700 વ્હેલ શાર્ક બચાવાઇ : ગુજરાતે વ્હેલને ‘વ્હાલી’ નામ આપ્યું

વ્હેલ શાર્ક ગુજરાતના દરિયાકાંઠે બ્રિડીંગ માટે આવે છે. પહેલા માછીમારો અર્થ ઉપાર્જન માટે મૂલ્યવાન એવી આ માછલીનો શિકાર કરતા, પરન્તુ વન વિભાગ અને સંગઠનોના સહિયારા પ્રયાસોથી હવે આજ માછીમારો વ્હેલ શાર્કના સંરક્ષણ તરીકે ઉભરી આવ્યા છે. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતના માછીમારોએ 700 વ્હેલ શાર્ક બચાવી છે.

ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરાલા અને આંધ્રપ્રદેશના માછીમારો વ્હેલ શાર્કના જતન-સંવર્ધન માટે નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. શ્રેષ્ઠ કામગીરી કરનાર ગુજરાતના માછીમારો વેલજીભાઇ મસાણી (માંગરોળ), તુલસીભાઇ ગોયલ – દિનેશભાઇ વઢાવી (વેરાવળ), બાબુભાઇ વિશ્રામભાઇ ચોરવાડી (ચોરવાડ), જીવાભાઇ નથુભાઇ બારિયા (ધામણેજ બંદર), રતિલાલ હરદાસ બારિયા (ધામણેજ બંદર), વી. ભૂષણમ – ઇશ્વર નારાયણ (આંધ્રપ્રદેશ) મનોજ હાર્વે – હર્ષલ હાર્વે (મહારાષ્ટ્ર) અને અબ્દુલ સાલમ (કેરાલા)નું પણ આ પ્રસંગે બહુમાન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વ્હેલ શાર્ક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. દરિયામાં માછીમારી કરતા માછીમારો વ્હેલ શાર્કના જતન માટે વિશેષ જવાબદારીપૂર્વક કામ કરી શકે અને વ્હેલ શાર્કની જાળવણી દરમિયાન માછીમારોની નેટને થતા નુકશાનના વળતરની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બને એ હેતુ વન વિભાગે મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરી છે.  ‘વ્હેલ વોચર’ નામક આ મોબાઇલ એપ લોન્ચ કરી હતી. આવનારા દિવસોમાં આ મોબાઇલ એપ ગુજરાતી ભાષામાં તૈયાર કરાશે.

સેટેલાઇટ ટેગીંગ, માછીમારોમાં જાગૃતિ અને સરકાર તથા સંગઠનોના સહિયારા પ્રયાસોથી સારા પરિણામો મળ્યા છે. વન્ય જીવો અને પર્યાવરણની સુરક્ષાની ભારતની આગવી પરંપરા રહી છે. વ્હેલ શાર્કને પણ સુરક્ષિત વાઇલ્ડ લાઇફની યાદીમાં સામેલ કરીને મહત્વનું પગલું લેવાયું છે. ગુજરાતે વ્હેલને ‘વ્હાલી’ નામ આપ્યું છે.
માછીમારોના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
ગાંધીનગરમાં બે દિવસ ચાલનારી વ્હેલશાર્ક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ઓસ્ટેલિયાના સિનિયર વૈજ્ઞાનિક ડૉ. જહોન કિસીંગ, અમેરિકાના માર એલાયન્સના સ્થાપક ડૉ.રશેલ ગ્રેહામ, સાઉદી અરેબીયાના ડૉ. હુઆ હસુન હસુ, અમેરિકાની શાર્ક રિસર્ચ ઇન્સ્ટીટયુટના ડૉ. જેનીફર સ્કીમીડ, માલદિવ્ઝના વ્હેલ શાર્ક રિસર્ચ પ્રોજેકટના જેમ્સ હેનકૂક ઉપરાંત ભારતના વિશેષજ્ઞો અને આ ક્ષેત્રના નિષ્ણાંતો ભાગ લઇ રહ્યા છે.

ગુજરાતના દરિયા કાંઠે બ્રીડીંગ માટે આવતી ‘જેન્ટલ જાયન્ટ’ તરીકે ઓળખાતી વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે દરિયાકાંઠાના લોકોમાં- માછીમારોમાં જાગૃતિ આણવામાં મોરારિબાપુનું મહત્વનું યોગદાન છે. મોરારિબાપુએ વ્હેલશાર્કને દીકરી સાથે સરખાવી હતી. જેમ દીકરી લગ્ન પછી સુવાવડ માટે પિતાગૃહે આવે છે એમ આ વ્હેલ શાર્ક પણ બચ્ચાને જન્મ આપવા ગુજરાતના દરિયાકાંઠે આવે છે. આ નાતે વ્હેલ શાર્ક તો ગુજરાતની દીકરી કહેવાય. વ્હેલ શાર્કનો શિકાર કેવી રીતે કરાય? આ અપીલે સારી અસર ઉભી કરી અને દરિયાકાંઠાના માછીમારોમાં વ્હેલ શાર્કના સંરક્ષણ માટે જાગૃતિની ઝુંબેશના સારા પરિણામો મળ્યા. ગુજરાતે વ્હેલને ‘વ્હાલી’ નામ આપીને ‘વ્હાલી વોચર’ મોબાઇલ એપ્લીકેશન પણ લોન્ચ કરી છે.

ichef.bbci.co.uk
ichef.bbci.co.uk