અમદાવાદમાં 18 હજાર પશુ અને 2 હજાર માનવ કુટુંબોને ખાવાનું અપાયું

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર ફૂડપેકેટ્સ અને અનાજ-કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૦૦ કુટુંબોને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે ૬ હજાર કિલોગ્રામ શાકભાજી જરૂરિયાતમંદ કુટુંબોને આપવામાં આવી છે. અસારવા, સાબરમતી અને મણિનગર વિસ્તારના વિવિધ કુટુંબોને આ શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત આજરોજ ૫૯,૯૯૦ રેડી-ટુ-ઈટ ફૂડ પેકેટ્સ અને ૧૨૦૦ અનાજ-કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ અત્યાર સુધીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૩,૧૮,૮૯૦ રેડી-ટુ-ઈટ ફૂડ પેકેટ્સ અને ૧૨,૮૭૫ અનાજ-કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
જિલ્લામાં ઘાસચારાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાની કુલ ૪૮ પાંજરાપોળ-ગૌશાળામાં કુલ ૧૮૦૧૧ નાના-મોટા પશુઓ માટે ૮૮૩૬૯૭ કિ.ગ્રા. સુકો અને ૮૯૭૨૦ કિ.ગ્રા. લીલો ઘાસચારો ઉપલબ્ધ છે.

અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી કે.કે. નિરાલાએ જણાવ્યું ૧ એપ્રિલથી અનાજની જરૂરિયાતને પહોંચી વળવા રાશનકાર્ડ ધારકોને ૮ કિલો રાશન આપવામાં આવે છે. જેમાં ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૧ કિલો મીઠું અને ૧ કિલો દાળ આપવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં શહેરની ૭૫૫ અને ગ્રામ્ય વિસ્તારની ૪૬૭ રાશન શોપ પર અનાજ વિતરણ કરવામાં આવે છે.

ગ્રામ્ય વિસ્તારમાં ૪૦ આશ્રયકેન્દ્રો- શેલ્ટરહોમ કાર્યરત કરાયા છે જેમા ૨૯૪ લોકોએ આશ્રય મેળવ્યો છે. લોકડાઉન ઉલ્લંઘનના ૯૫૧ કિસ્સા સામે આવ્યા છે, ૮૫૨ વાહન ડિટેઇન કર્યા છે, ૫૬૦ લોકોની અટકાયત કરાઇ છે તથા ૩૮૭ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

કંટ્રોલરૂમમાં ૧૩૪૬ લોકોએ ફોન કરી સમસ્યાનું સમાધાન મેળવ્યું છે. બહુધા રાશન,  વાહન વ્યવહાર, દૂધ, કરીયાણુ, દવા, તબીબી જરૂરિયાત, પાણી અને સફાઈને લગતી સમસ્યાઓ માટે નાગરિકોના ફોન આવી રહ્યા છે. શહેરી વિસ્તારમાંથી આવતા ફોન મહાનગરપાલિકાને ડાયવર્ટ કરવામાં આવે છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા સ્તરે ૨૭૫૫ આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે.  ૫૩૧ પ્રવાસીઓ દેખરેખ હેઠળ છે.  જાહેરમાં થૂંકવાના કિસ્સામાં ૨૫૭ લોકો પાસેથી રૂ. ૫૯,૪૭૦ નો દંડ લેવામાં આવ્યો છે.