ગુજરાતના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ કરાશે

ગાંધીનગર- ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે રાજ્યના આઠ મહાનગરો જેવાં કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ઇલેક્ટ્રોનિક મશીન દ્વારા દંડની વસૂલાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગુજરાતના આ શહેરોમાં ટ્રાફિક અને મોટર વાહન એક્ટના ગુનાઓમાં દંડ ભરવા માટે વાહનચાલકોએ તેમના એટીએમ ડેબીટ કે ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ આપવાનું થશે. રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિકના જવાનોને કાર્ડ રીડર મશીન આપવામાં આવશે અને આ હેતુ માટે સરકારે બેન્કો સાથે મંત્રણા કરી છે.

અત્યાર સુધી ગુજરાતમાં મોટર વાહન એક્ટમાં 100 થી 200 રૂપિયા સુધીનો દંડ હોવાથી કસૂરવાર વાહનચાલકો આસાનીથી રોકડા રૂપિયા ચૂકવીને દંડ ભરી દેતા હતા પરંતુ હવે દંડની રકમ 500 થી 5000 રૂપિયા થઇ હોવાથી કસૂરવાર વાહનચાલકોના ખિસ્સામાં આટલી મોટી રકમ ન પણ હોય તેથી સરકારે કેશલેસ સિસ્ટમનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

સરકાર દ્વારા ડેબીટ અને ક્રેડીટ કાર્ડના માધ્યમથી દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરાશે કે જેથી પોલીસ અને ટ્રાફિક વિભાગના કર્મચારીઓ વાહનચાલક પાસેથી રોકડ રકમ ઉઘરાવી ન શકે. આમ કરવાનો બીજો ફાયદો કરપ્શન દૂર કરવાનો છે. મોટર વાહન એક્ટના દંડથી બચવા માટે ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી ઉચ્ચક રકમ ઉઘરાવી લેતી હતી અને તે સીધા તેના ખિસ્સામાં જતા હતા.

એટલું જ નહીં દંડની રકમ કેશલેસ કરવાથી પોલીસ અને વાહનચાલકો વચ્ચેનું ઘર્ષણ થતું પણ અટકશે. કોઇ વાહનચાલક સ્થળ પર દંડ ભરવાનો ઇન્કાર નહીં કરી શકે, કેમ કે પ્રત્યેક વાહનચાલક પાસે ક્રેડીટ કે ડેબીટ કાર્ડ મોજૂદ હોય છે.

સચિવાલયના સૂત્રો કહે છે કે આવી સિસ્ટમ આખા ગુજરાતમાં લાગુ કરવાની છે પરંતુ પ્રાયોગિક રીતે પ્રથમ આવી સિસ્ટમ રાજ્યના આઠ મહાનગર ક્ષેત્રોમાં શરૂ કરવામાં આવશે. આ માટેની કાર્યવાહી ચાલી રહી છે અને એક મહિનાની અંદર પોલીસ પાસે આ સિસ્ટમ હશે કે જેથી તેઓ કસૂરવાર વાહનચાલકનો દંડ લઇ શકે.

નવા મોટર વાહન એક્ટનો અમલ શરૂ થયા પછી માત્ર અમદાવાદમાં એક કરોડ રૂપાયનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સરકારનો ટારગેટ છે કે ચાલુ નાણાકીય વર્ષના અંતે કસૂરવાર વાહનચાલકો પાસેથી અંદાજે 200 કરોડ રૂપિયા ઉઘરાવી લેવામાં આવશે, જે આંકડો ગયા વર્ષે 104 કરોડ રૂપિયા હતો.