ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે ઝાડા ઊલટી અને તાવ જેવા રોગોમાં વધારો થયો છે. તો બીજી તરફ લોકોને વધારે હેલ્ધી ખોરાક ખાવાને બદલે ફાસ્ટ ફૂડ ખાઇ રહ્યા છે. લોકોમાં પાણીપુરી ખાવાનો ક્રેઝ ખૂબ જ વધારે છે. જો તમે આ સમયે એટલે કે ચોમાસાની સિઝનમાં પાણીપુરી ખાતા હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર ચાલતી પાણીપુરીની દુકાન અને ફેરિયાઓ પર દરોડાની કામગીરી કરી હતી. દરોડાની કામગીરી દરમિયાન 1,500 કિલો ખરાબ અને વાસી બટાકાનો નાશ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્યમાં અલગ-અલગ જગ્યા પર ચાલતી પાણીપુરીની દુકાન અને ફેરિયાઓ સહિત 4 હજાર કરતા પણ વધુ જગ્યાઓ પર પાણીપુરી બનાવવા માટે કયા પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવે છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા 1,500 કિલો અખાદ્ય બટાકાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1,335 લીટર પાણીપૂરીના અખાદ્ય પાણીનો પણ અધિકારીઓએ નાશ કર્યો હતો. જે બટાકા અને પાણીનો નાશ કરવામાં આવ્યો છે, તેની અંદાજે કિંમત 90,000 રૂપિયા કરતા વધુ થવા માગે છે. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા ચટણી, પાણી, બટાકાના માવા સહિતના કાચા માલની ગુણવત્તાની તપાસ કરવા માટે 636 જેટલા નમુનાઓ લઇને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
કોરોનાની મહામારી અને ચોમાસાની સિઝન દરમિયાન ફેલાતા રોગચાળાને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને લઇને રાજ્યભરમાં પાણીપુરીનું વેચાણ કરતા ફેરિયાઓમાં ફફડાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા ૧૫ દિવસમાં પાણીજન્ય રોગોમાં ખૂબ જ વધારો થયો છે. ઝાડા અને ઉલટીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદવાદના જગતપુર વિસ્તારમાં આવેલો લેબર કોલોનીમાં એક મજૂરને ઝાડા અને ઉલટી થતા તેનું સારવાર દરમીયાન મોત થયું હતું. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ મચ્છર જન્ય રોગોને ફેલાતા અટકાવવા માટે પૂર્વ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને મચ્છરના બ્રીડીંગ શોધવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.