બે ગણું ઉત્પાદન આપતી ચોખાની નવી જાત આરતી ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ શોધી 

Agricultural scientists of Gujarat discovered a new variety of rice – Aarti

( દિલીપ પટેલ )

25 જાન્યુઆરી 2022

બે ગણું ઉત્પાદન આપતી ડાંગરની નવી જાત આરતી નવસારીના કૃષિ વિજ્ઞાનીઓએ શોધી છે. ગુજરાત સરકારે થોડા દિવસ પહેલાં જ ચોખાના ઉત્પાદનના નવા અંદાજો જાહેર કર્યા છે જેમાં હેક્ટરે સરેરાશ 2400 કિલો ચોખા પાકશે. જ્યારે નવસારીની નવી જાત ગુજરાત નવસારી રાઈસ – 8 આરતી એક હેક્ટરે 4700 કિલો ઉત્પાદન આપે છે. જે રાજ્યમાં સરેરાશ કરતાં બે ગણું ઉત્પાદન બતાવે છે.

ગુજરાતમાં ખરીફ- ચોમાસામાં જ ડાંગર પાકે છે. 8.17 લાખ હેક્ટરમાં વાવેતર ચોખાનું ગયા ચોમાસામાં થયું હતું. જેનું ઉત્પાદન 20.40 લાખ ટન થયું હોવાનું કૃષિ વિભાગના અંદાજો છે.

તેનો સીધો મતલબ એ થયો તે 20 લાખ ટનની સામે 40 લાખ ટન ચોખાનું ઉત્પાદન નવી જાતથી થઈ શકે છે.

આજના ભાવ પ્રમાણે 20 કિલોના 240થી 380 સુધીના ભાવ ડાંગરના છે. 650 ગુણીનો ગઈકાલે વેપાર આખા રાજ્યમાં હતો. સરેરાશ 300 ભાવ ગણવામાં આવે તો પણ 1 કિલોના રૂપિયા 15નો ભાવ હાલ છે.

તે હિસાબે 3060 કરોડનું આખા રાજ્યનું ઉત્પાદન ગણી શકાય. જો રાજ્યના તમામ ખેડૂતો આરતી ડાંગરનો પાક વાવે તો 6 હજાર કરોડનું ઉત્પાદન થઈ શકે. આમ એક જ જાતની શોધના કારણે ખેડૂતોને 3 હજાર કરોડનો સીધો ફાયદો મળે અને ખેડૂતોની આવક બે ગણી થઈ શકે છે.

ઉત્પાદન ઉપરાંત આરતીની ખૂબી એ છે કે, દાણો લાંબો અને જાડો છે. ફુટ અને કંટીમાં દાણાની સંખ્યા વધારે છે. આરતી ચોખામાં મધ્યમ એમાઈળોઝ 24.42 ટકા છે. પ્રોટીન 6.52 ટકા છે. આખા દાણાનું પ્રમાણ 64.2 ટકા છે.

સુકારા, ભૂખરા દાણાનો રોગ તથા પાનના કોહવા સામે મધ્યમ પ્રતિકાર કરી શકે છે. બાદામી ચૂસીયા સામે રોગ પ્રતિકાર શક્તિ ધરાવે છે. ગાભમારાની ઇયળ, પાનખાનારી ઈયળ, પર્ણતલ કથિરી સામે લડી શકે છે. દક્ષિણ ગુજરાતમ માટે હાલ ભલામણ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં 47 હજાર હેક્ટર કુલ વાવેતર થાય છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં 2.70 લાખ હેક્ટર ડાંગર ગયા ચોમાસામાં ઉગાડવામાં આવી હતી. 127 કરોડનું ઉત્પાદન થઈ શકે છે. જે હાલ 62 કરોડ રૂપિયાનું થાય છે.

સૌથી વધું ડાંગર મધ્ય ગુજરાતમાં 5.20 લાખ હેક્ટ વાવેતર હતું. આખા રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધું 1.35 લાખ હેક્ટર ડાંગર ઉગાડાય છે. પછી આણંદ 1.10 લાખ અને ખેડા 1.10 લાખ હેક્ટરમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે.