BJP MLA કેસરી સોલંકીએ ફરી ધમકી આપી, અગાઉ DySP સાથે બબાલ કરી હતી

વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણે ધારાસભ્ય કેસરી સોલંકીની દાદાગીરી અને ભાજપના સાંસદ દેવુ ચોહાણ સામે આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો હતો. જેના મુદ્દે માતરના કેસરી સોલંકી ધારાસભ્ય લવાલ ગામે એકાએક તોફાન સાથે ધસી ગયા હતા. સરપંચની ફેંટ પકડીને ઝપાઝપી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ ટેકો આપતાં હોવાના આરોપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે સરપંચ ગયા તો પોલીસે માત્ર અરજી લીધી છે, તેની FIR કરી ન હતી. સુપ્રિમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ નાગરિક ફરિયાદ નોંધાવવા આવે એટલે તેની એફઆઈઆર કરવી. પણ માતર પોલીસે ભાજપના ધારાસભ્ય અને સંસદ સભ્યના દબાણના કારણે ફરિયાદ પણ લેવામાં આવી ન હતી. સરદારના પુતળા માટે કાઢેલી એકતા યાત્રા વખતે ધારાસભ્યએ કરેલાં ગેરવર્તનથી ખેડા જિલ્લાની એકતા હતી તે પણ આ બનાવથી તૂટી છે. ધારાસભ્ય સામે ફરિયાદ નોંધવા માટે જિલ્લા પોલીસ વડાને આપવેદનપત્ર આપવામાં આવ્યું છે.

300નું ટોળું એકઠું થયું ને હુરીઓ બોલાવ્યો

ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જ્યારે ગામમાં દાદાગીરી કરી રહ્યાં હતા ત્યારે તે સમયે હાજર રહેલા 3૦૦ ઉપરાંત ગ્રામજનોના ટોળાંએ આ દૃશ્ય જોઈને ધારાસભ્ય ઉપર રોષ ઠાલવી દાદાગીરી સામે વિરોધ કર્યો હતો. સરપંચ સહિત ગ્રામજનોનું ટોળું માતર પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. જ્યાં ટોળાંએ ‘માતરના ધારાસભ્ય ગુંડો છે’ તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

BJP સાંસદ દેવું ચૌહાણ પણ ચિત્રમાં

માતરના ધારાસભ્ય અને સાંસદસભ્ય દેવુસિંહ ચૌહાણના કહેવાથી માછિયેલના સરપંચ સામે પોલીસતંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાથી તેને મદદ માટે સરપંચ ગયા હતા. ત્યારે તેને મારી નાંખવાની ધમકી ભાજપના ધારાસભ્યએ આપી હતી. જેનો વીડિયો વાયરલ કર્યો હતો.

MLAએ ફેંટ પકડી, ગુંડાગીરી કરી

આ વિડિયોથી ભડકી ઉઠેલાં કેસરી સોલંકી સરપંચ મહિપતસિંહ ચૌહાણને ફોન કર્યો હતો. ત્યારે સરપંચે કહ્યુ હતું કે, લવાલ ગામમાં મળીએ. જેથી ધારાસભ્ય સવારે ગામની પાદરે પહોંચ્યા હતા. જ્યાં સરપંચ તથા અન્ય ગ્રામજનો ઉભા હતા ત્યારે ધારાસભ્ય કેસરીસિંહ તથા તેમના પી.એ. આવીને સરપંચ મહિપતસિંહને કહ્યુ હતું કે, તે કેમ વીડિયો વાયરલ કર્યો છે. તેમ કહીને સરપંચની ફેંટ પકડીને ધોલ-ઝાપોટ કરીને ધારાસભ્યએ ઝપાઝપી કરી હતી. તેમજ અપશબ્દો પણ બોલ્યા હતા. ધારાસભ્ય ન શોભે તેવું વર્તન જોઈને ગ્રામજનો પણ ચોંકી ઉઠ્યા હતા. સરપંચને ટેકો આપશો તો તમને પણ મારી નાંખવાની MLAએ ગ્રામજનોને ધમકી આપી હતી.

MLA સામે સૂત્રોચ્ચાર

ધારાસભ્ય કેસરી સોલંકીની ગુંડાગીરી સામે હુરિયો પણ બોલાવ્યો હતો. માતરનો ધારાસભ્ય કેસરી સોલંકી ગુંડો છે તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસ હજુ તપાસ કરી રહી છે. પણ એક સરપંચની ફરિયાદ લેવામાં આવી ન હતી. પોલીસ ફરિયાદ કરવા અને પોલીસ પ્રોટેક્શન મેળવવા પોલીસ સ્ટેશને પહોંચેલા સરપંચ અને સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો.

આક્ષેપો ખોટા, મહિલાને લાફો મારવા કહ્યું

લવાલના સરપંચ મહિપતસિંહે માછિયેલ ગામમાં ભરવાડ અને સરપંચ વચ્ચે થયેલી બબાલમાં ધારાસભ્ય અને ખેડા સાંસદ દેવુસિંહને સાંકળીને વીડિયો વાયરલ કર્યો હોવાથી ધારાસભ્ય રોષે ભરાયા હતા. તેથી ધારાસભ્ય ગામમાં ગયા હતા અને સરપંચે કોઈક બહેનને બોલાવીને ધારાસભ્યને લાફો મારી દે તેવું કહ્યું હતું. સરપંચને લાફો મારવાનું કહેવાનું શોભે છે ? સરપંચ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. એવું ધારાસભ્ય કહે છે.

