અલીદીના વિસરામ યુગાન્ડાના ગુજરાતી વેપારી

Alidina Visram Gujarati businessman from Uganda अलीदिना विस्राम युगांडा के गुजराती व्यवसायी

જયદીપ વસંત- બીબીસી ગુજરાતી સાભાર
14 મે 2023
અલીદીના વિસરામની જીવનકહાણી છે. એક સમયે ઈદી અમીને યુગાન્ડામાંથી ભારતીઓને હાંકી કાઢ્યા હતા. પણ આજે 90,000 ભારતીયો આ દેશમાં વસે છે. ત્યારે તેના ગુજરાતી અસંખ્ય વેપારીઓની વાતો જાણવા જેવી છે.

કચ્છમાં જન્મેલા અલીદીના વિસરામ બહુ નાની ઉંમરે પૂર્વ આફ્રિકામાં પહોંચ્યા હતા. અલીદીના વિસરામનો જન્મ કચ્છના કેરા ખાતે ખોજા પરિવારમાં (ઈ.સ. 1851) થયો હતો. બાર વર્ષની ઉંમરે દેશી જહાજમાં કચ્છથી નીકળીને લાંબી દરિયાઈ મુસાફરી ખેડીને તેઓ ઈ.સ. 1863માં બાગામોયા (હાલ તાન્ઝાનિયા) પહોંચ્યા હતા. સદીઓથી દેશી જહાજમાં ગુજરાતી વેપારીઓ દેશદેશાવરની સફર ખેડતા રહ્યા છે

વેપાર
તેમણે હાલના યુગાન્ડા, ડૅમોક્રૅટિક રિપબ્લિક ઑફ ધ કૉંગો (આખું નામ), તાન્ઝાનિયા, કેન્યા અને દક્ષિણ સુદાન સુધી પોતાનો વેપાર વિસ્તાર્યો હતો. 19મી સદીના અંતભાગમાં એટલે કે લગભગ 1898 આસપાસ અલીદીનાની માત્ર મોમ્બાસાની શાખાનું વાર્ષિક ટર્નઑવર રૂ. ત્રણ લાખ જેટલું હતું. તેઓ રૂ. બે લાખની આયાત કરે છે, જ્યારે રૂ. એક લાખ જેટલી નિકાસ કરે છે. ત્યારે શ્રમિકનું માસિક વેતન બેથી ત્રણ રૂપિયા હતું. તેની સાથે સરખાવતા ટર્નઑવર અને નફાના કદનો અંદાજ આવે.

ત્યાં કામ કરતા નીચલાવર્ગના અંગ્રેજ કર્મચારીઓ માટે તેઓ બૅન્ક હતા. રિટેલ ચેઇન સ્ટોરના માલિક, હાથીદાંતના વેપારી, આયાતકાર-નિકાસકાર, કોટનની જીનના માલિક હતા.

અલીદીના વિસરામ ‘હાથીદાંતના વેપારના રાજા’ અને ‘યુગાન્ડાના તાજ વિનાના સુલતાન’ તરીકે પણ ઓળખાતા. આગાખાન તૃતીયે તેમને ‘વારસ’ના ખિતાબથી નવાજ્યા હતા.

ભારત સરકારે ‘ઑપરેશન કાવેરી’ હેઠળ સુદાનમાં વસતા ભારતીય નાગરિકોને જળ તથા હવાઈ માર્ગે ભારત પરત લાવ્યા તેમાં ગુજરાતના રાજકોટથી સુદાનમાં વસી ગયેલા ગુજરાતીઓ પણ હતા. હજારો ગુજરાતીઓ આફ્રિકા જઈને સમૃદ્ધ બન્યા છે, ત્યારે પૂર્વ આફ્રિકામાં પરચમ લહેરાવનાર ગુજરાતી વેપારી હતા.

અહીં તેઓ સેવા હાજી પારુ પાસે પહોંચ્યા. જેઓ પોતાના કાફલા પૂર્વ આફ્રિકાના અંતરિયાળ વિસ્તારોમાં મોકલતા. વેપારના ગુણ શીખ્યા. શરૂઆતનાં વર્ષોમાં તેઓ કપડાં, અનાજ અને મીઠાના સાટે મધ, મીણ અને લવિંગ ખરીદતા.

