ડાયાબિટીશ અને હ્રદય રોગને કાબુમા રાખતી મીઠી બાજરી ખેડૂતો માટે કડવી બની ગઈ

ગાંધીનગર, 15 જૂન 2021

ખેડૂતોની કઠણાઈ એ છે કે જ્યાં બાજરી સૌથી વધું પાકે છે ત્યાં જ તાઉતે વાવાઝોડું આવ્યું અને સાથે વરસાદ લેતું આવ્યું હતું. તેથી આ બાજરી હવે બજારમાં આવી છે અને તેના પર વરસાદ પડતાં તે કાળી પડી ગઈ છે. કોઈ સરાભાવે લેવાલ નથી. પશુ ચારા તરીકે તેની ખપત છે. તેથી સરકારના ટેકાના ભાવ કરતાં પણ નીચા ભાવે તે ખેડૂતોએ વેચવી પડી રહી છે.

સરકારની બચત

હ્રદયરોગ અને ડાયાબિટીશ પાછળ રૂ.26 હજાર કરોડ દર વર્ષે ગુજરાતના લોકોને ખર્ચવા પડે છે. ગુજરાત સરકારે તેના માટે જંગી ખર્ચ કરવા પડે છે. પણ બાજરી એક એવું અનાજ છે કે જે આ બન્ને રોગને અંકૂશમાં રાખવા મદદ કરે છે. જે ઘઉંના પાકથી વિપરીત છે. ગુજરાત સરકારે બાજરાને માટે તો પ્રોત્સાહન આપીને પોતાનું રૂપિયા 10 હજાર કરોડનું આરોગ્ય ખર્ચ ઘટાડી શકે તેમ છે.

સરકારે કૃષિ નુકસાનમાં ન ગણી

કુદરતે ફટકો માર્યા બાદ સરકારે બે ફટકા માર્યા છે. એક તો ખેતી પાકના નુકસાની સરવે કરાયો તેમાં બાજરીનો પાક ગણ્યો નથી. તેથી ખેડૂતોને તેનું વાળતર આપવામાં આવ્યું નથી. બીજું એ કે બાજરીની ટેકાના ભાવે ખરીદી ન કરી. વેપારીઓ ટેકાના ભાવથી પણ નીચા ભાવે ખરીદી કરી રહ્યાં છે છતાં તેની સામે સરકારે આજ સુધી કોઈ પગલાં લીધા નથી.

વાવાઝોડું વેરી બન્યું

વાવાઝોડા ઉપરાંત 3 જૂન 2021માં બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તેથી દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર, ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા વિસ્તારોમાં ભારે વરસાદ થતાં બાજરીના પાકને ભારે નુકસાન થયું છે. એક તો ઉત્પાદન ઘટી ગયું છે ત્યાં બીજું વેપારીઓ ઓછા ભાવે માલ પડાવી રહ્યાં છે.

તાઉ તે વાવાઝોડુ 19 મે 2021ના રોજ સવારે બનાસકાંઠાના ભાભોર દિઓદર થઈને રાજસ્થાન તરફ ગયું હતું. પાટણ અને બનાસકાંઠા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તેથી બનાસકાંઠા કલેક્ટરે લોકોને ઘરની બહાર ન નિકળવા માટે આદેશ કર્યો હતો.

જ્યા વાવાઝોડું ગયું ત્યાં બાજરી વધું હતી

વળી વાવાઝોડાના કારણે વરસાદ પડેલો હતો એવા બાજરી પકવતાં વિસ્તારો  ઉનાળુ બાજરી 2.71 લાખ હેક્ટર ખેતરમાં ખેડૂતોએ વાવેતર કર્યા હતા. જેમાં આખા ગુજરાતની કુલ બાજરીના 50 ટકાથી વધું વાવેતર તો બનાસકાંઠામાં 1.66 લાખ હેક્ટર થયું હતું. પાટણમાં 4 હજાર, મહેસાણા 10 હજાર વાવેતર હતા. ઉત્તર ગુજરાતમાં કુલ 1.93 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા.