MLA દ્વારા મોબાઈલ ફોન આંચકી લેવાયો

ધારાસભ્ય કેસરી સોલંકી અને સરપંચ વચ્ચેની ઝપાઝપીના દૃશ્યો મોબાઇલ ફોનમાં વીડિયો ઉતારી રહેલા માણસનો મોબાઇલ પણ ધારાસભ્ય ખૂંચવી લે છે એવા દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટનાને પગલે લવાલ ગામના સરપંચ અને ગામના લોકો માતર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા ઉગ્ર માગણી તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની પાસે જીવતાં પૂરાવા હોવાનું પોલીસને જણાવ્યું હતું.

ક્ષત્રિય, ભવાડ અને ભાજપ સામ સામે

માતર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય સમાજના સરપંચો અને સત્તાધારી ભાજપના નેતાઓ વચ્ચે ગજગ્રાહ વધી રહ્યો છે. બને સરપંચો સાથે બનેલી ઘટનાઓ ગંભીર છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપ પક્ષના નેતાઓને નડતર રૂપ બને તેવું વાતાવરણ ઊભું થયું છે. માતર તાલુકાના માછીયેલ ગામના સરપંચને તાજેતરમાં ભરવાડ સમાજના લોકો સાથે ઝઘડો થયો હતો. જે બાદ માતર પોલીસ મથકે ફરિયાદ નોધાવવા આવતા ઇન્ચાર્જ પીએસઆઇએ તેમને લાફો માર્યો હોવાના આક્ષેપ પણ થયા હતા. સમગ્ર ઘટનામાં માછીયેલ સરપંચને ટેકો કરતા લવાલ ગામના સરપંચ મહિપત તેમની સાથે જોડાયા હતા. માછીયેલ ગામની બબાલ પાછળ ધારાસભ્ય અને સાસંદ જવાબદાર હોવાનો વીડીયો લવાલ સરપંચ દ્વારા વાયરલ કરાતા આ બબાલ વધી છે.

બબાલનું મૂળ કારણ સરદાર એકતા યાત્રા

સરદાર પટેલની 182 ફૂટની પ્રતિમા માટે ભાજપની એકતા યાત્રા નિકળી હતી. એકતાયાત્રા માછીયેલ ગામે પહોંચી હતી. ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સમક્ષ એકતાયાત્રા દરમ્યાન કાર્યક્રમમાં હાજર સામાન્ય નાગરિકો દ્વારા માછીયેલ ગામમાં ગટરમાંના પાણીના લીકેજ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સાંભળી ધારાસભ્યે સામે ઉભેલા સરપંચને તુકારે બોલાવીને કહ્યું હતું કે, ‘ તને ભાન નથી પડતું, તુ સરપંચ એસોશીએસનનો પ્રમુખ થઈ ઉપવાસ ઉપર બેસે છે, તો આટલું કામ નથી થતું, તારાથી ન થતું હોય તો મને આપી દે, અમે કરી લઈશું’ આ વાતથી દુઃખી થયેલા સરપંચે ધારાસભ્યને પણ તેમને વિધાનસભા ચૂંટણી અગાઉ ગ્રામજનોને આપેલા વચન યાદ અપાવ્યા હતા. આમ જાહેરમાં સરપંચ સાથે ધારાસભ્ય કેસરી સોલંકીએ મોટી સંખ્યામાં લોકો હાજર હોવા છતાં સરપંચ સાથે ગેરવર્તણુક કરવામાં આવી હતી, અને અસભ્ય વર્તન કરતાં બોલાચાલી થઈ હતી. સરપંચનું આ રીતે અપમાન થતાં લોકો ભડકી ઊઠ્યા હતા. માચ્છીયેલના સરપંચ સાથે એકતાયાત્રા દરમ્યાન ધારાસભ્ય દ્વારા ખોટુ વર્તન કરવામાં આવ્યું હતું. અન્ય સરપંચો સાથે આ પ્રકારનું વર્તન ન કરે અને તેમને કરેલા વર્તન અંગે માફી માંગે તે માટે સરપંચે રજૂઆત કરી હતી. ત્યાર બાદ માતર ગાંધી પ્રતિમાથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી.

મહિલા DySP સાથે માથાકુટ MLA અગાઉ કરી હતી

થોડા સમય પહેલા મહિલા ડીવાયએસપી સાથે માથાકુટ કરવાની બાબતને લઇ આ ધારાસભ્ય કેસરી સોલંકી વિવાદમાં આવ્યા હતા. ફરી એકવાર ધારાસભ્ય વિવાદમાં સપડાયા છે.

આમ કેસરી સોલંકી બબાલ કરવા માટે જાણીતા હોવાનું તે પરથી જોઈ શકાય તેમ છે.