અમપામાં દલા તરવાડી જેવી રિંગણા લઉ બેચારની સ્થિતિ
પ્રજાને તો ઉત્સવો અને કાર્યક્રમો નિહાળવા ગાંઠના ખરચવા પડે છે
આમ તો સરકાર એક કાણી પાઇ પણ ખરચવી પડે તો તેનો હિસાબ રાખતી હોય છે અને માંગતી હોય છે. આપણી પાસે અનેક એવા દાખલા છેકે થોડા પૈસાનો હિસાબ નહીં મળવાને કારણે અધિકારીઓને ખાતાકિય તપાસમાંથી પસાર થવું પડ્યું છે. પરંતુ જો પોતાનો સ્વાર્થ હોય તો સરકાર કરોડોનો હિસાબ માંગતી નથી. તેનું ઉદાહરણ છે અમપા દ્વારા ઉજવાતા ઉત્સવોનો ખરચો અને તેનો હિસાબ.
ઉત્સવોની ઉજવણીના ફારસમાં સરકારી પ્રજાના પૈસાનું પાણી
વર્ષોવરસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ કાંકરીયા કાર્નિવલ, બુકફેર, ફલાવર શો સહિતના અનેક નાના-મોટા ઉત્સવો યોજીને શહેરને ભેગુ કરે છે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોની તમામ જવાબદારી અને નાણાંકીય સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવેલી છે એવી જ રીતે પ્રજાલક્ષી કાર્યો નિર્વિઘ્ને પાર પડે તેવા હેતુથી મ્યુનિસિપલ કમિશ્નર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર કક્ષાના અધિકારીઓએ અલગથી વિશેષ નાણાંકીય સત્તા આપવામાં આવી છે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉચ્ચ અધિકારીઓ ઉપયોગ કરીને મેગા કાર્યક્રમ યોજીને વાહવાહી મેળવે છે.
એક કાણી પાઇના હિસાબો રજૂ કરવામાં આવતાં નથી

