વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 સફળ યોજનાઓ

5 Successful Plans of Prime Minister Narendra Modi

સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ 81%થી વધુ એકાઉન્ટ ધારકો મહિલાઓ
મુદ્રા: કુલ ધિરાણ લેનારાઓમાંથી 70% મહિલાઓ
PMJDY: કુલ 38.13 કરોડ લાભાર્થીઓમાંથી 20.33 કરોડ મહિલા લાભાર્થીઓ
APY: કુલ 2.15 કરોડ સબ્સ્ક્રાઇબરમાંથી 93 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર (43%) મહિલાઓ
PMJJBY અને PMSBY હેઠળ, નોંધણી કરાવનારામાં 40%થી વધુ મહિલા સભ્યો

નવી દિલ્હી, 03-03-2020

છેલ્લા છ વર્ષમાં નાણાં મંત્રાલય દ્વારા, મહિલા સશક્તીકરણની જોગવાઇઓ પૂરી પાડવામાં આવી હોય એવી સંખ્યાબંધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓથી મહિલાઓને બહેતર જીવન જીવવા માટે અને ઉદ્યોગ સાહસિક બનવાનું તેમનું સપનું સાકાર કરવા માટે આર્થિક રૂપે તેમને સશક્ત કરવામાં આવે છે.

આપણે 8 માર્ચ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે, નાણાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી ભારતમાં મહિલાઓ માટે લાભદાયક યોજનાઓ પર એકનજર કરીએ.

સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના: સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજનાની શરૂઆત 5 એપ્રિલ 2016ના રોજ મહિલાઓના આર્થિક સશક્તીકરણ અને તેમના માટે રોજગારી નિર્માણના ઉદ્દેશ્ય સાથે મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ જેવા વંચિત વર્ગના લોકો અને મહિલા ઉદ્યોગ સાહસિકો સુધી પહોંચવા માટે સંસ્થાકીય ધિરાણ માળખાનો લાભ લેવાના આશયથી આ યોજના શરૂ કરવામાં આવી હતી જેથી તેમને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં સહભાગી બનાવી શકાય.
આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય હરિતક્ષેત્ર ઉદ્યમશીલતા સ્થાપિત કરવા માટે SCBની દરેક શાખા દીઠ ઓછામાં ઓછા એક અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) ઋણધારક અને એક મહિલા ઋણધારકને રૂ. 10 લાખથી રૂ. 1 કરોડ સુધીનું બેંકનું ધિરાણ પૂરું પાડવાનો છે.
17.02.2020ના રોજની સ્થિતિ અનુસાર, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ 81%થી વધુ એકાઉન્ટ ધારકો મહિલાઓ છે. 73,155 ખાતાઓ મહિલાઓ માટે ખોલવામાં આવ્યા છે. રૂ. 16712.72 કરોડ મહિલા ખાતાધારકોને ફાળવી દેવામાં આવ્યા છે અને રૂ. 9106.13 કરોડ મહિલા ખાતાધારકોને ચુકવી દેવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) – PMMY યોજનાની શરૂઆત નોન- કોર્પોરેટ, નોન- ફાર્મ નાના/લઘુ ઉદ્યોગોને રૂપિયા 10 લાખ સુધીનું ધિરાણ આપવાના આશયથી 8 એપ્રિલ 2015ના રોજ થઇ હતી. આ ધિરાણોને PMMY હેઠળ મુદ્રા ધિરાણ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આવા ધિરાણો કોમર્શિયલ બેંકો, RRB, સ્મોલ ફાઇનાન્સ બેંકો, MFI અને NBFC દ્વારા આપવામાં આવે છે.

