4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે : પરેશ ધાનાણી

મગફળીકાંડની તપાસ માટે રચવામાં આવેલા નિવૃત જજ એચ. કે. રાઠોડ તપાસ પંચને લઈને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના કૃષિ મુખ્યમંત્રી રણછોડ ફળદુએ રાજીનામું આપવું જોઈએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચના કરવામાં આવી છે.

આસ સી ફળદુ, ક-ષિ પ્રધાન

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મગફળીના ભાવ વિધાનસભા-૨૦૧૭ની ચુંટણીઓ પહેલાં રૂ.550, ચુંટણી ટાણે રૂ.900 અને ચુંટણી પછી રૂ. 550 પ્રતિ મણના ભાવો હતા. ખેડૂતોના મત લેવા માટે સપ્ટેમ્બર, 2017માં ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. આ રૂ.૪૦૦૦ કરોડની મગફળી ખરીદીમાં થયેલ ગેરરીતિની તાત્કાલિક ધોરણે ન્યાયિક તપાસ માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં, વિધાનસભા બહાર, માન. રાજ્યપાલશ્રી, માન. મુખ્યમંત્રીશ્રી, માન. કૃષિ મંત્રીશ્રી, કૃષિ સચિવશ્રીને પત્ર લખીને વિનંતી સહ માંગણી કરી હોવા છતાં આજદિન સુધી સરકારે આ માંગણી સ્વીકારેલ નથી. આમ ૬ મહિનાઓથી સરકાર કૌભાંડીઓને છાવરી રહી હોવાથી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્ પરેશ ધાનાણી દ્વારા રાજ્યમાં થયેલ રૂ. ૪૦૦૦ કરોડના મગફળી કાંડને લઈને આક્રમક લડાઈ લડવામાં આવી રહી છે. તેઓએ મગફળી રાખેલ ગોડાઉનો પર પ્રતિક ઉપવાસ કર્યા અને અમદાવાદમાં ૩ દિવસના અન્ન ત્યાગ ઉપવાસ કાર્યક્રમ ચાલુ કર્યો હતો.

, કૃષિમંત્રીની અધ્યક્ષતા હેઠળ તા. ૩-૯-૨૦૧૭ના રોજ રાજ્યકક્ષાએ મળેલી મિટિંગમાં ટેકાના ભાવથી રાજ્યમાં મગફળીની ખરીદી કરવા માટે ગુજકોટ, ગુજકોમાસોલ, ગુજપ્રો, બનાસડેરી તથા સાબર ડેરીની સ્ટેટ એજન્સી તરીકે પસંદગી કરવામાં આવી અને ત્યારબાદ સરકારના મળતિયાઓ દ્વારા ૨૫૯ જેટલા મગફળી ખરીદી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી હતી તેમજ આ ભાજપ સરકારના મળતિયાઓ મારફતે કોઈપણ પ્રકારની સુરક્ષા વગરનાં ગોડાઉનો ઉંચા ભાવથી ભાડે રાખવામાં આવ્યા હતા અને આવા સરકારના મળતિયાઓ દ્વારા ખેડૂતો પાસેથી રૂ. ૫૦ થી રૂ. ૨૦૦નું કમિશન લઈને રૂ. ૯૦૦ના ટેકાના ભાવે હલકી ગુણવત્તાની મગફળી ખરીદવામાં આવી. આ ખરીદાયેલ મગફળીને ગોડાઉન સુધી પહોંચાડવા સુધીનો ખર્ચ, મજુરી, ટ્રાન્સપોર્ટેશન, ગોડાઉન ભાડું વગેરે થઈને રૂ. ૪૫૦ જેટલો ખર્ચ કરવામાં આવતાં આ મગફળીની પડતર કિંમત રૂ. ૧૩૫૦ જેટલી થઈ. આ ગોડાઉનોમાં રાખવામાં આવેલ સારી ગુણવત્તાની મગફળી સરકારના મળતીયાઓ મારફતે ઓઈલ મિલમાં પિલાઈ ગઈ અને બાકી રહેલી મગફળીમાં ઢેફા, માટી વગેરે મિક્સ કરીને ગોડાઉનમા રાખવામાં આવી હતી. આ ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એટલે કૌભાંડમાં પડદો પાડવા માટે ગોડાઉનો સળગાવી દેવામા આવ્યા હતા. જેના કારણે સરકાર પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. ત્યાર બાદ વિપક્ષ નેતાએ પેઢલા ખાતેથી ઉપવાસ આંદોલન ચાલુ કરતા સરકાર ઉપર દબાણ આવતા તુરંત જ ૨૨ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કૃષિ પ્રધાન વિરોધપક્ષની માંગણી કેમ સ્વીકારતા નથી ? પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ જેના પ્રમુખ છે તે મંડળીના સંચાલકો આજે પણ ખુલ્લા ફરી રહ્યાં છે. તે મંડળી સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી ? ગોંડલના શાપરમાં મગફળી ગોડાઉનમાં લાગેલી આગ અંગે પરેશ ધાનાણી ફાયરમેન સાથે વાત કરતા વાયરલ ઓડિયો ક્લિપમાં ફાયરમેન કહે છે કે મગફળી બચાવી શકાય તેમ હતી. ૫ ફાયર ફાઈટર આવ્યા હતા તો ૪ ફાયર ફાઈટર કોના ઈશારે પરત મોકલી દીધા હતા ? કોના કહેવાથી આ આગ ઠારવામાં ન આવી ? મગફળી ન બચાવવાથી કોને ફાયદો થયો હતો. આવા અનેક સવાલો ઉભા થયા છે. કૌભાંડમાં સંડોવાયેલ નાના માછલાઓની અટકાયત કરાઈ છે, પરંતુ મોટા મગરમચ્છો હજુ પણ પકડથી દૂર છે, ત્યારે ઝડપથી આ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.

ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જીલ્લામાં ગત વર્ષે ભારે પુરને કારણે ખેતીનો પાક ધોવાઈ ગયો હતો તેમજ હજુ સુધી ખેડૂતોને તેના વીમાની રકમ પણ મળી નથી. મગફળીનો પાક થતો નથી તો આ વિસ્તારમાં મગફળી આવી ક્યાથી ?

તપાસ પંચમાં મગફળી ગોડાઉનમાં લાગેલી આગ, ખરીદીની પ્રક્રિયા, મંડળીઓ અને રાજ્યકક્ષાની એજન્સીઓની પસંદગી ક્યા સ્થળે અને કોણે કરી ? ગોડાઉનમાં કોના ઈશારે માલ ભરાયો અને ભાડું નક્કી કરાયું ? વગેરે વિષય તપાસના દાયરામાં આવરી લેવામાં આવ્યા નથી અને મગફળી કૌભાંડમાં પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજ્યની ભાજપ સરકાર જ્યારે-જ્યારે ભ્રષ્ટાચારમાં ઘેરાય ત્યારે બચવા માટે તપાસ પંચની માત્ર રચના જ કરે છે. અગાઉનાં ૧૧ કમિશન અને સરકારી તપાસનાં અસંખ્ય અહેવાલો હજુયે શું કામ અધ્ધરતાલ છે ? મગફળીની ખરીદીમાં રૂ. ૪૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો, સરકાર પણ હવે ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારી રહી છે. આ તપાસ પંચ માત્ર નાટક જ છે માટે કોંગ્રેસની માંગ છે કે સીટીંગ જજની દેખરેખ હેઠળ ચોક્કસ સમયમર્યાદામાં તપાસ થાય. આ તપાસ પંચ એટલે સરકાર બચાવો મિશન, માણસને મુર્ખ સમજતી સરકારનું ;મગફળીકાં મુદ્દે ભ્ષ્ટાચારીઓને છાવરવાનું નવુ મિશન બની રહેશે. કાયદાની આડમાં કૌભાંડો ઉપર પડદો પાડવાનું કાવતરું એટલે જ ઈન્કવાયરી કમિશન !

હવે ડરશે નહિ ગુજરાત., જરૂરથી લડશે ગુજરાત ! અને મગફળીકાંડ માંથી મલાઈ કોણ તારવી ગયું. ? તેનો

હિસાબ પણ માંગશે ગુજરાત !

નીચેના પ્રશ્નોનો જવાબ આજે ગુજરાતની જનતા માંગી રહી છે ત્યારે મગફળીકાંડની ન્યાયિક તપાસ થાય અને સત્ય બહાર આવે તેવી અમારી માંગણી છે.

 રાજ્ય સરકાર દ્વારા મગફળી ખરીદી માટે બનાસ ડેરી, સાબર ડેરી, ગુજકોમાસોલ, ગુજકોટ અને ગુજપ્રો એજન્સીઓ નક્કી કરવાના ધારાધોરણ શા હતાં ?

 આ પાંચ એજન્સીઓના હોદ્દેદારો-પદાધિકારીઓ કોણ છે ? તેના નામ જાહેર કરવામાં આવે.

 ગુજકોમાસોલ પાસે પૂરતો સ્ટાફ, અનુભવ અને ગોડાઉન ઉપલબ્ધ હોવા છતાં તેને મગફળીની ૧.૧૭ લાખ ટન જેટલી ઓછી ખરીદી આપવાના કારણો શા હતાં ?