બ્રિટિશ સમયે મોટી સંખ્યામાં ભારતથી દેશાંતર થયેલું હતું. સિંધ, સુરત, કચ્છ, પોરબંદર, કોંકણ, મલાબાર અને લંકા નિયમિતપણે પૂર્વ આફ્રિકામાં, અને ખાસ કરીને ઝાંઝીબારનો પ્રવાસ કરતાં હતા.

સઢવાળા વહાણોમાં અને પોર્ટુગીઝ વહાણોમાં પ્રવાસ કર્યો હતો. આમાંથી કેટલાક લોકો પૂર્વ આફ્રિકામાં વસી ગયા અને પછી અત્યારના યુગાન્ડા જેવા સ્થળોએ ફેલાઈ ગયા. પછી તેઓ બ્રિટિશ સાથે આવેલા ખૂબ મોટા દક્ષિણ એશિયનોના જથ્થા સાથે ભળી ગયા. કेન્યા હોય કે ડર્બન, ગુજરાતી છાંટ નજરમાં ચડી જ જશે. કેન્યામાં દોઢ લાખથી વધુુ ગુજરાતી છે. નૈરોબીમાં અંદાજે એક લાખ ભારતીયોમાંથી 80 ટકા ગુજરાતીની વસતી છે. નૈરોબીના પાર્કલેન્ડ અને વેસ્ટલેન્ડ વિસ્તારો મિનિ ગુજરાત જેવા જ છે. યુગાન્ડામાં પણ ગુજરાતીઓની વસતી છે. કમ્પાલા સિટીમાં સૌથી વધારે ગુજરાતી છે. એક અંદાજ મુજબ, યુગાન્ડામાં 70 ટકા ટેક્સ તો ગુજરાતી જ ભરે છે. વર્ષોથી ત્યાં રહેતા ગુજરાતી, ગુજરાત કે કચ્છનું નામ પણ લો તે મોંઢામાં જાણે કોઇએ મીઠાશ રેડી હોય એવું મહેસુસ થાય. પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીઓએ વેપારમાં નામ કર્યું છે.

નૈરોબીના ગુજરાતીઓની દિલદારી ત્યારે સૌની નજરમાં આવી ગઇ હતી જ્યારે વેસ્ટગેટ મોલમાં થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર નૈરોબીની સૌથી જાણીતી એમ.પી. શાહ હોસ્પિટલમાં આપવામાં આવી હતી. એ હુમલામાં નુકશાન પણ ગુજરાતીઓને ઘણું થયું હતું. એક અંદાજ મુજબ, વેસ્ટ ગેટ મોલમાં આવેલી 300 દુકાનોમાંથી 70 જેટલી દુકાનો તો ગુજરાતીઓની જ હતી. ગુજરાતીઓ કેન્યાના જીવનનો ભાગ બની ગયા છે યુગાન્ડાના કમ્પાલામાં 150 વર્ષ જૂનું હિન્દુ મંદિર છે.

કચ્છી લેઉવા પટેલ સમાજ દ્વારા ચલાવાતી શાળા બહુ જાણીતું શાળા સંકુલ છે.

આવો જ આ કચ્છનો છોકરો હતો.

ઈ.સ. 1877માં બાગામોયામાં તેમણે પોતાનો વેપાર શરૂ કર્યો. જેનો વ્યાપ તેમણે દાર-એ-સલામ, સદાણી, ટીંડે, અને ઊજીજી ખાતે શાખાઓ ખોલીને વધાર્યો હતો.

1896માં તેમણે ઝાંઝીબાર તથા એજ વર્ષે યુગાન્ડામાં પણ શાખાઓ ખોલી. ઈ.સ. 1899માં બ્રિટિશ ઇસ્ટ આફ્રિકાના મોમ્બાસા તથા અલગ-અલગ સ્થળોએ શાખાઓ ખોલી હતી.