PPMY, મુદ્રા અંતર્ગત ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામની ત્રણ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. લાભાર્થી માઇક્રો એકમ/ ઉદ્યોગ સાહસિકના વૃદ્ધિના તબક્કા/વિકાસ અને ભંડોળની જરૂરિયાતને અનુલક્ષીને તેમજ વિકાસ/ વૃદ્ધિના આગામી તબક્કાનું સંદર્ભ બિંદુ પૂરું પાડવા માટે આ ત્રણ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે.
મુદ્રા યોજના પાછળ “પિરામીડ યુનિવર્સના પાયાના હિસ્સેદારો માટે તેમજ તેમના વ્યાપક આર્થિક અને સામાજિક વિકાસ માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસો અને ધોરણો સાથે ઉત્કૃષ્ટ સીમાચિહ્નરૂપ એકીકૃત આર્થિક અને સહાયક સેવા પ્રદાતા” બનવાની દૂરંદેશી છે.
31.01.2020ના રોજની સ્થિતિ અનુસાર કુલ ધિરાણ લેનારાઓમાંથી 70% મહિલાઓ છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) – PMJDY યોજનાની શરૂઆત 28 ઑગસ્ટ 2014ના રોજ કરવામાં આવી હતી. દરેક પુખ્તવયની વ્યક્તિ માટે કમસેકમ એક બેઝિક બેંકિંગ ખાતુ, આર્થિક સાક્ષરતા, ધિરાણનો ઍક્સેસ, વીમો અને પેન્શન જેવી બેંકિંગની સુવિધાઓ મળી રહે તેવા આશય સાથે આ યોજના લંબાવવામાં આવી હતી અને 14.08.2018ના રોજના અમલથી તેમાં સુધારો કરવામાં આવ્યો હતો.
19.02.2020ના રોજની સ્થિતિ અનુસાર કુલ 38.13 કરોડ લાભાર્થીઓમાંથી 20.33 કરોડ મહિલા લાભાર્થીઓ છે જે 53% હિસ્સો બતાવે છે.
અટલ પેન્શન યોજના (APY) – APYની શરૂઆત 9 મે 2015ના રોજ કરવામાં આવી હતી. તમામ ભારતીયો જેમાં ખાસ કરીને ગરીબો અને વંચિત લોકોને સાર્વત્રિક સામાજિક સુરક્ષા તંત્ર પૂરું પાડવાના આશયથી આ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં 60 વર્ષની વયે ઓછામાં ઓછા રૂ. 1000- રૂ. 5000 સુધીનું માસિક પેન્શન આપવાની બાંયધરી આપવામાં આવે છે.
બેંકો અને પોસ્ટ ઓફિસો દ્વારા આ યોજનામાં નોંધણી ચાલુ છે. 22.02.2020ના રોજની સ્થિતિ અનુસાર APY અંતર્ગત કુલ 2.15 કરોડ સબ્સ્ક્રાઇબરમાંથી 93 લાખ (43%) સબ્સ્ક્રાઇબર મહિલાઓ છે.
વૃદ્ધાવસ્થામાં આવકની સુરક્ષાને મહિલાઓ દ્વારા વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કારણ કે, APY હેઠળ મહિલાઓ દ્વારા સબ્સ્ક્રિપ્શન 37% (ડિસેમ્બર 2016) થી વધીને 43% (ફેબ્રુઆરી 2020) થયું છે. શ્રમિકવર્ગમાં ઓછા સહભાગીતા દર અને લૈંગિક તફાવતનું ઘણું મોટું અંતર હોવા છતાં, મહિલાઓ વૃદ્ધાવસ્થામાં સુરક્ષિત આવક માટે બચતમાં આગળ છે જેમાં સિક્કિમ (73%), તામિલનાડુ (56%), કેરળ (56%), આંધ્રપ્રદેશ (55%), પુડુચેરી (54%), મેઘાલય (54%), ઝારખંડ (54%), બિહાર (52%) રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુરુષોની તુલનાએ મહિલાઓ આગળ છે.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) – PMJJBYની શરૂઆત 9 મે 2015ના રોજ કરવામાં આવી હતી. આ યોજના શરૂ કરવાનો મૂળ ઉદ્દેશ્ય 18 થી 50 વર્ષના વયજૂથમાં ગરીબ અને વંચિત લોકોને માત્ર રૂ. 330 પ્રીમિયમની ચુકવણી પર રૂ. 2 લાખનું રીન્યૂ થવા પાત્ર જીવનવીમા કવચ પૂરું પાડીને તેમના માટે સામાજિક સુરક્ષા પ્રણાલી તૈયાર કરવાનો છે.
PMJJBY અંતર્ગત, 40.70% નોંધણી મહિલા સભ્યોની છે અને 58.21% દાવા લાભાર્થીઓ મહિલાઓ છે. (31.01.2020ના રોજની સ્થિતિ અનુસાર)
કુલ 4,71,71,568 નોંધણીમાંથી 1,91,96,805 નોંધણીઓ મહિલાઓના નામે છે. કુલ ચુકવાયેલા 1,69,2016 દાવાઓમાંથી 95,508 દાવાઓની ચુકવણી મહિલાઓને કરવામાં આવી છે. (31.01.2020ના રોજની સ્થિતિ અનુસાર)

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) – PMSBYની શરૂઆત 9 મે 2015ના રોજ કરવામાં આવી હતી. આ યોજના શરૂ કરવાનો મૂળ ઉદ્દેશ્ય 18 થી 70 વર્ષની વયજૂથના ગરીબો અને વંચિતોને ખૂબ જ પરવડે તેવા દરે વીમા યોજના પૂરી પાડવાનો છે જેમાં રૂ. 2 લાખના આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના વીમાકવચ માટે અને રૂ. 1 લાખના આંશિક વિકલાંગતાના વીમાકવચ માટે બેંક ખાતામાં વાર્ષિક રૂ. 12નું પ્રીમિયમ ચુકવવું પડે છે.
PMSBY અંતર્ગત, 41.50% નોંધણીઓ મહિલા સભ્યોના નામે છે અને કુલ દાવાઓમાંથી 61.29% દાવાઓ મહિલાઓને ચુકવવામાં આવ્યા છે. (31.01.2020ના રોજની સ્થિતિ અનુસાર)
કુલ 15,12,54,678 નોંધણીમાંથી 6,27,76,282 નોંધણીઓ મહિલાઓના નામે છે અને કુલ ચુકવાયેલા 68,988 દાવાઓમાંથી 23,894 દાવાની ચુકવણી મહિલાઓને કરવામાં આવી છે. (31.01.2020ના રોજની સ્થિતિ અનુસાર)