8 IPS સહિત દેશના સૌથી નાના 24 વર્ષના સફિનને જામનગરમાં મૂકાયા

રાજ્યમાં 2018ની બેચના કુલ 8 IPSને પ્રેક્ટિકલી ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં શૈફાલી બરવાલને સુરેન્દ્રનગર, સુશીલ અગ્રવાલને અમરેલી, લવીના સિન્હાને સાબરકાંઠા, અભય સોનીને બનાસકાંઠા,હસન સફીન મુસ્તુફાઅલીને જામનગર, પૂજા યાદવને પંચમહાલ, વિકાસ સુંદાને વડોદરા ગ્રામ્ય અને ઓમ પ્રકાશ જાટને વલસાડ ASP તરીકે મુકવામાં આવ્યા છે.

આઠ જેટલા પ્રોબેશનલ આઈ.પી.એસ.ને રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં પોસ્ટીંગ અપાયા છે, તે પૈકીના એક પ્રોબેશન આઇ.પી.એસ. અધિકારીને સફિન હસનનું પોસ્ટીંગ જામનગરમાં આપ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદરના 24 વર્ષના સફિન હસને યુપીએસસીની પરીક્ષા પાસ કરી સમગ્ર ભારતમાં સૌથી નાની વયના આઈપીએસ અધિકારી બનતા યુવાનોના રોલ મોડલ બની ગયા છે. ગરીબ પરિવારમાં ઉછરેલા અને નાનપણથી જ કલેક્ટર અને આઈપીએસ બનવાનો લક્ષ્‍ય રાખી અભ્યાસ કરતા સફિન હસનની જામનગર ખાતે આઈપીએસ તરીકે પોસ્ટિંગ થતા પરિવાર સહિત સમગ્ર બનાસકાંઠામાં યુવાનોના રોલ મોડલ બની ગયા છે.

24 વર્ષના સફિન હસનના પરિવારમાં માતા નસીબબેન અને પિતા મુસ્તાફભાઈએ સફિનનું શિક્ષણ કાણોદરની સરકારી પ્રાથમિક શાળામાં કરાવ્યું હતું. બાદ ગામની જ સરકારી માધ્યમિક ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો હતો. બાદ સુરત ખાતે ઈસી એન્જિનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ જીપીએસસીની પરીક્ષા રાજ્યમાં 34મો ક્રમાંક મેળવી પાસ કરી હતી.

જેમાં જિલ્લા રજીસ્ટ્રાર તરીકે નિમણુંક થઈ હતી પરંતુ બાળપણથી જ આઈપીએસ બનવાનો લક્ષ્‍ય લઈ ચુકેલા સકીલ હસને જિલ્લા રજીસ્ટ્રારની જોબ નકારી હતી અને વર્ષ 2017માં યુપીએસસીની મેઈન પરીક્ષા આપવાની હતી તે સમયે અકસ્માત થતા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ હિંમત ન હારી અને પરીક્ષા આપી હતી અને ભારતમાં યુપીએસસીની પરીક્ષામાં ૫૭૦મો ક્રમાંક મેળવી પાસ કરી હતી. ત્યારબાદ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ મેળવી આઈપીએસ અધિકારી તરીકે સૌ પ્રથમ જામનગર ખાતે પોસ્ટિંગ મેળવ્યું હતું.

દેશમાં સૌથી નાની વયે આઈપીએસ અધિકારીનું પદ મેળવનાર સફીન હસનને કેરિયરનું સૌથી પહેલું પોસ્ટીંગ જામનગરમાં મળ્યું છે. અહીં તેઓ આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએસપી) તરીકેનું જવાબદારી સંભાળશે. તેમની માતાએ હીરાના કારખાનામાં તેમજ હોટલમાં રસોઈ કામ કરીને તેમજ પિતાએ ઈલેક્ટ્રીશ્યનનું કામ કરી પુત્રને આઇ.પી.એસ બનાવ્યાં છે.