તેઓ હાથીદાંત, ઘેટાં-બકરાંનાં ચામડાં, ચામડાં, રબર, મધમાખીનું મીણ, તલ, મગફળી, મરચાં અને બીજાં ઉત્પાદનોની નિકાસ કરતા હતા. તેઓ કાપડની બનાવટો, મણકા, ધાબળા, તાંબુ, પિતળ અને લોખંડની આયાત કરતા. આ સિવાય તેઓ યુરોપમાંથી સિલ્ક, ઉનના કપડાં અને વાઇન મંગાવતાં.
તેઓ કંપાલામાં સોડા, ચામડાં રંગવાની અને ફર્નિચરની ફૅકટરીઓના માલિક હતા. મૉમ્બાસામાં તેઓ વસરામ જિનિંગ અને ઑઈલ ફેકટરી ધરાવત હતા. એન્તેબેમાં ગોળ બનાવવાની ફેકટરી હતી.

અલીદીના વિસરામની પેઢી ઝાંઝીબાર સરકારનાં જહાજોના અને બ્રિટિશ ડૉમિનિયન્સ મરીન ઇન્શ્યોરન્સ કંપનીના સત્તાવાર એજન્ટ હતા. લૅક વિક્ટોરિયામાં કંપાલા , ઝિંઝા , કિસુમુમાં વચ્ચે તેમનાં જહાજ ચાલતાં.

તેમની કંપનીમાં 500 જેટલા ભારતીય ગુમાસ્તા કામ કરતા. આ સિવાય મોટી સંખ્યામાં સ્થાનિકોને સુથારીકામ અને કડિયાકામ માટે રાખ્યા હતા.

તેમની પેઢીમાં મોટાભાગે ખોજા કામ કરતા, પરંતુ આ સિવાય, હિંદુ, મુસ્લિમ, સ્થાનિક હબસી વગેરે પણ કામ કરતા અને બધાને માટે તેઓ સમાન રીતે સન્માનિત હતા. અંગ્રેજો પણ તેમને આદર આપતા.

આફ્રિકાના અંતરિયાળ વિસ્તારોમાં જવું દુર્ગમ હતું. અલીદીના વિસરામે વેપારના ગુરૂથી અલગ થયા બાદ તેમણે પોતે પણ અંતરિયાળ વિસ્તારોમાં કાફલા મોકલવાનું શરૂ કર્યું.

તેમના માટે ભોજન અને માણસોની વ્યવસ્થા કરી આપતા. મોટાભાગના પ્રવાસીઓ આફ્રિકા ખંડ ખેડવા માટે કે શિકાર કરવા માટે અહીં પહોંચતા હતા.

દરિયાકિનારેથી અલીદીના વિસરામની પેઢીનો ચેક આપ્યો હોય હોય, તો તેને યાત્રા દરમિયાન અંતરિયાળવિસ્તારમાં તેમની જ પેઢીમાં ત્રણથી પાંચ ટકાના દરે વટાવી શકાતો. તેઓ બૅંક સમાન જ હતા.

મોટાભાગના વિદેશી મુસાફરો આફ્રિકામાં હાથી, ચીતા, સિંહના ટ્રૉફી હંટિંગ (વાઘ નથી) માટે આવતા. આમાંથી મળતી એક આડપેદાશ ઉપર અલીદીના વિસરામની નજર પડી હતી. આ હતાં હાથીદાંત.

તેની ભારતના રાજવી પરિવારો અને ધનિકોમાં પુષ્કળ માગ હતી અને તેના ઊંચા ભાવ પણ મળતા.

આ વેપારમાં તેમને એટલો બધો નફો થયો હતો અને તેમનો વ્યાપ એટલો વધી ગયો હતો કે તેઓ ‘હાથીદાંતના રાજા’ તરીકે ઓળખાતા.

ઈ.સ. 1897માં વેપારના ગુણ શીખવનાર સેવા હાજી પારુના મૃત્યુ પછી તેમના વેપારને તેમણે હસ્તગત કર્યો હતો.

