હિંમતનગર, તા.૧૨
1951 થી 2004 સુધીના હસ્ત લિખિત 7 X 12 ના મેન્યુઅલ પાના સ્કેન કરી અપલોડ થઇ ગયા બાદ તમામ પાનાનું બે દિવસમાં ઓન સ્ક્રીન વેરિફિકેશન કરવા કલેક્ટર અને ડીડીઓ દ્વારા તલાટીઓને 20 કલાકની ત્રણ શિફ્ટમાં ધંધે લગાડાતા પંચાયતની કામગીરી ખોરંભે પડી છે. નોંધનીય છે કે 2 જી ઓક્ટોબરે લેખિત સૂચનામાં રેવન્યુ તલાટીઓની બાદબાકી થઇ જતાં ભારે રોષ અને અન્યાયની લાગણી પેદા થઇ છે.
હિંમતનગરની પોલીટેકનિક કોલેજમાં હસ્ત લિખિત 7 X 12ના ઓનલાઇન થયેલ પાનાનુ ઓન સ્ક્રીન વેરિફિકેશન કરાઇ રહ્યુ છે. જિલ્લાના તમામ આઠ તાલુકાના સને 1951 થી 2004 સુધીના હસ્તલિખિત ગામ નમૂના નં 7 X 12ના પાનાનુ મેન્યુઅલ સ્કેનીંગ કરી ઓનલાઇન કામગીરી પૂર્ણ થઇ જતા ઓન સ્ક્રીન વેરીફીકેશન શરૂ કરાયુ છે અને આ કામગીરી માટે સવારે 6 થી 12 અને રાત્રે 7 થી 12 વાગ્યાની બે શિફ્ટમાં 20-20 તલાટી અને દિવસે 12 થી સાંજે 7 દરમિયાન મહિલા તલાટીઓને વેરિફિકેશનની કામગીરી સોંપાઇ છે.
જિલ્લાના ગામ નમૂનાના કુલ 16384 થોક પૈકી 8481 થોકની વેરિફિકેશન કામગીરી પૂર્ણ થઇ છે અને બાકીની કામગીરી બે દિવસમાં પૂર્ણ કરવા તા.02-10-19 ના રોજ સૂચના આપવામાં આવી હતી અને જે તે ગામના તલાટી દ્વારા 100 ટકા પાનાનુ વેરિફીકેશન કરવાની તાકીદ કરાઇ છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ નાયબ મામલતદાર દ્વારા 70 ટકા પાનાનુ વેરિફિકેશન કરાશે. તે પૈકી 30 ટકા પાનાનુ મામલતદાર વેરિફિકેશન કરશે અને છેલ્લે પ્રાંત અધિકારી રેન્ડમલી 10 ટકા પાનાનુ વેરીફીકેશન કરશે.તલાટીઓને મામલતદાર હવાલે કરી દેવાતા પંચાયતોમાં કામ રઝળી પડ્યા છે.
તદ્દપરાંત આ મહેસૂલી વિભાગની કામગીરી હોવા છતાં રેવન્યુ તલાટીઓને આમાંથી બાકાત રખાતા રોષ પ્રવર્તી રહ્યો છે. તલાટીઓના જણાવ્યાનુસાર દરેક પાનાનું વેરિફિકેશન લાંબો સમય ચાલે તેમ છે અને રાત્રે બબ્બે વાગ્યા સુધી ડ્યુટી કરીને દિવસે પણ કામ કરવું શક્ય નથી. એકંદરે વેરિફિકેશન કામગીરી તલાટીઓ માટે સમસ્યાનો પર્યાય બની ગઇ છે તો બે દિવસમાં જિલ્લાના 7803 બાકી થોકના દરેક પાનુ વેરીફીકેશન પૂર્ણ કરવાની સૂચના આપનાર અધિક મુખ્ય સચિવ અને તેનો અમલ કરનાર જિલ્લાના અધિકારીઓ પણ ચર્ચાને એરણે ચઢ્યા છે.