6 માસથી પડતર કેસોની નિષ્કાળજીમાં પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય પગલાં :ડીજીપી 

રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુન્હાના પેન્ડિંગ  અને યોગ્ય કારણો વગર  છ માસથી વધુ સમયથી  પડતર હોય તેવા  કેસો ની અંદર તપાસ કરનાર અધિકારી એ દાખવેલી નિષ્કાળજી સામે આવશે તો તેવા પોલીસ અધિકારી સામે ખાતાકીય પગલાં લેવાના કડક આદેશ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કર્યા છે. આ ઉપરાંત પડતર કેસોની તપાસ ઝડપથી પૂર્ણ કરી તપાસના પુરાવા સહિતના કેસના કાગળો અને સાક્ષી કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હોય છે. જેના આધારે કોર્ટ તેની  કાર્યવાહી આગળ વધારી શકે છે. પરંતુ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં વધારો થતો જાય છે. જેની ગંભીરતા ધ્યાને આવતાં રાજય પોલીસ વડા શિવાનંદ ઝાએ એક મહત્વનો આદેશ કર્યો છે. અને જણાવ્યું છે કે  ત્રણ મહિનાથી વધુ સમયથી પેન્ડીંગ કેસોની તપાસ તાત્કાલિક પૂરી કરી તેનો સમગ્ર અહેવાલ તા. 31મી ઓકટોબર સુધીમાં પોલીસ વડાની કચેરીમાં મોકલી આપવા ફરમાન કર્યું છે.
રાજયના વિવિધ પોલીસ મથકોમાં નોંધાતી અલગઅલગ ફરિયાદોના કેસની તપાસમાં વિલંબ થવાથી ફરિયાદીને પોલીસ વિભાગ પ્રત્યે અસંતોષની લાગણી ઊભી થતી હોવાનું અને ન્યાયપ્રણાલીમાં અવિશ્વાસ ઊભો થતો હોવાનું રાજ્ય  સરકારના  ધ્યાન પર આવ્યું છે.ત્યારે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ત્રણ માસથી વધુ સમયના પેન્ડિંગ કેસની તપાસ તાત્કાલીક પૂર્ણ કરી તા.31ઓકટોબર સુધીમાં રાજ્ય  પોલીસવડાની કચેરીમાં રિપોર્ટ કરવા આદેશ કરવામાં આવ્યાછે. રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ આ અંગે આદેશ  બહાર પાડી જણાવ્યું છે. કે પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો  થતો જાય છે. તો બીજી તરફ પોલીસ કેસોની તપાસ ઝડપથી પૂર્ણ થતી નથી,  પરિણામે ન્યાઈક પ્રક્રિયામાં પણ અસર જોવા મળે છે. જેથી ૩ માસથી વધુ સમયના પેન્ડિંગ કેસોની   સમીક્ષા કરવી અને તમામ પેન્ડિંગ કેસોની ઝડપી કાર્યવાહી કરી કેસ વાઇઝ અહેવાલ તૈયાર કરી રાજ્ય પોલીસવડાની કચેરીમાં તા.૩૧ ઓકટોબર સુધી મોકલી આપવા આદેશ કર્યો છે.ઉપરાંત જો 6 માસથી વધુ સમય માટે કેસ પેન્ડિંગ હોય તો તેવા કેસમાં તપાસનીશ અધિકારીની નિષ્કાળજી હતી કે કેમ ? તેની તપાસ કરી  અધિકારી સામે પગલાં ભરવા પણ આદેશ અપાયો છે.
રાજય પોલીસ વડાના આ મહત્વના આદેશને પગલે સમગ્ર પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે, તો બીજી તરફ જે કેસની તપાસ અભરાઇએ ચઢાવી દેવાઇ હતી અથવા તો, જે કેસની તપાસમાં જાણીબુઝીને ઢીલ દાખવાતી હતી તેવા તમામ કેસોમાં હવે પોલીસ અધિકારીઓને તાત્કાલિક તપાસ કરવાની ફરજ પડશે. અને તેનો વિગતવાર અહેવાલ પોલીસ વડાની કચેરીમાં મોકલવો પડશે. ત્યારે રાજય પોલીસ વડાના આદેશ ના પગલે રાજય પોલીસ તંત્રમાં ફફડાટ અને દોડધામ જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય પોલીસ વડા દ્વારા અપાયેલ કડક આદેશનાં પગલે તપાસનીશ અધિકારીઓ પણ વિટંબણા અનુભવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક અધિકારીઓ પોતાની ક્ષતિઓ છુપાવવા માટે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માર્ગદર્શન લેવા દોડાદોડ કરી રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે જોકે રાજ્ય પોલીસ વડાએ કરેલો આદેશ કેટલે અંશે સફળ થશે તે યક્ષ પ્રશ્ન છે.