આજના સમયના પશ્ચિમી કે ભારતીય ધોરણ મુજબ આ પ્રકારનો શિકારને સગવડ આપવી અને હાથીદાંત જેવી આડપેદાશના વેપાર વિશે જાણીને નાકનું ટેરવું ચડી જાય, પરંતુ એ સમયે યુરોપિયનો અને અમેરિકનો જ આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તેને સાહસિક બાબત ગણવામાં આવતી.

પૂર્વ આફ્રિકામાં અલીદીના વિસરામના કદથી અંગ્રેજો પણ વાકેફ હતા અને તેમના વિશે ચર્ચા કરતા. મૂળનિવાસીઓ દ્વારા જેટલા પ્રમાણમાં તલ અને શેરડી ઉગાડવામાં આવે, તેની ખરીદી કરી લેવાની તૈયારી દાખવી છે.

અલીદીના વિસરામે તેમની દુકાનો સરકારી કચેરીઓની પાસે નાખી હતી.

ત્યાંથી યુરોપિયન કર્મચારીઓને ફર્નિચર, ખુરશી, ટેબલ, જંગલ સફારી પર જવા માટેના કપડાં અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહેતી.

આ કર્મચારીઓને ઘણી વખત ત્રણ-ત્રણ મહિને પગાર મળતો, પરંતુ અલીદીનાની પેઢીઓ તેમને ઉધારી ઉપર માલ આપતી.

સરકારી કચેરીની નજીક હોવાથી આવનાર અધિકારી-કર્મચારીને સ્થાનિક ઉત્પાદન, પરિવહન, સંચાર વગેરે બાબતોમાં મદદ મળી રહેતી, જે સરકાર માટે લાભકારક હતું.

એક ઇજારાની સ્થિતિ હોવા છતાં તેઓ ક્યારેય ઊંચાભાવે ચીજો ન વેચતા.

1901માં રેલવે નખાવાની શરૂઆત થઈ ત્યારે અલીદીના વિસરામે પોતાની આર્થિકપ્રવૃત્તિઓના કેન્દ્રને બાગામોયાથી મોમ્બાસા ખસેડી. જેમ-જેમ લાઇન વિસ્તરતી ગઈ, તેમ-તેમ તેને સમાંતર દુકાનો નાખી.
યુરોપિયનોમાં તેઓ ‘દુકાવાલા’ (દુકાનના સંદર્ભમાં) તરીકે ઓળખાતા. તેમના પગાર અને ખોરાકનું કામ પણ અલીદીનાની પેઢીને મળેલા હતા.

તેમના બિઝનેસ મૉડલ અંગે સર ચાર્લ્સ ઇલિયટે ઈ.સ. 1902માં લખ્યું, ‘મોટાભાગના નાના વેપારીઓને અલીદીના વિસરામ નામના વેપારી માલ પૂરો પાડે છે. જેઓ તેમને દરમહિને હપ્તે-હપ્તે ચૂકવણું કરે છે અને તેમના નામ હેઠળ વેપાર કરે છે. સ્ટોરોનું સંચાલન તેમના ભારતીય સહાયકો કરે છે.
મોટાભાગના તેમના ઇસ્માઇલિયા સમુદાયના છે. તેમને પૂર્વ આફ્રિકાના અંતરિયાળવિસ્તોરમાં દુકાનો શરૂ કરનાર ગણી શકાય. આજના સમયની ફ્રૅન્ચાઇઝી સિસ્ટમની નજીક ગણી શકાય.

તેમની દુકાનોમાં ‘શોપ-હાઉસ’ પ્રકારની વ્યવસ્થા હતી, જેમાં રહેઠાણ અને દુકાન એકસાથે હતા.
1904માં તેમણે ખેતીકામ શરૂ કર્યું હતું અને ટૂંક સમયમાં કઠોળ, ફળ-ફૂલ, કપાસ, રબર અને શેરડીનું વાવેતર કરતાં સાત મોટા ખેતર તેમની માલિકીનાં હતા.

તેમાં ત્રણ હજાર કરતાં વધુ કર્મચારીઓ કામ કરતા.

