જો આવી મહિલાઓ પોલીસમાં ભરતી થતી રહેશે તો ગુનેગારોની ખેર નથી. વાત છે ATSની ચાર મહિલા PSI ની, સંતોક ઓડેદરા, નિત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલેએ જૂનાગઢના એક ગેંગસ્ટરને જંગલમાંથી પકડી પાડ્યો છે. જુસબ નામનો આરોપી બોટાદના જંગલોમાં સંતાયો છે, તેવી મહિલા ATSની ચારે PSIને માહિતી મળી હતી. તેમને આરોપીને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતુ. એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ જૂનાગઢના કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલ્હાર ખાનને ઝડપી પાડવાનું કામ આ મહિલા પીએસઆઈને આપ્યું હતુ અને તેમને કરી પણ બતાવ્યું છે.
જુસબ અલ્લારખા વિરુદ્ધ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનોમાં ખૂન, લૂંટ, સરકારી કર્મચારીઓ પર હુમલા કરવા સહિતના 23 ગુનાઓ નોંધાયા છે. ધમકી આપીને જમીન ખાલી કરાવવી અને ખંડણી માંગીને દાદાગીરી કરવી તેનો ધંધો બની ગયો હતો. પોલીસ પર ફાયરિંગ કરીને હત્યા કરવાનો પણ તેને પ્રયાસ કર્યો હતો. છેલ્લે તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો અને ત્યારનો વોન્ટેડ હતો અને જંગલોમાં છુપાઇને રહેતો હતો. પોલીસને બાતમી હતી કે તે મોટરસાઇકલ પર જંગલોમાં ફરી રહ્યો છે. તેને આધારે એટીએસે તેને ઝડપી પાડ્યો છે અને ચાર બહાદુર મહિલા પીએસઆઇએ આ કરી બતાવ્યું છે.