પર્યાવરણ રક્ષાની ઝુંબેશ ચલાવતી 8 વર્ષની લિસીપ્રિયા ગુજરાતમાં આવી

યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં સંબોધન કરેલું છે.

• મણીપુરની આઠ વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ લિસી પ્રિયાએ
• રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી
• માં પ્રત્યેક નાગરિક સહયોગી બને

મણીપુરમાં જન્મેલી આઠ વર્ષની  પર્યાવરણ એક્ટિવિસ્ટ લિસીપ્રિયા કન્ઝમને પર્યાવરણરક્ષા માટેની તેની ઝુંબેશ ચલાવતી ગુજરાત આવી છે. તેણે રાજભવન ખાતે શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રના ઉત્કર્ષ માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઇએ.  જળ વાયુ પરિવર્તન સંદર્ભે ચિંતા વ્યક્ત કરી લિસીપ્રિયાની જેમ દરેક બાળક આ સમસ્યા સામે જાગૃત બને એટલું જ નહીં આ ઝુંબેશમાં પ્રત્યેક નાગરિક સહયોગી બને એમ પણ જણાવ્યું હતું. ભારત દેશમાં પ્રતિભાઓની કોઇ કમી નથી, તેમ રાજ્યપાલે તેને કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મણીપુરના બાશિખોંગમાં બીજી ઓક્ટોબર, ૨૦૧૧ ના રોજ જન્મેલી લિસીપ્રિયાએ જ્યારે બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી પર્યાવરણ રક્ષા માટે “બચપન- આંદોલન શરૂ કર્યું હતું. તેણીએ 32 દેશોનો પ્રયાસ કર્યો છે, એટલું જ નહીં વર્ષ ૨૦૧૯માં મેડ્રીડમાં યોજાયેલી યુનાઇટેડ નેશન્સ કલાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં યંગેસ્ટ સ્પીકર તરીકે સંબોધન કરીને વિશ્વભરના મહાનુભાવોને પર્યાવરણરક્ષા માટે આગળ આપવા અનુરોધ કર્યો હતો.

ટકાઉ ઉર્જા, સીંગલયુઝ પ્લાસ્ટિક ફ્રી ભારત, ગ્રીન અને ક્લીન ભારતના નિર્માણના જનઆંદોલનમાં સહયોગી બનવા તેણીએ ઇચ્છા વ્યક્ત કરી હતી અને આ ક્ષેત્રમાં ગુજરાત રોલ મોડેલ બનશે તેવી આશા દર્શાવી હતી.
મુલાકાત દરમિયાન લિસીપ્રિયાના પિતા કે. કે. સીંગ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દર્શના વિસરીયા, મુંબઈ સમાચારના લેખક લખે છે કે, મણિપુરની આઠ વર્ષીય લિસીપ્રિયા કંગજુમની અને તેને લોકો ભારતની ગ્રેટા થન્બર્ગના નામે ઓળખે છે. લિસીપ્રિયાએ બાળપણમાં જ આટલી ગંભીર સમસ્યા વિશે વિચારવાનું શરૂ કર્યું અને તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેણે પોતાનું બાળપણ, ભણતર અને ઉજ્જ્વળ ભવિષ્ય દાવ પર લગાવી દીધા.

હાલમાં જ ડિસેમ્બરમાં સ્પેનમાં યોજાયેલી એક પરિષદમાં તેણે હાજરી આપી હતી અને સ્પેનિશ મીડિયાએ તેને ગ્રેટાના હુલામણા નામે લોકપ્રિય કરી દીધી.

પોતાના આ પ્રવાસ વિશે વાત કરતાં લિસીપ્રિયા જણાવે છે કે સ્પેનમાં યોજાયેલી સીઓપી૨૫ (યુનાઈટેડ નેશન્સની ક્લાયમેટ ચેન્જ કૉન્ફરન્સ)માં ભાગ લેવા માટે જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે મને થયું કે મને વધુ એક વખત દુનિયા સમક્ષ મારા વિચારો રજૂ કરવાની તક મળી છે અને તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે હું તૈયાર હતી, પણ સૌથી મોટી મુશ્કેલી તો સ્પેન પહોંચવાની અને ત્યાં રહેવા માટે પૈસાની વ્યવસ્થા કરવાની હતી.

મારા પિતા કેકે સિંહ કે જેઓ ખુદ એક્ટિવિસ્ટ છે તેમણે કેટલાય ભારતીય પ્રધાનો અને સરકારી ખાતાઓના આલા અધિકારીઓ પાસે આ માટે મદદ કરવાની વિનંતી કરી, પણ એ વિનંતી બહેરા કાને મૂંગી ચીસ જ સાબિત થઈ. આખરે અમે ક્રાઉડ ફંડિંગનો વિકલ્પ અપનાવ્યો અને આખરે ભુવનેશ્ર્વરની એક વ્યક્તિએ મારા માટે મેડ્રિડની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી આપી. એક સમસ્યા તો ઉકેલાઈ ગઈ હતી, પણ હવે બીજી સમસ્યા તો રાહ જોઈને જ ઊભી હતી અમારી સામે. મેડ્રિડમાં રહેવું ક્યાં? આખરે મારી માતાએ તેની સોનાની ચેન અને થોડાક ઘરેણાં વેચ્યા અને આ રીતે અમે હોટેલ બુક કરી.’

