ગાંધીનગર : ગુજરાતના સાસણ ગીરમાં છેલ્લા પાંચ વર્ષમાં 405 જેટલા સિંહોના મોત થયાં છે. આ મોતમાં સિંહબાળની સંખ્યા 154 થવા જાય છે. રાજ્યના વન વિભાગે આપેલા આંકડા પ્રમાણે 344 સિંહોના મોત કુદરતી રીતે થયા છે જ્યારે 70 સિંહોના મોત વિવિધ કારણોસર અકુદરતી રીતે થયાં છે. સિંહણની સંખ્યા 132 છે.
કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે તેવા સિંહોમાં 108 નર છે અને 108 માદા સિંહ છે જ્યારે 128 સિંહ બાળના મોત થયાં છે. સિંહોના અકુદરતી મોતમાં કુવામાં પડવાથી, રેલ્વે અકસ્માત અને અન્ય કારણો છે. વન વિભાગે એ બાબતનો ઇન્કાર કર્યો છે કે રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહનો શિકાર થયો છે. સિંહના શિકારની એકપણ ઘટના સામે આવી નથી. શિકાર થયો છે છતાં શિકાર ન થયો હોવાનું વન વિભાગ સ્ટષ્ટ રીતે કહે છે. પણ લોકો કહે છે કે નખ અને ચામડા ચોરનારી ગેંગે કબૂલાત કરી છે કે, સિંહના શિકાર થાય છે.
રાજ્યમાં સિંહોની સંખ્યા 1968માં માત્ર 177 હતી જ્યારે 2015ની છેલ્લી ગણતરી પ્રમાણે સિંહો વધીને 523 થયા હતા. હવે સિંહોની ગણતરી 2020માં થવાની છે ત્યારે વન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે સાસણ ગીરમાં સિંહોની સંખ્યા 600ના આંકડાને પાર પહોંચી ચૂકી છે.
ગયા વર્ષે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને ઇનફાઇટના કારણે ત્રણ મહિનામં 37 સિંહોના મોત થયાં હતા. સિંહોના રક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છે. સરકારે ચાલુ વર્ષના બજેટમાં એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે નવા શેત્રુંજી ડિવિઝનની રચના ઉપરાંત અદ્યતન હોસ્પિટલ, સિંહ એમ્બ્યુલન્સ, સીસીટીવી નેટવર્ક, રેડિયો કોલર, ડ્રોન સર્વેલન્સ માટે 123 કરોડની એક યોજના બનાવી છે.
સિંહોના મોતની વિગતો
વર્ષ સિંહ બાળસિંહ
2013-14 50 32
2014-15 50 29
2015-16 52 28
2016-17 56 43
2017-18 43 22
કુલ 251 154