ક્લાયમેટ ચેન્જના કારણે ગુજરાતના દરિયો ઊંચો આવી રહ્યો છે તેથી કિનારા વિસ્તારોનું પાણીનું લેવલ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કાંઠાના આઠ જિલ્લામાં દરિયાના પાણીના કારણે જમીનનું ધોવાણ થયું છે. દરિયાના પાણી દરિયા કિનારાના વિસ્તારોમાં ઘૂસી રહ્યાં છે. તેથી 2050 સુધીમાં ભારતના ચાર કરોડ લોકોએ પોતાનું દરિયા કાંઢાનું વતન છોડવું પડશે તેમાં ગુજરાતના 40 લાખ લોકોએ પોતાનું ગામ કે શહેર છોડીને સલામત સ્થળે જવું પડશે.
ગુજરાતમાં 10 વર્ષમાં હજારો હેક્ટર જમીન ડૂબી ગઈ હશે અથવા ખારી થઈ ગઈ હશે. એવી જમીન એક લાખ હેક્ટર કરતાં વધારે હશે. ધોલેરા દુનિયાનું સૌથી સ્માર્ટ સિટી મોદી સરકાર અને રૂપાણી સરકાર કહી રહી છે. જે આખેઆખું દરિયામાં ડૂબશે. આખો ઘેડ પ્રદેશ દરિયાના પાણીથી ભરાઈ જશે. ફરી એક વખત સૌરાષ્ટ્ર એક ટાપુમાં ફેરવાઈ જશે. ખંભાતના અખાતથી કચ્છના અખાતમાં દરિયો ઘુઘવતો હશે.
ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા 6 હજારની વસ્તી ધરાવતા માણેકપુર અને ખત્રીવાડા ગામમાં દરિયાના પાણીના ડરથી 50 ટકા વસ્તીએ ગામ છોડી દીધું છે. આવા 500 ગામો અને 8 શહેરોને દરિયો ગળી રહ્યો છે. યુએનના રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ વોર્મિગને કારણે 1901 થી 2001 સુધીના એક સદીના સમયગાળામાં દરિયાની સપાટી એક મીટર વધી છે. જેની અસર ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારમાં પણ વર્તાઇ છે.
ગુજરાતના 1640 કિ.મી દરિયા કિનારાની હલચલ વિશે ચેન્નાઇની ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન મેનેજમેન્ટ અને ભારત સરકારના પર્યાવરણ વિભાગના સર્વેક્ષણ પ્રમાણે ગુજરાતના 732 કિ.મી ના દરિયા કિનારા વિસ્તારમાં દરિયાના પાણી ગામ તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતના સોમનાથ, દ્વારકા, કચ્છ,જામનગર અને ભરૂચમાં ભયજનક રીતે દરિયો માનવવસ્તી તરફ આગળ વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર સિવાય બાકીનો દરિયાકિનારો લગભગ ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો ધરાવે છે અને તે ક્ષારીય કાદવ કીચડ ધરાવે છે, જે ખેતી પર ખરાબ અસર કરે છે. ગુજરાતનો દરિયાકિનારે 42 જેટલાં બંદરોનો વિકાસ થયો છે. અહેમદપુર માંડવી, કચ્છ માંડવી, ઉમરગામ, ચોરવાડ, દીવ સમુદ્ર કિનારો, ગોપનાથ, ભાવનગર, કચ્છનો અખાત, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, ખંભાતનો અખાત, નદીઓ
ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન મેનેજમેન્ટ રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં દરિયો ઓછા-વત્તા પ્રમાણમાં આગળ વધી રહ્યો છે, જયારે જામનગર,અમરેલી, ગીર સોમનાથ, અને ભાવનગરમાં સૌથી વધારે નુકસાન થયું છે. જામનગર અને દ્વારકામાં અત્યાર સુધીમાં કુલ 90 કિ.મી કાંઠામાં દરિયો આગળ વધ્યો છે.
ગીર સોમનાથ અને જૂનાગઢમાં 100 કિ.મી, ભાવનગરમાં 60 કિ.મી અને અમરેલીમાં 30 કિ.મીના કિનારા પર અત્યાર સુધીમાં દરિયાના પાણી ફરી વળ્યા છે. દરિયાની આ સ્થિતિને કારણે ગામ ખાલી થવા લાગ્યા છે. રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં તો દરિયાના પાણીથી જમીનનું ધોવાણ અમર્યાદ છે. બીજી તરફ ઔધોગિકરણના લીધે પણ દરિયા કિનારાના ગામને મોટું નુકસાન પહોચી રહ્યું છે.