મનમાની – અમપામાં નવા અધિકારી હવે બોસ બની જશે

Arbitrariness-New officer will now become boss in AMC मनमानी- अहमदाबाद में नया अफसर अब बनेगा बॉस
અમદાવાદ, 28 જૂન 2024
અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)માં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે.
2008-09 માં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરેલા આરજવ શાહ અને અન્ય બે અધિકારીઓએ પણ નિયમ વિરુદ્ધ જઈ તેમના પે ગ્રેડ માં બારોબાર વધારો કર્યો હતો. તે મામલે કોઈ ઉહાપોહ થયો ન હતો. આ વખતે પણ આસિસ્ટન્ટ કમિશનરોના પે ગ્રેડ વધારો કરવામાં ડેપ્યુટી કમિશનર આરજવ શાહ અને મિહિર પટેલની ભૂમિકા મહત્વની  છે.

પાલિકાના ભાજપના સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ પોતાના માનીતા અધિકારીઓને રાતોરાત કાર્ય પ્રભારીત વરિષ્ઠ અધિકારી બનાવી દેવામાં આવે છે. કેટલાક અધિકારીઓને પે ગ્રેડ વધારો કરી સીધે સીધી સિનિયોરિટી આપવામાં આવે છે.

પાંચ આસિસ્ટન્ટ પાલિકા કમિશનર અને એચઓડી કક્ષાના પાંચ અધિકારીઓના પે ગ્રેડ વધારો કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. પાલિકા સત્તાધીશો આ દરખાસ્તને મંજૂરી આપશે તો એડિશનલ સિટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓ રાતોરાત જુનિયર થઈ જશે. જ્યારે તેના બાદ ભરતી થયેલા અધિકારીઓ સિનિયર બની જશે.

અમદાવાદ મહાનગર પાલિકામાં 2008માં ભરતી કરવામાં આવેલ આસિસ્ટન્ટ પાલિકા કમિશનરોનો પે ગ્રેડ હાલ 7600 છે 14 વર્ષની નોકરી બાદ તેમનો પે ગ્રેડ 8700 થઈ શકે છે પરંતુ બે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓએ એક વિવાદાસ્પદ દરખાસ્ત તૈયાર કરી છે. જે મુજબ આ અધિકારીઓના પે ગ્રેડ 8700 ને બદલે 8900 કરવામાં આવ્યો છે.

જેના કારણે તેમના પે ગ્રેડ એડિશનલ સિટી ઇજનેર કરતાં પણ વધી જશે અને પે ગ્રેડની સરખામણી એ તેઓ તેમના સિનિયર પણ બની જશે. પાંચ આસિસ્ટન્ટ કમિશનરોની સાથે સાથે પાંચ એચઓડી કક્ષાના અધિકારીઓના પણ પે ગ્રેડમાં વધારો કરવામાં આવશે.

2018માં જે આસિસ્ટન્ટ કમિશનરોની ભરતી કરવામાં આવી છે તેમની જોબના લગભગ સાત વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. આગામી 7 વર્ષ બાદ તેમના પે ગ્રેડ પણ 8900 થઈ જશે. મતલબ કે ભરતી સમયે જે લોકોની ઉંમર 25 કે 30 વર્ષની હશે તેઓ 40 થી 45 વર્ષની ઉંમરમાં જ એડિશનલ સિટી ઇજનેરના સિનિયર અધિકારી બની જશે.

મોટાભાગના અધિકારીઓને નિવૃતિની આસપાસના સમયે જ એડિશનલ ઇજનેર તરીકે બઢતી મળે છે. તેમની સામે જ ભરતી થયેલા જુનિયર અધિકારીઓના આજ નીચે કામ કરવા પડે છે જેના કારણે તેમના મનોબળ પણ તૂટી જાય છે.

અમદાવાદ મહાનગર પાલિકામાં આવી ખોટી પરંપરા ઘણા સમયથી ચાલતી આવે છે થોડા સમય પહેલા જ સીટી ઇજનેર (વોટર રિસોર્સ મેનેજમેન્ટ)ની જગ્યા પર અત્યંત જુનિયર કહી શકાય તેવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જેના કારણે સિનિયર અધિકારીઓમાં નારાજગી જોવા મળે છે.