ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને વિવાદ એકબીજાની પૂરક હોય તેમ લાગી રહ્યું છે. આ પહેલાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેટલા વિવાદ નથી રહ્યાં એટલા સી. આર પાટીલના વિવાદ રહ્યા છે. હવે મંડપ એસોસિએશનની નારાજગી સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે અનલોક-4માં પણ ડેકોરેશનને છૂટછાટ આપવામાં આવી નથી. તેથી ગુજરાતમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. તે વાતને લઇને મંડપ એસોશીએશન દ્વારા પાટીલના પ્રોગ્રામનો બહિષ્કાર કરાયો છે. આ નિર્ણયને લીધે ભાજપમાં સોંપો પડી ગયો છે.
આવનારા દિવસોમાં ભાજપના કાર્યક્રમની સજાવટને લઇને ચિંતા વ્યક્ત કરી છે. આ કાર્યક્રમને આડે હવે બે દિવસ જ રહ્યાં છે તેથી ભાજપના સંગઠનનાં આ અંગે ચર્ચાનો દોર શરુ થઇ ગયો છે. એસોસિએશનમા હોદ્દેદારોને આ બાબતે મનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. એસોસિએશન દ્વારા ફક્ત ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસના કાર્યક્રમમાં પણ મંડપ બાંધવાનો ઇન્કાર કરી દીધો છે.
મંડપ એસોસિયેશનના હોદ્દેદારો પોતાના નિર્ણય પર હાલ તો અડગ રહ્યા છે. પરંતુ હવે આવનારા સમયમાં મંડપ એસોસિએશન રાજકીય કાર્યક્રમમાં મંડપ નહીં બાંધે કે પછી રાજકીય સત્તાધીશો સામે શરતો મૂકીને મંડપ બાંધવાના પોતાના નિર્ણય સાથે બાંધછોડ કરશે તે જોવું રહ્યું. સૌરાષ્ટ્રની જેમ ઉત્તર ગુજરાતમાં પણ સી આર પાટીલના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા. જેના પરિણામે સોશિયલ ડિસ્ટંન્સિંગ જળવાયું નહોતું.