબત જાણે છે.
રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલાં કસ્ટોડિયન સમિતિના સમય ગાળામાં આ કૌભાંડ થયું છે. સરકારે વિપુલ ચૌધરીને ભ્રષ્ટાચારના મુદ્દે અધ્યક્ષ પદેથી દૂર કર્યા બાદ સરકારે મૂકેલા અધિકારીઓ પણ ગાંધીનગરની સુચનાથી પોતે જ ભ્રષ્ટાચાર કરવા લાગ્યા હતા.
મહેસાણાની દૂધસાગર ડેરીએ 2 ઓગસ્ટ 2018ના દિવસે જાહેર ખૂલાસો કર્યો હતો કે, 15,000 ટન મોલાસીસની ખરીદી કરી તેમાં રૂ. 35.96 કરોડની ખોટ ગઈ હતી. જે કસ્ટોડિયન સમિતિના સમયમાં 16 ડિસેમ્બર 2015માં કરવા નક્કી કરાયું હતું. તે અંગે દૂધસાગરે ફરીયાદ નોંધાવી છતાં તે અંગે આજ સુધી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામા આવી નથી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ આ બધી વિગતો આપી હોવાથી તેઓ બધું જાણતાં હોવા છતાં કોઈ પગલા લીધા નથી અથવા લેવા દેતાં નથી. ખરેખર વિજય રૂપાણીએ આ રકમ પરત લેવા માટે કાર્યવાહી કરવી જોઈતી હતી. તેનો સીધો મતલબ એ થયો કે ગુજરાતની રૂપાણી સરકારે આજ સુધી કંઈ જ કર્યું નથી. ખોટ ભરપાઈ કરવા માટે પશુપાલકોને એક કિલો ફેટનો ભાવ રૂ. 600 કરી દેવાયો છે. જે પહેલાં રૂ. 625 આપવામાં આવતો હતો. આમ આ બે નિર્ણયો કહે છે કે, દૂધસાગર ડેરીનું તંત્ર પશુપાકના નામે કેવી ગેરવ્યવસ્થા ઊભી કરી રહ્યું છે. પશુપાલકોને ભાવ ઘટાડાના કારણે ભારે નુકશાની ભોલવવી પડશે. વળી ડેરીમાં ખરાબ કે આરોગ્યને હાનિકારક દૂધ આવશે તો તે ગટરમાં ઢોળી દેવાનું નક્કી કરાયું છે, આમ ડેરીમાં ખરાબ દૂધ આવી રહ્યું હોવાનું તે પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. દૂધસાગર ડેરીમાં જ્યારથી રાજકીય નેતાઓ પગપેશારો કરી રહ્યાં છે અને ગુજરાત સરકારે રાજકારણ રમી રહી છે ત્યારથી ડેરી અત્યંત કપરા સમયમાં આવી રહી છે.
શું છે મોલાસીસ પ્રકરણ
મહેસાણા દૂધસાગર ડેરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એન. પી. સંચેતી અને જગુદણ સાગર દાણ ફેક્ટરીના મેનેજર મનોજ ગોસ્વામી સામે રૂ. 1.10 કરોડની ઉચાપત સામે ફરિયાદ મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર મહેસાણામાં ફરિયાદ નોંધાવી હતી. 2015માં ઊંચા ભાવે પશુને ખોરાક તરીકે આપવા મોલાસીસ ખરીદવાનો મામલો હતો. કિંજલ કેમિકલ નામની કંપની પાસેથી બજાર ભાવ કરતા ઊંચા ભાવે મોલાસીસ ખરીદ્યું હતું. ઓર્ડર આપ્યો ત્યારે મોલાસીસ યુનિટનો ભાવ રૂ. 8600 હતો. જે નિયત સમય મર્યાદામાં કિંજલ કેમિકલે ઓર્ડર પૂર્ણ નહોતો કર્યો. થોડા સમયમાં મોલાસીસનો ભાવ ઘટીને રૂ. 6000 થઈ ગયો હતો. આમ ભાવ નીચે ગયા હોવા છતાં ઊંચા ભાવે કરોડો રૂપિયાની ખરીદી ચાલુ કરી હતી. જે અન્ય ડેરીએ ભાવ આપેલો હતો તેના કરતાં વધું હતો. પોલીસે ડેરીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ધરપકડ કરી હતી. જ્યારે ડેપ્યુટી મેનેજર કમર્શિયલની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. તે સમયે અન્ય ડેરીઓએ મોલાસીસની પ્રતિ ટન રૂ. 6800નાં ભાવથી ખરીદી કરી હતી. તેથી 15 હજાર મેટ્રીક ટન મોલાસીસની ખરીદી એક ટને રૂ. 1400નાં ઉંચા ભાવથી ખરીદી કરીને દૂધ સંઘને કરોડોનું નુકશાન પહોંચાડ્યુ હતું.