સ્પેન જવાના આગલા દિવસે જ તેના પિતા કેકે સિંહને સ્પેનિશ ગવર્નમેન્ટ તરફથી એક મેલ આવ્યો કે લિસીપ્રિયાની સ્પેનની મુલાકાતનો તમામ ખર્ચ સ્પેનિશ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. દુનિયા સમક્ષ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી હતી, તેનો ખર્ચ ભારત સરકારને બદલે સ્પેનિશ સરકાર ઉઠાવે. લિસીપ્રિયા અત્યાર સુધી ૨૧ દેશો સાથે ક્લાયમેટ ચેન્જ અને પર્યાવરણને બચાવવા અંગે વાતચીત કરી ચૂકી છે.

‘૨૦૧૬માં જ્યારે જ્યારે હું મારા માતા-પિતા સાથે ભુવનેશ્ર્વર આવી અને એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં મને નર્સરીમાં ઍડમિશન મળી ગયું. એ વખતે મને હિંદી, અંગ્રેજી કે ઓડિયા કઈ રીતે બોલવું તે આવડતું નહોતું, પણ ધીરે ધીરે મેં આ ત્રણેય ભાષા શીખવાનું શરૂ કર્યું. આ સિવાય શાળામાં આવીને જ મારી અંદર લીડરના ગુણો વિકસ્યા. મને યાદ છે કે શાળામાં વિદ્યાર્થીઓને દર મહિને એક ચોક્કસ જવાબદારી સોંપવામાં આવતી હતી અને તેને કારણે મારામાં સ્ટેજ પર સેંકડો લોકોની વચ્ચે પોતાના વિચારો નિર્ભયપણે વ્યક્ત કરવાનો ગુણ ખીલ્યો.

બે વર્ષ બાદ એટલે કે ૨૦૧૮માં જ્યારે હું છ વર્ષની હતી ત્યારે પહેલી વખત મને એશિયાની ત્રીજી મિનિસ્ટરિયલ કૉન્ફરન્સ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનમાં ભાગ લેવાની તક મળી અને એ જ કૉન્ફરન્સમાં હું અલગ અલગ દેશના પ્રતિનિધિઓને મળી કે જેમણે કુદરતી આપત્તિ સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. જ્યારે પણ આવી કોઈ આપત્તિ આવતી અને નિર્દોષ બાળકોના અનાથ થવાના સમાચારો સાંભળતી કે જોતી ત્યારે હું રડી પડતી. આ કુદરતી આફતો આવતી તેનું મૂળ હતું ક્લાયમેટ ચેન્જ. બસ આ કારણ છે જેણે મારા જીવનને ધરમૂળથી બદલી નાખ્યું અને મેં આ સમસ્યા તરફ સરકારનું ધ્યાન દોરીને તેનો ઉકેલ લાવવા માટે કામ કરવાનું વિચારી લીધું’ એવું વધુમાં જણાવે છે લિસીપ્રિયા.

મોદી સરકાર સામે દેખાવો કરાતાં શાળા છોડવી પડી

ફેબ્રુઆરી, ૨૦૧૯થી દર અઠવાડિયે સંસદની બહાર હાથમાં એક બોર્ડ લઈને લિસીપ્રિયા શાંતિથી વિરોધપ્રદર્શન કરવાની સાથે સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે એક બિલ પાસ કરવાની માગણી કરી રહી છે, જેમાં તે તેના જેવા નાના નાના ભૂલકાઓનું ભવિષ્ય બચાવવા માટે સંસદમાં ‘ક્લાયમેટ ચેન્જ એક્ટ’ નામનું બિલ પાસ કરવાની વિનંતી કરી રહી છે. તેના આ જ વિરોધપ્રદર્શનને કારણે તેણે શાળા છોડવી પડવી. આખરે લાંબો સમય સુધી રાહ જોયા બાદ ૨૧મી જૂન, ૨૦૧૯ના ભારતીય મીડિયાની નજર આ નાનકડી બાળકી પર પડી અને તેમણે આ બાળકી અને વૈશ્ર્વિક સમસ્યા તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું. તેના ત્રણ દિવસ બાદ જ એટલે કે ૨૪મી જૂને રાજ્યસભામાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો અને એક કમિટી તૈયાર કરવામાં આવી.

