વડી અદાલતમાં ખટલો લડવા ગુજરાતીમાં દલીદ કરી નહીં શકાય

हाई कोर्ट में केस लड़ने के लिए गुजराती में दलील नहीं दे सकते Cannot Argue Case in Gujarati in High Court

24/01/2026

અમદાવાદ, એક અરજદારને તેના ખટલાની દલીલ ગુજરાતી ભાષામાં કરવાની રજૂઆતને વડીઅદાલત ફગાવી કાઢી છે. વડીઅદાલત ઠરાવ્યું છે કે મનીષ કનૈયાલાલ ગુપ્તા અને અન્ય વિરુદ્ધ સુઓમોટો ખટલામાં ડિવિઝન બેન્ચે ઠરાવ્યું છે કે વડીઅદાલતની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. તેથી ખટલોની રજૂઆત અંગ્રેજીમાં હોવી જોઈએ.

તે અંગ્રેજી ભાષા સિવાય અન્ય કોઈ ભાષામાં હોઈ શકે નહીં. આ ખટલામાં અરજદારે એક પ્રમાણપત્રને પડકાર્યું હતું, જેમાં વડીઅદાલતની સમિતિએ અદાલત સમક્ષ પક્ષકાર તરીકે તેના ખટલાની દલીલ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યાે હતો, કારણ કે તે અંગ્રેજી ભાષામાં અસમર્થ હતો.

જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની પીઠે અરજી ફગાવી કાઢી હતી અને ઓગસ્ટ ૨૦૨૫ માં હાઈકોર્ટ સમિતિ દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રને સમર્થન આપ્યું હતું. જેમાં અરજદારને વ્યક્તિગત રીતે પોતાનો ખટલો રજૂ કરવા માટે અક્ષમ જાહેર કરવામાં આવ્યો હતો.

કારણ કે તે અંગ્રેજી ભાષામાં પોતાની વાત રજૂ કરવામાં અસમર્થ હતો. વડીઅદાલત ઠરાવ્યું હતું કે,પ્રતિવાદીઓ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રમાં કોઈ ખામી નથી. વડીઅદાલતની ડિવિઝન બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે કે કોઈપણ પણ પાર્ટી ઇન પર્સન તરીકે અંગ્રેજી ભાષા સિવાય કોર્ટમાં અન્ય કોઇ ભાષામાં સંબોધન કરી શકશે નહીં.

ખાસ કરીને જ્યાં સુધી તેની યોગ્યતા સમિતિ દ્વારા પ્રમાણિત ન થાય. આ ખટલામાં પ્રતિવાદી સમિતિએ એવું પણ અવલોકન કર્યું છે કે અરજદારની શૈક્ષણિક લાયકાત ધોરણ-10 છે. તે અંગ્રેજી ભાષા સમજી શકતો નથી. તે અંગ્રેજી ભાષામાં અભિવ્યક્તિ કરી શકતો નથી અને તેના વિચારો સ્પષ્ટ નથી.

તે અંગ્રેજી ભાષામાં હકીકતો સમજાવી શકતો નથી અને તેથી તે કોર્ટને રૂબરૂમાં સંબોધી શકવામાં સક્ષમ નથી. તેથી આ તબક્કે તેને સૂચન કરવામાં આવે છે કે તે તેની પસંદગીના વકીલને રોકે અથવા વડીઅદાલત કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરે.

આ અગાઉ એક ખટલામાં આવી જ ઘટના બની હતી

https://allgujaratnews.in/gj/struggling-to-argue-in-gujarati-language-in-court/
ઓગસ્ટ, 2022
રાજકોટના વરિષ્ઠ નાગરિક અમૃતલાલ પરમાર પાંચ વર્ષથી ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષામાં દલીદો કરવા કાનૂની લડાઈ લડી રહ્યાં છે. ગુજરાત વડી અદાલતમાં 2016થી નિયમ બદલાઈ ગયો છે. વર્ષ 2016 પછી અંગ્રેજી ભાષા બોલી શકવું અને સમજી શકવું જરૂરી થઈ ગયું છે. વર્ષ 2016 અગાઉ વ્યક્તિ પોતે ખટલો લડવા માંગતો હોય તો અંગ્રેજી ભાષા જરૂરી ન હતી. તે સમયે પરમાર 25 ખટલામાં ગુજરાતી ભાષામાં દલીલ કરીને લડ્યા છે.

ગુજરાત વિધાનસભાએ એક કાયદો પસાર કર્યો છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં જ વ્યવહારો કરવા. બીજી ભાષા તરીકે હિંદી છે. અંગ્રેજી નથી.

ભારતમાં ઉચ્ચ અને સર્વોચ્ચ ન્યાયાલયોમાં માત્ર અંગ્રેજી ભાષામાં દલીલ થઈ શકે છે. ગુજરાતની વડી અદાલતમાં અરજી દાખલ કર્યા બાદ વકીલ રાખવાને બદલે તેઓ પોતે જ પાર્ટી ઇન પર્સન તરીકે ખટલો લડવા માગતા હતા.

અમૃતલાલ પરમારની ગુજરાતી ભાષામાં દલીલ કરવા દેવાની માગણી અગાઉ ગુજરાત વડી અદાલતની એક ન્યાયાધિશની બૅન્ચ અને બે ન્યાયાધિશની બૅન્ચે ફગાવી હતી. હવે વડા અદાલતના મુખ્ય ન્યાયાધિશની ખંડપીઠ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.