અધિકારીઓએ આડેધડ ખરીદી કરી
અધિકારીઓએ સુઓમોટો જાતે નિર્ણય કરીને ખરીદી કરી હોવાથી ચૂંટાયેલાં ડિરેક્ટરો અશોક ચૌધરી, રાયમલ દેસાઈ અને પ્રધાનજી ઠાકોરે રાજ્ય રજિસ્ટ્રારને રજૂઆતો કરી હતી. આ રજૂઆતને અંતે ગેરરીતિ માલૂમ પડતાં રાજ્ય રજિસ્ટ્રારનાં આદેશથી જિલ્લા સહકારી રજિસ્ટ્રારે દૂધસાગર ડેરીનાં કોમર્શીયલ વિભાગનાં ડાયરેક્ટર નીતિન પી.સંચેતી અને ડેપ્યુટી મેનેજર મનોજ સુધીરચંદ ગોસ્વામી સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે કમર્શિયલ વિભાગનાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર નીતિન સંચેતીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે મનોજ ગોસ્વામીની ધરપકડ કરવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા હતા.
દૂધસાગર ડેરીના ડિરેક્ટર મોંઘજીભાઈ ચૌધરીએ એવી રજૂઆત કરી હતી કે, 2015ની મોલાસીસની ખરીદીની વાત છે તે સમયે કસ્ટોડિયન કમિટી હતી. તેમાં થયેલી ગેરરીતિઓ આ અધિકારી ડૉ.નિતીન સંચેતીના માથે નાખી છે, એ વખતે આ અધિકારી ખરીદ સમિતિમાં નહોતા, તેમની બદલી વેટરનરી વિભાગમાં હારીજ કરાયેલી હતી અને રજા ઉપર હતા. છતાં તારીખો આડી-અવળી લખી તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. કસ્ટોડિયન કમિટીએ રૂ. 32 કરોડની ગેરરીતિ કરી છે, એમાં અમે દાવો કર્યો છે, એમાં પોલીસ પકડવા જતી નથી.
કસ્ટોડિયન મૂકાયા
16 એપ્રિલ 2015ના રોજ વિપુલ ચૌધરીને સત્તા પરથી દૂર કરીને ડેરીનો ચાર્જ અધિક રજીસ્ટ્રાર ગાંધીનગર એમ.ડી.ચૌહાણે સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાંની સાથે બોર્ડ ઓફ ડિરેકટર્સની તમામ કામગીરી કસ્ટોડિયન મારફતે કરવા દૂધ સંઘના મેનેજિંગ ડિરેકટર, અન્ય તમામ અધિકારીઓ, કર્મચારીઓને આદેશ કરતો પત્ર અત્રેના નોટિસ બોર્ડ પર લગાવી દેવાયો હતો. ભાજપ સરકારે વહીવટદાર મૂકાવાનો નિર્ણય કર્યો હતો. સહકારી અગ્રણી નટુભાઇ પટેલ અને વિપુલભાઇ ચૌધરી વિરુદ્ધ ફરિયાદો સરકારે કરી હતી. જે બતાવે છે કે, સહકારી ક્ષેત્રમાં આ એક જ એવી ડેરી છે કે જ્યાં ભાજપ કબજો જમાવી શક્યો નથી. તેના પર કબજો કરવા ભાજપ કાવાદાવ કરી રહ્યો છે.