દક્ષિણ ગુજરાતના ભરૂચમા રૂ. ૩૮૫ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે “કોરોના કાળ”મા પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે. ભરૂચ જિલ્લાની આ યોજનાઓ પૂર્ણ થતા ૧૯૮ ગામો, ૪ શહેરોને શુદ્ધ જળ મળતુ થશે.
તેમણે કહ્યું કે, સરકારનું બજેટ માર્ચ મહિનામા પસાર થયુ ને તુંરત જ કોરોના સંક્રમણ વિશ્વમા વ્યાપી ગયું, આમ છતા “જાન હે, જહાન ભી હે” ના પ્રધાનમંત્રીશ્રીના ધ્યેયને વાચા આપી રાજ્ય સરકારે આર્થિક ગતિવિધિઓ, વિકાસના કામો સમયબદ્ધ ઉપાડ્યા છે. અત્યાર સુધીમાં ૨૦ હજાર કરોડના વિકાસકામોની ભેટ કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકોને આપી છે એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓના વિકાસકામો પણ એ જ ત્વરાએ વેગવાન કર્યા છે તેમ ઉમેર્યું હતું.
આ અંગે તેમણે કહ્યું કે, પાણીને વિકાસનો આધાર બનાવીને ઘરે ઘરે, ગામે ગામ પાણી પુરતું મળે તે માટે છેલ્લા પાંચ દિવસોમાં જ ૨૫૦૦ કરોડના પાણી પુરવઠાના વિવિધ કામો રાજ્યભરમાં શરુ થયા છે.
ગુજરાતમાં પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાનો નિર્ધાર પુનઃ વ્યક્ત કરતા ઉમેર્યું કે, પાણીના નવા સ્ત્રોત, સુજલામ સુફલામ યોજના, નર્મદા-ઉકાઈ-કડાણા જળાશયો આધારિત યોજનાઓથી છેક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યા છે.
વાલિયા ખાતેથી અંદાજીત રૂ. ૩૮૫ કરોડના ખર્ચે આકાર પામનારી વધુ ચાર પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરી આ યોજનાઓ પૂર્ણ થતા, ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટીના વાલિયા, ઝગડિયા, અને નેત્રંગ તાલુકાઓ આગામી દિવસોમાં નંદનવન બનશે તેમ જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ “જ્યાં માનવી ત્યાં સુવિધા”ના ધ્યેય સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી આદિવાસી પ્રદેશના સર્વતોમુખી વિકાસની નેમ વ્યક્ત કરી હતી.
ખાતમુહુર્ત કરાતા કાર્યક્રમોના લોકાર્પણની નવી કાર્યપદ્ધતિ અમલી બનાવીને આ સરકારે વિકાસની ઠોસ પદ્ધતિ નક્કી કરીને સુવ્યવસ્થિત, સમયબદ્ધ કાર્ય આયોજનની કાર્યશૈલી વિકસાવી છે તેમ જણાવ્યું હતું.
ભૂતકાળની સરકારોની કાર્યશૈલીનો ચિતાર આપતા મુખ્યમંત્રીશ્રીએ પાણી વિના વિકાસ શક્ય નથી તેમ જણાવી પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવાની સરકારની નેમ વ્યક્ત કરી હતી. “નેવાના પાણીને મોભે ચઢાવી”ને ગુજરાતે પાણીથી તરસતા ગુજરાતના વિકાસની આડે રહેલા તત્વોને પ્રજાએ જાકારો આપ્યો છે તેમ જણાવ્યુ હતું.
ભરૂચ જિલ્લાના કુલ ૩.૬૧ લાખ ગ્રામીણ ઘરો પૈકી ૩.૨૫ લાખ ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામા આવી છે. જિલ્લાના પ્રજાજનોને પીવા માટેના પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે, વિશાળ માળખાકીય સુવિધાઓનુ નિર્માણ કરવામા આવ્યુ છે. જેમા ૧૧ જેટલી જૂથ યોજનાઓ અંતર્ગત ૩૫૭ કિલોમીટર લાંબી બલ્ક પાઈપ લાઈન, ૬૯૨ કોલોમીટર લાંબી વિતરણ પાઈપ લાઈન, ૧૭૪ એમ.એલ.ડી. ક્ષમતાના કુલ ૧૧ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, ૩૭.૫૧ એમ.એલ.ડી. ક્ષમતાના કુલ ૧૮ ભૂગર્ભ ટાંકાઓ, અને ૭.૮૪ એમ.એલ.ડી. ક્ષમતાની કુલ ૧૮ ઊંચી ટાંકીઓનો સમાવેશ થાય છે.
આ ઉપલબ્ધ સુવિધાઓ ઉપરાંત ભરૂચ જિલ્લાને ભવિષ્યમા પણ અવિરત પાણી પુરવઠો મળતો રહે તે માટે આજે અંદાજીત રૂ.૩૮૫ કરોડની પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરવામા આવ્યુ છે. આ યોજનાઓ પૂર્ણ થતા જિલ્લાના વધુ ૧૬૨ ગામોની ૩.૪૫ લાખની વસ્તીને સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર થયેલુ પાણી પૂરુ પડી શકાશે.
પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહુર્ત ઉપરાંત આજે મુખ્યમંત્રીના હસ્તે ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા નાઈટ શેલ્ટર હોમનું પણ વાલિયા ખાતેથી ઈ લોકાર્પણ કરાયુ હતુ.
આગ જેવી આપાતકાલીન સ્થિતિમાં નવું ફાયરસ્ટેશન બનશે આધારરૂપ
ભરૂચ નગરપાલિકા હેઠળ ૧૯.૧૮ યોરસ કિમી વિસ્તારમાં અંદાજિત ૨.૦૦ લાખ જેટલી વસ્તી છે. શહેર વિસ્તારમાં તથા જિલ્લામાં બનતા આગના બનાવોને પહોંચી વળવા માટે નગરપાલિકા દ્વારા હાલ એક ફાયર સ્ટેશન કાર્યરત છે. શહેરના પૂર્વ વિસ્તાર મકતમપુર, બોરભાઠા બેટ અને ઝાડેશ્વર ગામ પૈકીના ભાગનો નગરપાલિકામાં હદમાં સમાવેશ થતાં બીજા ફાયર સ્ટેશનની જરૂરિયાત ઉભી થતા નગરપાલિકા દ્વારા રૂ.૮૮.૯૦ લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (આઉટ ગ્રોથ) આ ફાયરસ્ટેશન બનાવાયું છે.
ઘરવિહોણા લોકો માટે ઘર જેવું આશ્રયસ્થાન એટલે અર્બન હોમલેસ શેલ્ટર
ભરૂચ નગરપાલિકાએ ઘરવિહોણા લોકો આશ્રય મેળવી શકે, ઠંડી, વરસાદ અને તડકાથી રક્ષણ મેળવી શકે એ માટે નેશનલ અર્બન લાઈવલીહૂડ મિશન (NULM) અંતર્ગત પોતાના ઘર જેવું આશ્રયસ્થાન ‘અર્બન હોમલેસ શેલ્ટર (નાઈટ શેલ્ટર) નું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ.૧.૫૫ કરોડના ખર્ચે નિર્મિત અર્બન શેલ્ટરમાં ૨૧૪ જેટલા ઘર વિહોણાલોકોને આશ્રય આપવામાં આવશે. જેની દેખરેખ તથા સંચાલન ભરૂચની અગ્રણી સામાજિક સંસ્થા સેવાયજ્ઞ સમિતિને જવાબદારી સોંપવામાં આવી છે.