5 રાજ્યોનો ભાગેડુ, ખંડણીખોર વિશાલ ઉપર 13 હત્યા અને 50 ગુના નોંધાયા છે

વિશાલ ગોસ્વામી તેના ભાઈ અજય અને સાળા રિન્કુની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. વિશાલ ગોસ્વામીએ છેલ્લા 8 મહિનાથી સાબરમતી જેલમાં બેઠા બેઠા ખંડણીનું રેકેટ ફરીથી શરૂ કર્યું હતું. 8 મહિનામાં નાના-મોટા વેપારીઓ પાસેથી અંદાજે 60 લાખની ખંડણી વસૂલી હતી. દર મહિને લઘુતમ બે થી પાંચ લાખની ખંડણી જેલમાંથી ધમકીઓ આપી વસૂલતો હતો. કોર્ટે આ ત્રણેયનાં 27મી જાન્યુઆરી 2020 સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

જેલમાં તેની પાસેથી 3 ફોન અને એક ડાયરી મળી હતી. ડાયરીમાં સંખ્યાબંધ નંબરો લખેલા છે. આ પૈકીના કયા વેપારી પાસેથી અત્યારસુધી તેણે ખંડણી વસૂલી છે. તે અંગે પૂછપરછ કરાશે. ખંડણી વસુલવા માટે વિશાલ ગોસ્વામી અને તેના સાગરીતો સબ્જી અને ચોકલેટ જેવા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા.

વિશાલે અમદાવાદમાં 3 હત્યા સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં મળી કુલ 13 હત્યા કરી છે. જ્યારે હત્યા સહિતના 50 ગુનાઓમાં વિશાલ પાંચ રાજ્યોમાં વોન્ટેડ હતો.