અલીદીના વિશ્રામે જમાતખાના, મસ્જિદો અને ચર્ચ ઉપરાંત લાઇબ્રેરીના બાંધકામ માટે દાન આપ્યા હતા. આ સિવાય તેમના મૃત્યુ પછી દીકરાએ પિતાના નામથી સ્કૂલ પણ બંધાવી હતી. યુગાન્ડામાં તેમના નામથી રસ્તો પણ હતો, પરંતુ ઇદી અમીનના શાસનકાળ દરમિયાન તેનું નામ બદલી નાખવામાં આવ્યું હતું.

ડૉ. વલી જમાલ નોંધે છે કે તેઓ યુગાન્ડાના ‘તાજવગરના સુલતાન’ તરીકે ઓળખાતા. કેન્યા અને યુગાન્ડામાં સ્થાયી થયેલા 90 ટકા ઇસ્માઇલીઓની સમૃદ્ધિ તેમને જ આભારી છે. સમુદાયની સેવા માટે આગાખાન તૃતીયે તેમને ‘વારસ’નો ખિતાબ એનાયત કર્યો હતો.

અલીદીના વિસરામ વરસમાં એક વખત ઠેર-ઠેર ફેલાયેલી તેમની પેઢીઓની મુલાકાત લેતા. આવી જ એક મુલાકાત દરમિયાન વર્ષ ઈ.સ. 1916માં તેઓ કોંગો ગયા હતા.એ સમયે પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને પૂર્વ આફ્રિકા તેનું કેન્દ્ર પણ હતું.

આ યાત્રા દરમિયાન તેમને તાવ આવ્યો અને તેમનું મૃત્યુ થયું. કહેવાય છે કે આ મુલાકાત દરમિયાન તેમના કેટલાક દલાલોએ ચૂકવણું કરવામાં હાથ ઊંચા કરી દીધા હતા, જેના કારણે તેમને આઘાત લાગ્યો હતો.

અલીદીના વિસરામની દફનવિધિ સમયે યુગાન્ડાના રાજા અને ગવર્નર હાજર રહ્યા હતા. વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. તેમના મૃત્યુ પછી તેમના દીકરાએ તેમના નામથી સ્કૂલ બંધાવી હતી. તેઓ આજે પણ ત્યાં વસતા ઇસ્માઇલી ખોજા, ગુજરાતીઓ અને ભારતીયો માટે પ્રેરણાસ્રોત છે.

અલીદીના વિસરામના મૃત્યુ પછી પૂર્વ આફ્રિકાના પરિદૃશ્ય પર નાનજી કાલીદાસ મહેતા, મનુ માધવાણી અને સુલેમાન વીરજી સહિતના વેપારીઓનો ઉદય થયો. ભારતની સ્વતંત્રતા પછી પણ પણ અનેક મોટા વેપારીઓ પૂર્વ આફ્રિકામાં જ સ્થાયી થયા અને પ્રગતિ સાધી.

યુગાન્ડા ગુજરાતીઓનું મોટું કેન્દ્ર હતું.

સ્થાનિકો સાથે ન ભળવાને કારણે એમની શોષણકર્તાની છાપ વધુ ઘેરી બની હતી. તેમના વેપાર-ઇતિહાસ અને ઓળખને નાસ કરવાનો પ્રયાસ થયો.

તાજેતરના વર્ષોમાં યુગાન્ડામાં ગુજરાતીઓ અને ભારતીયોની સ્થિતિ સુધરી છે, પરંતુ તેમનો દબદબો અગાઉ જેવો નથી રહ્યો.

અનેક દેશોના ઇતિહાસમાં જોવા મળ્યું છે કે જ્યારે ત્યાં અસામાન્ય આર્થિકવિકાસ થઈ રહ્યો હોય ત્યારે અને અનેક સાહસિકોના ચહેરાં તેના પટલ ઉપર ઊભરી આવે. આર્કરાઇટ, કાર્નેગી, ફોર્ડની ઉદ્યોગસાહસિકતાનો ઇતિહાસ તેમાં મહત્ત્વપૂર્ણ છે.