55 લાખ વાહન ઘરાવતા 550 ચોરસ કિમીના શહેરમાં પોલીસ પાસે માત્ર પાંચ જ સ્પીડ ગન

શહેરમાં વધી રહેલા અકસ્માતોની સંખ્યા ઘટાડવા વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલીસ કમિશનરે નાના-મોટા વાહનોની જુદીજુદી ગતિ મર્યાદા નક્કી કરતું જાહેરનામું જારી કર્યું છે. લગભગ 550 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અમદાવાદમાં વાહન તેની નિયત ગતિમર્યાદા કરતા વધુ સ્પીડે દોડે છે કે નહીં તે જાણવા માટે 55 લાખથી વધુ વાહનોની સામે શહેર પોલીસ પાસે માત્ર પાંચ જ સ્પીડ ગન છે.

ટ્રાફિક ડિપાર્ટમેન્ટના ડીસીપી તેજસકુમાર પટેલના જણાવ્યાનુસાર હાલમાં અમદાવાદ શહેર ટ્રાફિક બ્રાંચ પાસે પાંચ સ્પીડ ગન છે અને તે ભારે વાહન વ્યવહારવાળા રૂટ પર તૈનાત હોય છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૂપે આગામી સમયમાં વધુ સ્પીડ ગન કેમેરા શહેરમાં લગાવવામાં આવશે. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ આરટીઓમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર તેમજ હેવી વ્હીકલ સહિત અંદાજે 55 લાખથી વધુ વાહનો રજીસ્ટર થયા છે. શહેર પોલીસ કમિશનરની હકુમતમાં પપ0 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવે છે ત્યારે આ પરિસ્થિતિમાં અન્ય કેટલાક જાહેરનામાની જેમ ગતિ મર્યાદાનું જાહેરનામું માત્ર કાગળ પર જ અમલી રહેશે. શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવા માટે તાજેતરમાં એક મીટીંગ મળી હતી. જેમાં આરટીઓ, નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્ડીયાના પ્રતિનિધિ, મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ અને ટ્રાફિક વિભાગના અધિકારી, જે.પી.રિસર્સના પ્રતિનિધિ તેમજ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના સિનિયર પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

પાંચ સ્પીડ ગનમાંથી માત્ર એક જ કામ કરે છે

શહેર ટ્રાફિક બ્રાંચના સૂત્રો પાસેથી મળેલી માહિતી આધારે હાલમાં એક જ સ્પીડ ગન સંપૂર્ણ રીતે કાર્યરત છે. જ્યારે અન્ય સ્પીડ ગનમાં કોઈને કોઈ ખામી છે. ટ્રાફિક વિભાગના એક કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે, અમે કોઈ ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચાલકને સ્પીડ ગનનો મેમો આપીએ છીએ ત્યારે તેમાં રજીસ્ટ્રેશન નંબર નહી દેખાતો હોવાથી ઝઘડાના ઘર થાય છે.

ગતિ મર્યાદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે

પોલીસ કમિશનર એ.કે.સિંઘે જારી કરેલા જાહેરનામા અનુસાર કમિશનરેટ એરિયામાં ટુ વ્હીલર 50 કિ.મી., ફોર વ્હીલર માટે 60 કિ.મી. અને થ્રી વ્હીલર તેમજ ભારે-મધ્યમ વાહન માટે 40 કિ.મી.ની ગતિ મર્યાદા નક્કી કરાઈ છે. આ ઉપરાંત ફોર લેન અથવા તેથી વધુ લેનના માર્ગ પર તેમજ અન્ય માર્ગ પર જુદીજુદી ગતિ મર્યાદા નક્કી કરાઈ છે. ગતિ મર્યાદાનો કાયદો તોડનારા વાહન ચાલક સામે પોલીસ જાહેરનામા ભંગ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરી કરશે.