આણંદ 28 હજાર હેક્ટર, ખેડા 20 હજાર હેક્ટર, જુનાગઢ 2800, અમરેલી 2100, ભાવનગર 3800, સોમનાથ 5400 હેક્ટરમાં વાવેતર થયા હતા. દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને પરવ હતા પણ ત્યાં બાજરીનું બીલકુલ વાવેતર ખેડૂતોએ કર્યું ન હતું.

ઉનાળામાં બે ગણું ઉત્પાદન

એક હેક્ટરે સરેરાશ 3 હજાર કિલો ઉનાળુ બાજરી પાકે છે. ચોમાસામાં ઉત્પાદન ઉનાળા કરતાં અડધું 1400 કિલો હેક્ટરે માંડ આવે છે. તેથી ખેડૂતો ઉનાળું બાજરી વાવે છે.

81.30 કરોડ કિલો બાજરી પાકવાની ઘારણાં હતી. પણ વાવાઝોડાના માર્ગમાં બાજરી પાક આવી ગયો હતો. તેથી ઉત્પાદનમાં 61 ટકા માર પડ્યો હતો. તેથી 49-50 કરોડ કિલો માંડ ઉત્પાદન થાય તેમ હતું. ભાવ તૂટી જવાના કારણે અને વરસાદથી બાજરી કાળી પડી જવાના કારણે જે માલ મળેલો તેમાં નુકસાન થયું છે.

ભાવમાં લૂંટ

20 કિલોના રૂ.250 માંડ આવે છે. ખરેખર બાજરીનો 20 કિલોના ભાવ રૂ.400થી 500 મળે તો જ ખેડૂતો તેની મહેનત બાદ થોડો નફો કમાઈ શકે છે. 1500-1600 કરોડ મળવા જોઈતા હતા તે માત્ર રૂપિયા 625 કરોડ માંડ મળ્યા છે. સરકારે ખરેખર તો રૂપિયા 500 કરોડ જેવી ચૂકવાણી કરવી પડે એમ હતી. કુદતરી આફતનું વળતર સરકારે આપ્યું નથી. એવી રજૂઆત ખેડૂતોએ કરી છે.

હ્રદયરોગ-મીઠી પેશાબ 

ગુજરાતમાં હ્રદયરોગ એકદમ વધી રહ્યો છે. 108ને 2010માં 18,647 અને 2021માં 28201 કોલ હ્રદયરોગના હુમલાના આવ્યા હતા. 31-50 વર્ષ રેડ એલર્ટ ઉંમર છે. રૂપિયા 22 હજાર કરોડ હ્રદયરોગ પાછળ ખર્ચાય છે.

બાજરી કોલેસ્ટરોલના સ્તર, બ્લડસુગર અને બ્લડ પ્રેશરને નિયંત્રીત કરે છે. તેથી કારણે હાર્ટ રોગો થવાનું જોખમ ઓછું થાય છે. મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, સ્ટાર્ચ,  સારા છે. ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડના કારણે ઓછી ભુખ અને પાચનમાં જાળવવામાં મદદગાર છે.

ડાયાબિટીશ રોગમાં વર્ષે 4 હજાર કરોડનું ખર્ચ લોકો કરે છે. 40 વર્ષથી ઉપરના 36 ટકા લોકોને રાજરોગ હોય છે.

બાજરાનું 7.70 લાખ હેક્ટરમાં વાવેતર 2006-07માં થયું હતું જે 4.64 લાખ હેક્ટર 2016-17માં થયું અને હલ સરેરાશ 3.50 લાખ હેક્ટરમાં વાવેરત થાય છે. આમ બાજરો ખાવાનું ઘટી જતાં કેટલાંક રોગ વધી ગયા છે. બાજરો અ પરંપરાગત ગુજરાતનો ખોરાક છે. ઘઉં તો પછીથી આવેલા છે.

1995-96માં ચોમાસામાં 10 લાખ હેક્ટરમાં 7 લાખ ટન બાજરો પેદા થતો હતો. ઉનાળા સાથે તે 13 લાખ હેક્ટર હતો.  દરેક માણસ 20-25 કિલો બાજરો વર્ષે ખાતા હતા. હવે તે માત્ર 10 ટકા વપરાશ રહ્યો છે.