રાજ્યના નાગરિકોને આરોગ્યની સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારની પહેલ
રાજ્યના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા અને બોટાદ અને મોરબી જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાઇ
- પ્રત્યેક મેડીકલ કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ સ્થપાશે : ૫ કોલેજો માટે કેન્દ્ર સરકારના ૯૭૫ કરોડ અને રાજ્ય સરકારના ૬૫૦ કરોડ મળી રૂ.૧૬૨૫ કરોડનો ખર્ચ કરાશે
- આ પ કોલેજો માટે રાજય સરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે
- જિલ્લાની હયાત હોસ્પિટલોને એમ.સી.આઇ. ના નોર્મ્સ મુજબ પ્રથમ તબક્કે ૩૦૦ બેડની હોસ્પિટલ ઉપલબ્ધ થશે : દર્દીઓને આધુનિક સારવાર સત્વરે પ્રાપ્ત થશે
- ૫ કોલેજોમાં ૫૦૦ નવી મેડીકલ બેઠકો ઉપલબ્ધ થશે : પ્રત્યેક કોલેજમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ મળશે
હાલ રાજ્યનાં ૩૩ જિલ્લાઓ પૈકી ૨૮ જિલ્લાઓમાં કુલ-૩૭ મેડીકલ કોલેજો કાર્યરત થશે. રાજ્યમાં આ ૫૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત ૬૩૦૦ થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે.
રાજયમાં પ્રજાજનોને આરોગ્ય સવલતોનો વ્યાપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકારે અનેકવિધ પગલા લીધા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના ૭૫ જિલ્લાઓમાં કે જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ છે તેમાં ગુજરાતના વધુ ૫ જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મોરબી ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
રાજ્યના નાગરિકોને અદ્યતન સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે ત્યારે આ નવી કોલેજોના નિર્માણથી નાગરિકોને વધુ સારી સવલતો પ્રાપ્ત થશે અને તબીબી શિક્ષણની બેઠકો પણ વધશે. કેન્દ્ર સરકાર દ્વારા આકાંક્ષી જિલ્લાઓમાં મેડીકલ કોલેજ માટે અગ્રીમતા અપાઇ છે ત્યારે રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે, ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા ખાતે અને બોટાદ જિલ્લાના બોટાદ અને મોરબી જિલ્લાના મોરબી ખાતે નવી મેડીકલ કોલેજો શરૂ થતાં નાગરિકોને ત્વરીત સારવાર મળી રહેશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યોમાં સરકારી મેડીકલ કોલેજોની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મુકી છે. જેનો લાભ લઇ ગુજરાત સરકારે એમ.બી.બી.એસ.ની બેઠકો વધારવા માટે નવી કોલેજોના નિર્માણ માટે દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં નિર્માણ થનાર આ કોલેજોમાં કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડ ખર્ચ થશે જેમાં ભારત સરકારના ૬૦ % લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ % લેખે રૂ.૧૩૦ કરોડ મળી કુલ-૫ કોલેજો રૂ.૧૬૨૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. આ પ કોલેજો માટે રાજય સરકાર વિનામૂલ્યે જમીન ફાળવશે. જેમાં હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ ૫ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આમ કુલ ૫ કોલેજોમાં ૫૦૦ વિદ્યાર્થીઓને મેડીકલમાં અભ્યાસ માટેની તક મળશે.