 ગુજકોટ પાસે માત્ર છ કર્મચારીઓનો સ્ટાફ અને પોતાના ગોડાઉન ન હોવા છતાં સૌથી વધુ ૫.૫૦ લાખ ટન મગફળી ખરીદી સોંપવાના કારણો શા હતાં ?

 મગફળી ખરીદીમાં ખેડૂતોએ પ્રતિ ટન રૂ. ૫૦૦૦ કમિશન આપવું પડતું હતું. આ રીતે ભેગા થયેલ રૂ. ૩૮૨ કરોડની રકમ કઈ ધન સંચય યોજનામાં ગઈ ?

 ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશન ગોડાઉન ભાડે રાખવા માટે નોડલ એજન્સી હતી. આ એજન્સીએ સીધા માલિક પાસેથી ગોડાઉન ભાડે લેવાના બદલે વચેટિયાઓ પાસેથી ભાડે શું કામ લીધા ?

 મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ હતી ત્યારે જૂનાગઢ જિલ્લાના માળીયા (હા) તાલુકાની મોટી ધણેજ સેવા સહકારી મંડળીના હોદ્દેદારો-સભ્યોએ મુખ્યમંત્રી અને સીઆઈડી ક્રાઈમને તેમાં થતી ગેરરીતિની પત્ર લખી તપાસ કરવાની માંગણી કરી હતી, તેમ છતાં સરકારે કોઈ પગલાં કેમ ન લીધાં ?

 મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ હતી ત્યારે માન. ધારાસભ્ય અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ હર્ષદભાઈ રીબડીયાએ પણ મુખ્યમંત્રી અને સીઆઈડી ક્રાઈમને તેમાં થતી ગેરરીતિની પત્ર લખી તપાસ કરવાની માંગણી કરી હતી, તેમ છતાં સરકારે કોઈ પગલાં કેમ ન લીધાં ?

 પાંચ-પાંચ ગોડાઉનોમાં એકસરખી પદ્ધતિથી આગ લાગવાના કારણો શું હતાં ?

 ગોડાઉનોમાં લાગેલ આગની પોલીસ ફરિયાદ તુરંત કેમ નોંધાવવામાં આવી નહોતી ?

 ગોડાઉનોમાં લાગેલ આગના રિપોર્ટ એફ.એસ.એલ.માંથી સાત-સાત મહિના સુધી કેમ ન આવ્યા ?

 સીઆઈડીને તપાસ ઉપવાસ આંદોલનના આગલા દિવસે સોંપવામાં આવી. ત્યાં સુધી તપાસ કેમ સોંપવામાં આવેલ નહોતી ?

 વિરોધપક્ષના નેતાના પ્રતીક ઉપવાસ બાદ સૌરાષ્ટ્ર ઝોનના ગુજકોટના મેનેજર મગન ઝાલાવાડિયા અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી. તો ઉપવાસ પહેલાં કોઈ કાર્યવાહી કેમ કરવામાં નહોતી આવી ?

 રામરાજ્ય ગોડાઉનમાં આગ લાગ્યા પહેલાં મગફળી પગ કરી ગઈ અને મગફળીની જગ્યાએ ફોતરાં કોણ ભરી ગયું ?

 રામરાજ્ય ગોડાઉનમાંથી પગ કરી ગયેલ મગફળી કોની મિલમાં પીલાણી ? અને આ તેલ કોણ પી ગયું ?

 જે ગોડાઉનમાં મગફળી સળગી ગઈ તે મગફળી કઈ એજન્સી દ્વારા ખરીદવામાં આવી હતી ? તે જાહેર કેમ કરવામાં આવતું નથી ?

 જૂના માર્કેટીંગ યાર્ડ, રાજકોટ ખાતે ટેકાના ભાવે મગફળી ભરવા માટે ૨૫ લાખ કોથળા કોણે સળગાવ્યા હતા ?

 આ સળગી ગયેલ કોથળા કોની પાસેથી, કયા ભાવે ખરીદવામાં આવ્યા? આ કોથળા સપ્લાય કરનાર કોણ હતું ?

 ૪૦ રૂપિયે છુટક મળતું બારદાન ૭૧ રૂપિયાએ કોની પાસેથી કોના કહેવાથી ખરીદવામાં આવ્‍યું ? બારદાન ખરીદીની મલાઈ કોણ ખાઈ ગયું ?

