500 કરોડનું ડ્રગ્સ કચ્છના દરિયામાંથી પકડાયું

ગુજરાતના કચ્છના જખૌવની પાસે મંગળવારના રોજ કોસ્ટ ગાર્ડે ભારતમાં લાવવામાં આવી રહેલા કરોડો રૂપિયાનું ડ્રગ્સને પકડી લીધું હતું. કોસ્ટગાર્ડે ભારત-પાકિસ્તાન મરીન બોર્ડર પાસે અલ-મદીના નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યા હતા. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત 400-500 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. કોસ્ટગાર્ડે ડ્રગ્સની ખેપ ભારત લાવી રહેલા 6 પાકિસ્તાની અને 7 ભારતીય સહિત 13 લોકોની ધરપકડ કરી છે.

કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા તેમને નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સથી પાકિસ્તાન ફિશિંગ બોટ મારફતે ભારતમાં ડ્રગ્સ લાવવાની જાણકારી મળી હતી. આને લઇને કોસ્ટગાર્ડે જખૌવ પાસે ઈન્ટરનેશનલ જળ સીમામાં એક ફાસ્ટ અટેક પેટ્રોલિંગ બોટ અને બે ઇન્ટરસેપ્ટ બોટને તૈનાત કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સર્ચ ઓપરેશનમાં કોસ્ટગાર્ડે ડોનિયર પ્લેનને પણ પોતાની સાથે જોડ્યું હતું. આ દરમિયાન મંગળવારે પાકિસ્તાનના કરાચીથી નીકળેલી અલ-મદીના બોટને ઇન્ટરસેપ્ટ કરીને તપાસ કરવામાં આવી તો તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. હાલમાં તો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને ATS આની તપાસ કરી રહી છે. કોસ્ટ ગાર્ડને જોતા જ બોટમાં સવાર લોકોએ અમુક પેકેટ્સ સમુદ્રમાં ફેકી દીધા હતા, પરંતુ કોસ્ટગાર્ડની સતર્કતાથી તેને પકડી લેવામાં આવ્યા હતા અને સમુદ્રમાં ફેકાયેલા 7 પેકેટ્સ પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.