9 ટાવરમાંથી 2 ટાવર જ ઊભા થતાં ગીરનાર રોપવેનું કામ ઘોંચમાં

ગિરનાર રોપ-વેની કામગિરી ઉષા બ્રેકો કંપની દ્વારા ધીમી ગતીએ ચાલી રહી છે. માલવાહક રોપવે બાદ હવે મુખ્ય રોપવેનાં 2 ટાવરો તૈયાર થઈ ગયા છે. ઉષા બ્રેકોનાં દિનેશ નેગી કહે છે કે, ટાવર નં. 1-એ અને 1-બી ઉભા થઇ ગયા છે. લોઅર સ્ટેશનનું સિવિલ કામ પણ પૂર્ણ થઇ ગયું છે. જો કે હજુ 7 ટાવરો ઉભા કરવાનાં બાકી છે. એ ટાવરો ઉભા થઇ ગયા બાદ બાકીની કામગીરી થશે.

જર્મની અને ઓસ્ટ્રિયાથી ઇજનેરોની ટુકડી રોપ-વે સાઇટની મુલાકાતે આવી પહોંચી છે. આ ટુકડી રોપ-વેને લઇને વિવિધ પાસાંઓ પર નિરીક્ષણ કરશે. ગિરનારનાં રોપ-વે માટે એક તબક્કે ઉંચાઇ પરનો ઘૂમરી લેતો પવન અને ટાવરને સ્થિર અને અડીખમ રાખવાની બાબત સૌથી મોટો પડકાર છે. તેમાંય રોપ વેનો સૌથી ઉંચો 30 મિટરનો ટાવર ઉભો થશે તેને સ્થિર રાખવાનું કામ સૌથી અઘરું નિવડશે.

ગિરનારના પાંચ હજાર પગથિયા ઉપર અંબાજી મંદિર ખાતે અતિ આધુનીક રોપવે પ્રોજેકટ આગામી દિવસોમાં શરૂ થઇ રહ્યો છે ત્યારે લોકો માત્ર ૧૫ મિનીટમાં ગિરનાર અંબાજી પહોચી જશે અને મંદિર અને તેની આગળના અને ધર્મસ્થાનોના દર્શન કરી શકશે ત્યારે રોપવે શરૂ થાય તે પહેલા મંદિર પરિસરનો પણ વિકાસ થાય તે માટે જરૂરી સુચનો છે.

રોપવે શરૂ થતા ગિરનાર પર પ્રવાસીઓની ભીડ વધશે. એક અંદાજ મુજબ રોજના આઠ થી દસ હજાર પ્રવાસીઓની અવર જવર રહેશે અને વાર તહેવારો અને વર્ષ દરમિયાનના બે મોટા મેળા એક મહાશિવરાત્રી અને બીજો ગીરનારની લીલી પરિક્રમાનો મેળો આ બંને મેળાના છ થી સાત દિવસના ગાળામાં લાખોની સંખ્યા યાત્રિકો આવે છે. જેમાં એક મેળામાં ૧૦ થી ૧૨ લાખ યાત્રિકો આ મેળામાં પધારે અને જેના ઘણા ખરા યાત્રિકો ગિરનાર પર્વત ઉપરના ધમસ્થાનોના દર્શને જતા હોય છે ત્યારે ગીરનાર ઉપર રોપ વે શરૂ થતા યાત્રિકોનો અવિરત ઘસારો જોવા મળશે ત્યારે તે મંદિર પરિસરનો વિકાસ કરવો જરૂરી બની જાય છે. રોજના આઠથી દસ હજાર જેટલા યાત્રીકો ગિરનાર પર્વત ઉપર જઇ ચડશે જેમાના અમુક યાત્રીકોને બાદ કરતા રોજના બે થી અઢી હજાર યાત્રીકો જે આગળ જઇ શકે તે યાત્રીકો મંદિર પરિસરમાં જ રોકાશે ત્યારે તેમની સુખાકારી માટે સરકારે પરિસરનો વિકાસ કરવો ઘણો જરૂરી બની રહેશે તેમ રજૂઆતમાં જણાવાયુ છે.