ધોરણ-10 સુધી અભ્યાસ કરનાર અમૃતલાલ પરમાર રાજકોટમાં નાણાંધિરધારનો ધંધો કરે છે. તેઓ વકીલ રાખવાને બદલે પોતે જ પાર્ટી ઇન પર્સન તરીકે ખટલો લડવા માગતા હતા. પોતાના કેસની મૌખિક દલીલો પોતે જ ગુજરાતી ભાષામાં કરવા માગતા હતા.

જોકે, અમૃતલાલ પરમારની માગણી સામે ગુજરાતની વડી અદાલતના રજિસ્ટ્રારે વાંધો ઉઠાવ્યો હતો. તેમને પાર્ટી ઇન પર્સન તરીકે કેસ લડવા માટે જરૂરી એવું યોગ્યતા પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો હતો.

કોઈ દાવો માંડનાર વ્યક્તિ પોતાના ખટલા મામલે કોઈ વકીલની સેવા લેવા ન માગતી હોય અને પોતે જ ખટલો લડવા ઇચ્છતી હોય તેની માટે આ પ્રમાણપત્ર ફરજિયાત છે.

ગુજરાતની વડી અદાલતની રજિસ્ટ્રીએ અમૃતલાલ પરમારને અંગ્રેજી ભાષાનું જ્ઞાન નથી તે મુદ્દા ઉપર તેમને પ્રમાણપત્ર આપવાની માગણી રદ કરી હતી. ગુજરાત વડી અદાલતના નિયમ અનુસાર અંગ્રેજી ભાષામાં રજૂઆત કરી શકાય છે.

રજિસ્ટ્રીએ ઑગસ્ટ 2017માં પ્રમાણપત્ર આપવાની માગ ફગાવેલો તે નિર્ણયને અમૃતલાલ પરમારે પડકાર્યો હતો. ગુજરાતી ભાષામાં દલીલ કરવા દેવાની કાનૂની લડાઈ છેડી હતી.

અમૃલાલ પરમારનો દાવો છે કે, તેમને ગુજરાતી ભાષામાં દલીલ કરતા રોકી શકાય એવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી.

ડિસેમ્બર 2017માં તેઓની પિટિશન ફગાવી દેવાઈ હતી. આ પછી અમૃતલાલ પરમારે બે ન્યાયાધિશની પીઠમાં અપીલ કરી હતી જેને 2018માં ફગાવી દેવાઈ હતી.

ગત અઠવાડિયે અમૃતલાલ પરમારે ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ હાજર થતા અગાઉ આ મુદ્દે સુનાવણી માટે તારીખ નક્કી કરવા રજૂઆત કરી હતી. મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.

અદાલતની કામગીરીને લઈને ગુજરાત વડી અદાલતનો પોતાના નિયમો છે. ગુજરાત હાઈકોર્ટના નિયમ ક્રમાંક 37 અનુસાર તમે લેખિત રજૂઆત ગુજરાતીમાં કરી શકો છો.

જે અદાલત અનુવાદક પાસે અનુવાદ કરાવશે. ભારતીય બંધારણના આર્ટિકલ 348 મુજબ વડી અને સર્વોચ્ચ અદાલતની ભાષા અંગ્રેજી રહેશે, પરંતુ જો રાજ્યપાલ દ્વારા જાહેરનામું જારી કરવામાં આવે તો ગુજરાતી ભાષાને બીજી માન્ય ભાષા ગણીને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી શકાય છે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા આ પ્રકારનું કોઈ જાહેરામું બહાર પાડવામાં આવેલું નથી. આ મુદ્દો પહેલાં જ નક્કી થઈ ચૂક્યો છે. ગુજરાત વડી અદાલતના બે જજ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો છે.

ગુજરાત વડી અદાલત ભારતીય બંધારણ અને નીતિ-નિયમોને અનુસરે છે એટલે તમે ગુજરાતીમાં લેખિત રજૂઆત આપી શકો છો પરંતુ મૌખિક દલીલો ગુજરાતીમાં ન કરી શકો.

મૌખિક દલીલો કરવા માટે ગુજરાત હાઈકોર્ટના નિયમ 31(એ) મુજબ પ્રમાણપત્ર આપતી વખતે તમને અંગ્રેજીની સમજણ અને બોલાવની ક્ષમતા અંગે પૂછવામાં આવે છે. જો અંગ્રેજી ભાષા બોલી અને સમજી ન શકતા હોય તો પ્રમાણપત્ર ન મળે.

જસ્ટિસ ગુજરાતી નથી જેથી તે ગુજરાતી વધારે સમજી શકતા નથી. જજે અમૃતલાલ પરમારને હિન્દીમાં દલીલ કરવા માટે કહ્યુ હતું. અમૃતલાલ પરમારે હિન્દીમાં દલીલ કરવાનું સ્વીકારી હિન્દીમાં દલીલ કરી હતી.

આ મુદ્દે અગાઉ જજમેન્ટ આવી ચૂક્યું છે. જેથી અદાલત દ્વારા હુકમ રિઝર્વ રાખવામાં આવ્યો છે. કોર્ટે અમૃતલાલ પરમારને લીગલ એઇડની મદદ અપાવવાનું પણ કહ્યું હતું પરંતુ અમૃતલાલ પરમારે મદદ લેવાની ના પાડી હતી. અમૃતલાલન પાસે અનેક કેસ છે આ ફક્ત એક કેસની વાત નથી એટલે લીગલ એઇડ લેવી નથી. ધીરધારની ખટલા છેલ્લાં 20 વર્ષથી દરેક અદાલતમાં તેઓ જાતે જ લડે છે. 25 ખટલા છે.