BSNL કર્મચારી સંઘે કંપનીના અધ્યક્ષને મોકલેલા એક પત્રમાં કહ્યું છે કે કંપનીની નાણાકીય હાલતની પાછળ VRS જવાબદાર છે. જ્યારથી આ યોજના પર અમલ થયો છે ત્યારથી કંપનીની નાણાકીય હાલત ખરાબ થઇ ગઇ છે. એટલું જ નહિ હવે કર્મચારીઓની અછતને કારણે અનેક સ્થળે યોગ્ય કામ પણ થયું નથી. તેથી લાઇનમાં ફોલ્ટ અને નેટવર્ક ફોલ્ટ વધી ગયા છે. યુનિયને એવું પણ કહ્યું છે કે છેલ્લા 14 મહિનાથી મજૂરીનું ચુકવણુ નહિ થવાથી 13 કોન્ટ્રાકટ વર્કરોએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. આમ છતાં નિયત તારીખે મજૂરોને પગાર ચુકવાતો નથી.
તાજેતરમાં કંપનીથી એક આદેશ જારી થયો છે જેમાં ચીફ જનરલ મેનેજરોને ખર્ચ ઘટાડવા અને કોન્ટ્રાકટ વર્કરો પાસેથી કામ લેવાની પ્રથા બંધ કરવા જણાવાયું છે. કંપનીના અધ્યક્ષની ઇચ્છા છે કે દરેક સર્કલમાં આવા કામદારોને હટાવા માટે એક સ્પષ્ટ રોડ મેપ બનાવામાં આવે. BSNL કર્મચારી યુનિયનના મહામંત્રીના જણાવ્યા મુજબ છટણીમાં લગભગ 30 હજાર કોન્ટ્રાકટ મજૂરોને ઘરભેગા કરી દેવાયા છે. હવે આ નવા આદેશથી કોન્ટ્રેકટ કામદારોને ઘરે જવા મજબૂર થવું પડશે.