 મગન ઝાલાવાડિયાની વાયરલ થયેલ ઓડીયો ટેપમાં ભાજપના સંસદસભ્ય, કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને મોદી-મોદીના નામનો વારંવાર ઉલ્લેખ હતો, આ ઉલ્લેખાયેલ લોકોની તપાસ કરવામાં કેમ આવતી નથી ?

 નાફેડના ચેરમેને મગફળી ખરીદીમાં ગેરરીતિ થાય છે તેવી વારંવાર આશંકા વ્યક્ત કરી હોવા છતાં તેની તપાસ કેમ ન થઈ ?

 નાફેડના અધિકારીઓએ પણ મગફળી ખરીદી વખતે તેમાં ગેરરીતિ થતી હોવાની કેન્દ્ર સરકારમાં ફરિયાદ કરી હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પગલાં કેમ લેવામાં ન આવ્યા ?

 ગાંધીધામના ગોડાઉનમાં લાગેલ આગના પુરાવાઓ વિપક્ષી નેતાના ઉપવાસના આગલા દિવસે રફેદફે કેમ કરવામાં આવ્યા ?

 ગાંધીધામનું ગોડાઉનની આજુબાજુ પેટ્રો કંપનીઓની સ્ટોરેજ ટેન્ક આવેલી છે, તેમાં ક્યારેય આગ લાગવાના બનાવ બનતા નથી, ત્યારે આ મગફળી ગોડાઉનમાં જ કેવી રીતે આગ લાગી ?

 આવા સંવેદનશીલ વિસ્તારમાં જ ગોડાઉન ભાડે રાખવાના કારણ શું હતાં ?

 રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામના ગોડાઉનમાં વેપારીઓ મગફળી લેવા ગયા ત્યારે તેમાં મોટા પ્રમાણમાં માટી-ઢેફા-પથ્થર હોવાનું સામે આવ્યું. આ ગોડાઉનમાં સંગ્રહાયેલ મગફળી મોટી ધણેજ અને જામજોધપુરની મંડળીઓની હતી ત્યારે મોટી ધણેજ મંડળીના હોદ્દેદારો સામે પગલાં લેવાયા તો જામજોધપુરની મંડળીના હોદ્દેદારો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી ?કૃષિમંત્રીશ્રી ફળદુએ રાજકોટ ખાતે પત્રકાર પરીષદમાં સ્‍વીકારવું પડયું હતું કે મોટું રસોડું હોય ત્‍યારે થોડું ઢોળાઈ જાય, થોડું દાઝી જાય, ભાજપનો કાર્યકર પણ મગફળી કાંડમાં સંડોવાયેલા છે, તો તેમના નામ જાહેર કેમ કરવામાં આવતા નથી ?

 મગફળીની મલાઈ ભાજપના મળતિયાઓ તારવી ગયા ન હોય તો સરકાર કોંગ્રેસની ન્યાયિક તપાસની માગણી કેમ સ્વીકારતી નથી ?

 કાલાવાડના હરિપરની સહકારી મંડળના કાંતીભાઈ ગઢીયા કૃષિમંત્રીના શું સગા થાય છે ?

 મગફળીની ખરીદીમાં કૌભાંડ થયું ન હોય તો કૃષિ મંત્રી વિરોધપક્ષની માગણી મુજબ હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયિક જાંચનો સ્વીકાર કેમ કરતા નથી ?

 શા માટે ૨૭૯ ગોડાઉનોમાં મગફળી અને માટી-ધૂળ ભરેલાં કોથળાઓની તપાસ કરાવતા નથી ?

 ગોંડલ ખાતેના રામરાજ્ય ગોડાઉનમાં લાગેલી આગ ન ઓલવવા કોણે સુચનાઓ આપી હતી ?

 ક્રુષિ વિભાગનો તપાસણી અહેવાલ કેમ ન આવ્યો ?

 કોના ઈશારે ફડચા મા ગયેલી મંડળીઑ, સુચિત મંડળીઓ, આર્થિક રીતે વહિવટીધારાધોરણ ફુલફિલ ન કરતી હોય તેને મગફળી ખરીદી કેંદ્રના નામે સરકારની તિજોરીમાંથી રૂ. ૪૦૦૦ કરોડ લુંટવાનો પરવાનો આપવામાં આવ્યો ?

 નાફેડે મગફળી ખરીદીમાં થયેલ અનિયમિતતા અંગે રજુ કરેલ અહેવાલ દેશની જનતા સમક્ષ રજુ કરતા ભાજપ સરકાર કેમ ડરે છે ?

 સરકારની નીતિ-નિયત સાફ હોય તો ઉચ્ચ ન્‍યાયપાલિકાના સિટીંગ જજની દેખરેખ હેઠળ તપાસ કરાવતાં કેમ ડરે છે ?