22 વર્ષીય સફીન હસન આ પદ માટે જરૂરી તમામ પરીક્ષાઓમાં ઉતીર્ણ થયા છે. યુપીએસસી પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી દીધી હતી. તેઓએ ઓલ ઈન્ડિયામાં 520મો રેન્ક મેળવ્યો છે. જો ગુજરાત કેડરમાં સૌથી યુવાન આઈપીએસની વાત કરીએ તો પી.સી.પાન્ડે 21 વર્ષની ઉંમરે આઈપીએસ બન્યા હતા પરંતુ જો કે કોઈ ગુજરાતી યુવક ગુજરાત કેડરમાં સૌથી યંગ આઈપીએસ હોય તો તે સફીન હસન છે.
બનાસકાંઠા જિલ્લામાં કણોદર નામનું એક નાનકડું ગામડું છે. આ ગામમાં રહેતા મુસ્તફાભાઈની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. મુસ્તફાભાઈ અને એમના પત્ની નસીમબેન હીરા ઘસવાનું કામ કરતા. અમુક વર્ષો પછી હીરા ઘસવાનું બંધ કરીને મુસ્તફાભાઈએ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ ચાલુ કર્યું. બે પાંદડે થવા માટે દિવસે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે અને રાત્રે કાવાની લારી ચલાવે. નસીમબેન પણ કોઈને ત્યાં સામાજિક પ્રસંગ હોય ત્યારે ત્યાં રોટલી પૂરી પાડવાનો ઓર્ડર સ્વીકારે અને ચારથી પાંચ કલાકની મહેનત કરીને પોતાની જાતે જ રોટલી બનાવે અને એ રીતે ઘર ચલાવવામાં મદદ કરે.

આ દંપતિનો મોટો દીકરો સફિન ભણવામાં બહુ જ હોશિયાર હતો. સરકારી શાળામાં અભ્યાસ કરતો આ છોકરો હંમેશા અવ્વલ નંબરે જ પાસ થતો. ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી પણ આ છોકરાના સપના અસામાન્ય હતા. નાનપણથી જ એણે એક સપનું સેવેલું કે મારે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ભારત સરકારના ઉચ્ચ અધિકારી બનવું છે. ઘણીવખત નસીમબેન રોટલી ઘડવા માટે રાતે 1 વાગ્યે બેસી જાય ત્યારે નાનકડો સફિન પોતાનું સપનું પૂરું કરવા માટે મમ્મીની સાથે જ ઉઠી જાય. મમ્મી રોટલી બનાવે અને સફિન બાજુમાં બેસીને વાંચે.

ધો.10માં સફિન 92% માર્ક્સ લાવ્યો. સાયન્સમાં અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની ફી ભરવાની એની કોઈ હેસિયત નહોતી. સફીને જે શાળામાં ધોરણ 10નો અભ્યાસ કરેલો એ જ શાળાના કેટલાક શિક્ષકોને સાયન્સની નવી સ્કુલ શરૂ કરેલી. શિક્ષકોને સફિનની ટેલેન્ટનો પરિચય હતો. નવી શાળાને આ છોકરો નામના અપાવશે એવી ખાતરી હોવાથી સફિનને 11 -12 સાયન્સની નવી શાળામાં વગર ફીએ પ્રવેશ આપ્યો.

શાળાનો અભ્યાસ તો પૂરો થઈ ગયો પણ હવે કોલેજની ફીની વ્યવસ્થા કેમ કરવી. સફીન પોતાનો ખર્ચો કાઢવા માટે વિદ્યાર્થીઓને ટ્યુશન આપે અને એની આવકમાંથી પોતાના રહેવા જમવાનો ખર્ચ કાઢે. પરિસ્થિતિ સામે ઘૂંટણિયે પડવાને બદલે આ છોકરો હિંમતભેર આગળ વધતો રહ્યો.