સંસદની સામે આ રીતે વિરોધપ્રદર્શન કરવાનો આઈડિયા પણ લિસીપ્રિયાને તેની પ્રેરણામૂર્તિ ગ્રેટા થન્બર્ગ પાસેથી જ આવ્યો હતો, પણ ફરક માત્ર એટલો જ હતો કે ગ્રેટા એ વખતે ૧૭ વર્ષની હતી અને લિસીપ્રિયા ૭ વર્ષની.

અનિયમિત હાજરીને કારણે ભુવનેશ્ર્વરની શાળામાંથી કાઢી મુકાયા બાદ લિસીપ્રિયાના માતા-પિતાએ તેનું એડમિશન બીજી શાળામાં કરાવ્યું પણ ત્યાં સુધ્ધાં વિવિધ પ્રવૃત્તિઓ અને દેશ-વિદેશની તેની મુલાકાતોને કારણે ભણી શકી નહીં.

એક-દોઢ વરસમાં પરિસ્થિતિ એટલી બદલાઈ છે કે હવે તો દુનિયાભરની શાળાઓ તેને ફ્રી એજ્યુકેશન અને સ્કૉલરશિપ ઑફર કરી રહી છે. એટલું જ નહીં તે ખુદ પણ અધૂરું ભણતર પૂરું કરવા અંગે વિચારી રહી છે, કારણ કે તે સારી રીતે જાણે છે કે ભણતર જ તેનું ઉજ્જ્વળ ભવિષ્ય ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.

આટલી નાની ઉંમરે દેશ-વિદેશના મોટા મોટા નિષ્ણાતો અને મહાનુભાવો સામે વિચારો વ્યક્ત કરવા એ કંઈ નાનીસૂની વાત નથી, પણ લિસીપ્રિયાના નાનકડા મગજમાં આવા વિચારો ક્યાંથી આવે છે એવું પૂછતાં જ તે જણાવે છે કે ‘હું ખૂબ વાંચું છું. યુનાઈટેડ નેશન્સની વિશ્ર્વભરમાં યોજાતી ડઝનબંધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીટિંગ્સમાં જાઉં છું. આ સિવાય પર્યાવરણશાસ્ત્રીઓ અને આ ક્ષેત્રમાં કામ કરનારા નિષ્ણાતોને મળું છું જેથી મને યોગ્ય માર્ગદર્શન મળી રહે. મારા ખરા મિત્રો છે આ બધા લોકો. એટલું જ નહીં તેઓ પણ દર થોડા-થોડા સમયે મને વિશ્ર્વભરની માહિતીથી માહિતગાર કરે છે, જેથી હું જ્યારે પણ આવી મોટી મોટી પરિષદોમાં સ્પીચ આપું ત્યારે તેનો ઉલ્લેખ કરી શકું.’

લિસીપ્રિયાએ ઑક્ટોબર મહિનામાં જ દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે ‘ગ્રેટ ઓકટોબર માર્ચ ૨૦૧૯’નું નેતૃત્ત્વ કર્યું હતું જેમાં ૧૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. મેડ્રિડમાં આખી દુનિયા સમક્ષ ક્લાયમેટ ચેન્જ અંગે સ્પષ્ટપણે પોતાના વિચારો વ્યક્ત કરનારી લિસીપ્રિયાને લાગે છે કે આપણે ત્યાં શાળામાં બાળકોને જોઈએ એટલો વિસ્તારપૂર્વક આ વિષય ભણાવવામાં આવતો નથી. એટલું જ નહીં પણ તેના મતે આ એટલો નાનો વિષય નથી કે જેને થોડાક કલાકો કે પછી કોઈ એકાદ પીરિયડ દરમિયાન બાળકોને ભણાવી શકાય. આ વિષયને મોટા પાયે રજૂ કરવાની જરૂર છે અને પ્રાઈમરીથી લઈને યુનિવર્સિટી સુધી આ વિષય ફરજિયાત બનાવવો જોઈએ. હાલમાં જ ઈટલીએ ક્લાયમેટ ચેન્જના વિષયને શાળામાં ફરજિયાત બનાવ્યો છે અને સમય આવી ગયો છે કે દુનિયાના અન્ય દેશોએ પણ તેનો અમલ કરવો જોઈએ.

ફયુચર પ્લાન અંગે વાત કરતાં લિસીપ્રિયા જણાવે છે કે ‘હું મોટી થઈને સ્પેસ સાયન્ટિસ્ટ બનવા માગું છું અને મંગળ કે પછી ચંદ્ર પર રૉકેટ લૉન્ચ કરીને ત્યાં આપણે કેવી રીતે જીવી શકીએ, તેમ જ હવા અને પાણી બનાવી શકાય એનો અભ્યાસ કરવા માગું છું, કારણ કે આપણી પૃથ્વીનો વિનાશ આપણી હરકતોને કારણે થઇ જશે.’ નાનકડી લિસીપ્રિયાના આટલા મોટાં મોટાં સપનાં અને વિચારો જોઈને ખરેખર તેની સામે નતમસ્તક થઈ જવાય નહીં?

દર્શના વિસરીયા, મુંબઈ સમાચારના લેખક