જ્યારે તેના હિસાબ રજૂ કરવાની વાત આવે છે તો પાણીમાં બેસી જાય છે. હિસાબ કમિટિ સમક્ષ એક પાઇનો પણ હિસાબ રજૂ કરવામાં આવતા જ નથી. મ્યુનિસિપલ કોંગ્રેસે પક્ષે કમિટિ દ્વારા આપવામાં આવેલી સત્તાના હિસાબો સાર્વજનિક રીતે કરવા માટે તેમજ ફલાવર શોનો લાભ તમામ વર્ગના નાગરીકો લઈ શકે તે માટે સોમથી શુક્રવાર સુધી વિના મૂલ્યે પ્રવેશ આપવા માટે માંગણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દાયકાથી નાના-મોટા ઉત્સવોની ઉજવણી કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નરને નાણાંકીય સત્તા આપવાનો રિવાજ થઈ ગયો છે.
પૈસા કેટલા આવ્યાં અને ક્યાં ગયા તેની કોઇ ગણતરી નહીં
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિમાં આ મુદ્દે ઠરાવ થાય છે. પરંતુ ઉજવણી બાદ તેના હિસાબો કમિટિ સમક્ષ રજૂ થતાં નથી. તથા શાસકો હિસાબ માંગવાની તસ્દી પણ લેતા નથી. ર૦૦૮માં કાંકરીયા કાર્નિવલની ઉજવણી શરૂ થઈ એ સમયથી તેના હિસાબો કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવતા નથી.
અરે એ તો ઠીક છે પરંતુ ખર્ચનો હિસાબ સાર્વજનિક પણ કરવા
માં આવેતો નથી. કેટલા મળ્યા કેટલા ગયાં અને ક્યાંક્યા કેટલો ખર્ચ કરાયો તે બાબત પણ રજૂ કરવામાં આવતી નથી. નાનીનાની ખરીદી કે ખર્ચાનું ઓડિટ થાય છે પરંતુ આ હિસાબનું કોઇ ઓડીટ પણ થતું નથી. તેથી આ તમામ તહેવારો-ઉત્સવોની ઉજવણીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા વ્યક્ત થાય છે.
આગામી ફ્લાવર શોમાં કોઇ નાણાકિય મર્યાદા નહીં
આગામી ડીસેમ્બર મહિનામાં યોજાનાર ફલાવર શો માટે પણ કમિશ્નરને નાણાંકીય સત્તા આપવામાં આવી છે. પરંતુ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી નથી. સુત્રોએ જણાવ્યા અનુસાર પાછલા વર્ષ દરમ્યાન કાંકરીયા કાર્નિવલ કે ફલાવર શો માટે જે ખર્ચ થયો હોય તેના દસ કે વીસ ટકા વધુ ખર્ચ થવાની ગણતરી રાખીને જ ખર્ચ મર્યાદા સાથે ઠરાવ કરવામાં આવે એ જરૂરી છે.
કાંકરીયા કાર્નિવલની શરૂઆત થઈ એ સમયે સ્પોન્સરશીપના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ દસ વર્ષમાં દસ સ્પોન્સર પણ મળ્યા નથી. એવી જ રીતે નાણાંકીય સતા મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ ‘કરકસર’ નામના શબ્દને જ ભૂલી જાય છે. તેમજ ભાણિયા-ભત્રીજાઓને બારોબાર કામ આપવામાં આવે છે. એવી વ્યાપક ફરીયાદો પણ ઉઠી રહી છે.
હિસાબ સમિતિ પાસે સત્તા હોવા છતા નથી માંગવામાં આવતો હિસાબ
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ શાસકો તેમની જવાબદારીમાંથી છટકવા માટે કમિશ્નરને સત્તા સોંપી રહ્યા છે. કમિટિમાં ઠરાવ કરીને નાણાંકીય સત્તા આપ્યા બાદ તેનો હિસાબ માંગવાની જવાબદારી પણ કમિટિની રહે છે.
તેથી કોઈપણ ઉજવણી કે અન્ય કાર્યક્રમોની નાણાંકીય સતા આપ્યા બાદ તેના હિસાબ સાર્વજનિક કરવામાં આવે તે જરૂરી છે. મનપાના અધિકારીઓએ પણ તેમની નૈતિક ફરજ સમજીને પ્રજાના રૂપિયાના હિસાબો આપવા જાઈએ. સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા પ્રજાકીય કામો માટે ઉચ્ચ અધિકારીઓને નાણાંકીય સતા આપવામાં આવી છે. તેના હિસાબો પણ જાહરે થતાં નથી.
કાર્યક્રમ નિહાળવા પ્રજા પાસેથી તગડી ફી વસૂલાય છે

ભૂતકાળમાં સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ કલમ ૭૩ (ડી) અંતર્ગત કરવામાં આવેલા કામોનો હિસાબ રજુ કરવામાં આવતો હતો. પરંતુ વર્તમાન કમિશ્નરે અગમ્ય કારણોસર તે પ્રથા પણ બંધ કરી દીધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ પ્રજાના રૂપિયાની ટ્રસ્ટી છે. શહેરના નાગરીકો પાસે ૧૮ ટકા વ્યાજ વસુલ કરવામાં આવે છે તો તેનો હિસાબ પણ નાગરીકોને આપવા માટે શાસકો અને ઉચ્ચ અધિકારીઓની ફરજ છે તથા સાચો હિસાબ આપવાની નૈતિક હિંમત પણ દાખવવી જાઈએ. મ્યુનિસિપલ શાસકોને નાણાંકીય સત્તા આપ્યા બાદ હિસાબ લેવની તસ્દી લેતા નથી. પરંતુ પ્રજાના રૂપિયાથી ઉજવણી થતાં કાર્યક્રમો નિહાળવા માટે તગડી ફી લેવામાં આવે છે.
ફલાવર શોમાં નાગરીકો પાસેથી ફી લેવાની બંધ કરવી જાઈએ. શનિવાર અને રવિવારે ધસારો હોવાના કારણો દર્શાવીને ફીમાં વધારો કર્યો છે. તેમાં ઘટાડો કરવામાં આવે. જ્યારે સોમવારથી શુક્રવાર સુધી નાગરીકોને વિના મૂલ્યે પ્રવેશ આપવો જાઈએ એવી માંગણી પણ તેમણે કરી હતી.

English





You must be logged in to post a comment.