ભાજપનું પક્ષાંતર – રાહુલ ગાંધીના નજીકના નેતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા

લખનઉ

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તે કોંગ્રેસ નેતૃત્વથી ખુશ નહોતા. જિતિનને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીમાં આમંત્રિત કર્યા. પાર્ટીમાં જોડાતા પહેલા જિતિન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીંથી તેઓ બીજેપીની ઓફિસ પહોંચ્યા અને પાર્ટીમાં જોડાઈ ગયા.
જિતિન પ્રસાદનું નામ તે યુવા નેતાઓમાં લેવામાં આવે છે જેમને રાહુલ ગાંધીના અત્યંત નજીકના માનવામાં આવે છે. કોંગ્રેસ માટે આ એક મોટો ઝાટકો છે કારણકે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાસે ગણતરીના જ ચહેરા બાકી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત કામ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા જિતિને કોંગ્રેસ છોડીને રાહુલ અને પ્રિયંકા ગાંધીની ચિંતામાં વધારો કર્યો છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ તે 23 નેતાઓમાંથી એક છે, જેમણે કોંગ્રેસના નેતૃત્વમાં બદલાવ અને તેને વધારે સજીવ બનાવવા માટે પત્ર લખ્યો હતો. ઉત્તર પ્રદેશમાં આ બાબતે અમુક નેતાઓએ વિરોધ પણ કર્યો હતો.

જિતિન પ્રસાદ બે વાર સાંસદ રહ્યા અને કોંગ્રેસની કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી રહ્યા. 2004માં શાહજહાંપુર લોકસભા સીટથી પહેલીવાર સાંસદ બન્યા. 2008માં કેન્દ્રીય ઈસ્પાત રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. યુપીએ 2માં રોડ, પરિવહન, પેટ્રોલિયમ અને માનવ સંસાધન વિભાગમાં રાજ્યમંત્રી બન્યા. 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ધૌરહરાથી ઈલેક્શન હાર્યા. જિતિન પ્રસાદના પિતા જિતેન્દ્ર પ્રસાદ પણ શાહજહાંપુરમાં ચાર વાર સાંસદ રહ્યા. રાજીવ ગાંધી અને પીવી નરસિમ્હા રાવના રાજનીતિક સલાહકાર પણ રહ્યા. જિતેન્દ્ર યુપી કોંગ્રેસના અધ્યક્ષ અને રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ પણ રહ્યા. જિતેન્દ્ર પ્રસાદે 2000માં સોનિયા ગાંઘી વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી હતી.