કોલેજ પૂરી કરીને હવે યુપીએસસીની તૈયારી માટે દિલ્હી જવાનું હતું. દિલ્હીનો ખર્ચ આ પરિવારને કોઈ સંજોગોમાં પોસાય તેમ જ નહોતો પણ જો તમારો ઈરાદો મજબૂત હોય તો કુદરત મદદ પણ કરે જ છે. સફિન કોલેજકાળ દરમ્યાન સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા સાથે જોડાયેલો હતો. ઝૂંપડપટ્ટીના બાળકોના અભ્યાસ માટે અને ગામડાના ગરિબ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે એ અને એની ટીમ સતત પ્રયાસ કરતા રહેતા. આ દરમિયાન જ હુસેનભાઈ અને ઝરીનાબેનનો સંપર્ક થયો. આ દંપતીએ સફિનના સપનાને પાંખો આપવાનું કામ કર્યું. કોઈપણ જાતના લોહીના સંબંધ નહોતા છતાં માનવતાના નાતે સફિનના દિલ્હીના અભ્યાસનો બધો જ ખર્ચ આ દંપતીએ ઉપાડી લીધો.

સફીને પોતાના સપનાને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરી. યુપીએસસીની પરીક્ષા વખતે એ પરીક્ષા આપવા જતો હતો ત્યારે જ અકસ્માત થયો. લોહીલુહાણ હાલતમાં પણ એણે હોસ્પિટલે પડ્યા રહેવાના બદલે પરીક્ષા ખંડમાં જવાનું પસંદ કર્યું. પગ ભાંગ્યો હતો એટલે ખૂબ પીડા થતી હતી પણ પીડાની પરવા કર્યા વગર આ છોકરાએ પેઈન કિલર ગોળીઓ ખાઈએ પરીક્ષા આપી.

પહેલા જ પ્રયત્નમાં આ છોકરાએ યુપીએસસીની મેઈન પરીક્ષા પાસ કરી લીધી. ઇન્ટરવ્યૂને એક મહિનાની વાર હતીને સફિન બીમાર પડ્યો. એને હોસ્પિટલાઈઝ કરવો પડ્યો. ત્રણ અઠવાડિયા હોસ્પિટલમાં વિતાવ્યા અને ઇન્ટરવ્યુના એક અઠવાડિયા પહેલા જ હોસ્પિટલમાંથી રજા મળી. યુપીએસસીની સાથે સાથે કુદરત પણ એની પરીક્ષા લઇ રહી હતી. સફિનનો ઈરાદો મક્કમ હતો. હોસ્પિટલની પથારીમાં પણ એને ઇન્ટરવ્યૂની તૈયારી ચાલુ રાખી અને ઇન્ટરવ્યૂ આપ્યું જે ઇન્ટરવ્યૂમાં એણે સમગ્ર ભારતમાં સેકન્ડ હાઈએસ્ટ માર્ક્સ મેળવ્યા.

યુપીએસસીનું ફાઇનલ પરિણામ આવ્યું અને સફિનનું સપનું પૂરું થયું. માત્ર 22 વર્ષની ઉંમરે એ આઇપીએસ ઓફિસર બની ગયો. પોતાના માદરે વતન ગુજરાતમાં જ એની નિમણૂક થઈ અને સફિન હસન ગુજરાત રાજ્યનો સૌથી નાની ઉંમરનો આઇપીએસ ઓફિસર બની ગયો. સફિન હસન ગુજરાતી માધ્યમમાં જ ભણેલો છોકરો છે. એણે યુપીએસસીની પરીક્ષા પણ ગુજરાતી માધ્યમમાં જ આપી હતી. જો કે પ્રચંડ આત્મવિશ્વાસને લીધે એણે ઇન્ટરવ્યૂ અંગ્રેજીમાં જ આપ્યું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતાઓ ક્યારેય ઓછી ન આંકવી.
થોડા દિવસ પહેલા જ ગુજરાત કેડરના આ સૌથી યુવાન આઇપીએસ ઓફિસરની તાલીમી અધિકારી તરીકેની નિમણૂંક ગુજરાત સરકારે જામનગર જિલ્લામાં કરી છે.

સફિન હસને મક્કમ ઈરાદા અને પ્રચંડ પુરુષાર્થથી એ સાબિત કરી દીધું કે નાના માણસોને પણ મોટા સપનાઓ જોવાનો અને પુરા કરવાનો અધિકાર છે અને એ અશક્ય પણ નથી. લેખક શૈલેષ સગપરીયા