CCTVની સ્માર્ટ સિસ્ટમ માત્ર લોકોને સજા કરવા માટે, પણ કર્મચારી માટે નહીં

કાયદાનો ફાયદો – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

2012માં મુંબઇમાં 6 હજાર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ શરૂ થયું હતું. દિલ્હી શહેરમાં 530 લીકર શોપ ઉપર પણ કેમેરા ગોઠવાયા હતા. પુનામાં 79 કેમેરા હતા અને બીજા 837 ગોઠવવામાં આવી રહ્યાં હતા.  હૈદરાબાદમાં 225 કેમેરા હતા અને 600  મૂકવાના હતા. સુરતમાં 100 સીસીટીવી રાખવાની દરખાસ્ત હતી. જ્યારે વડોદરા શહેર ગુજરાતમાં પ્રથમ વખત 29 નંગ સીસીટીવી કેમેરા 2012માં કામ કરતાં થયા હતા. ગુજરાતમાં સરકારી, અર્ધસરકારી, કેન્દ્ર સરકાર અને ખાનગી લોકોના મળીને 10 લાખથી વધું સીસીટીવી કેમેરા કામ કરી રહ્યાં છે. જેનું સંકલન કોઈ એક જગ્યાએ થતું નથી. ગુજરાત સકારની પોતાની કેમેરા સિસ્ટમ છે જે સીધી ગાંધીનગરના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી છે. આ બધા કેમેરા મૂકી તો દેવાયા છે. પણ તેનું યોગ્ય કેન્દ્રીય સંચાલન થતું નથી અને તે માટે નવા નિયમો અને અલગથી કાયદો બનાવવાની જરૂર હવે ઊભી થઈ છે. લોકોની ગુપ્તતા જાળવવી અને સરકારી કર્મચારીઓ પર નજર રાખવા માટે જોઈએ એટલો સીસીટીવી કેમેરા નેટવર્કનો ઉપયોગ થતો નથી.

ગાંધીનગર

ગાંધીનગરમાં ટ્રાફિક નિયમન કરાવવા ઈ-મેમો સિસ્ટમ માટે તથા શહેરમાં કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ માટે શહેરના પ્રવેશ રસ્તા અને સર્કલો પર 400થી વધુ સીસીટીવી કેમેરા લગાડાયા છે. હાઇ ડેફિનેશન ક્વોલિટી અને નાઇટ વિઝનવાળા કેમેરા છે. આમ તો ટ્રાફિક કંટ્રોલ માટે તે લગાવાયા છે. પણ વીઆઈપી લોકોની અવરજવર પર તેના પર નજર રાખવા માટે વધું ઊપયોગ થઈ રહ્યો છે.

ગાંધીનગરમાં 700 કેમેરા

ગાંધીનગર શહેરના માર્ગો પર 700 સીસીટીવી કેમેરા કામ કરી રહ્યાં છે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે 7 વસાહતોમાં પણ કેમેરા મૂકેલા છે. રહેણાંકના ખાનગી વસાહતોમાં સીસીટીવી કેમેરા દ્વારા સિક્યુરિટી મોનીટરિંગ કરવામાં આવે છે. ગુજરાતમાં આવા 10 લાખથી વધું વસાહતો હોવાનો અંદાજ છે. જ્યારે લોકોએ પોતાના ઘર કે કચેરીમાં કેમેરા ગોઠવેલા હોય એવા 50 લાખથી વધું કેમેરા હોવાનો અંદાજ છે. આ બધા કેમેરાનું સંકલન કરવું અને તેને કાયદાકીય માન્યતા આપવાનું હજું બાકી છે. માનવ અધિકારનું હનન ન થાય તે માટે નવો કાયદો બનાવવો પડે તેમ છે. જે માત્ર પોલીસના પરિપત્ર દ્વારા થઈ ન શકે.

પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે ઈન્ટેગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની કામગીરી 2018થી ચાલી રહી છે. રૂ.70 કરોડના આ પ્રોજેક્ટમાં જાહેર પરિવહનની વ્યવસ્થાથી માંડીને ટ્રાફિક સિગ્નલ અને શહેરના મુખ્ય વિસ્તારોને આવરી લેવાશે.

વોટર એન્ડ સ્યૂઅરેજ (સ્કાડા) સીસ્ટમ, ઈ-હેલ્થકેર, ઈ લર્નિંગ, જીઆઈએસ, સ્માર્ટ પાર્કિંગ ઉપરાંત મ્યુનિસિપલની તમામ સુવિધાઓને પણ કંટ્રોલ સેન્ટર સાથે સીધી સાંકળી શકાશે.

સ્માર્ટ પોલના કેમેરા-પેનિક બટનની સહાય.

ગાંધીનગરમાં મહત્ત્વના સ્થળોએ 40 સ્માર્ટ પોલ મૂકવામાં આવશે. દરેક સ્માર્ટ પોલમાં વાઈફાઈ એક્સેસ પોઈન્ટની સાથે એક-એક કેમેરા હશે. આ કેમેરાની સાથે મેસેજિંગ બોર્ડ અને એન્વાર્યમેન્ટલ સેન્સર મૂકવામાં આવશે. જાહેરમાં કચરો બાળવા જેવી પ્રવૃત્તિઓ આ સેન્સરના કારણે અંકુશમાં આવશે. ઉપરાંત પેનિક બટનની સુવિધા પણ હશે. પેનિક બટનને પોલમાં કેમેરાની નીચે જ મૂકવામાં આવશે, જેથી મદદ માગનારને તરત ઓળખી શકાય. પેનિક બટન દબાવીને પોતાની સમસ્યા રજૂ કરનાર વ્યક્તિને જરૂરિયાત મુજબ, પોલીસ, 108 કે ફાયરની મદદ આપવા માટે કંટ્રોલ રૂમમાંથી સંબંધિત એજન્સીને મેસેજ મોકલવામાં આવશે અને તેનો ડેટા મેન્ટેઈન થશે.

વાહનોના ધસારા પ્રમાણે ટ્રાફિક સિગ્નલ ચાલુ-બંધ થશે

પાટનગરના ટ્રાફિક મેનેજમેન્ટને ઓટોમેશન મોડ પર લાવવા માટે 10 મહત્ત્વના ટ્રાફિક જંક્શન પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ મૂકવામાં આવશે. આ સીસ્ટમ અંતર્ગત 10 જંક્શન પર 40 સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે. આ કેમેરામાં રેડ લાઈટ વાયોલેશન ડીટેક્શન અને સ્પીડ વાયોલેશન ડીટેક્શનની સુવિધા હશે. જેના કારણે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનાર કે સ્પીડ લિમિટ તોડનાર વાહનચાલક ઓળખાઈ જશે.

33 જિલ્લામાં રૂ.335 કરોડના કેમેરા

સેફ એન્ડ સિક્યોર ગુજરાત (SAS-GUJ) પ્રોજેક્ટ હેઠળ રૂ.335 કરોડના ખર્ચે રાજ્યના 33 જિલ્લા તથા 6  ધાર્મિક સ્થળોએ 1238 સ્થળોએ 7463 સીસીટીવી કેમેરા લગાવવા માટે બજેટ ફાળવી આપ્યું છે. ટ્રાફિક નિયમોના ભંગના કારણે રોડ-અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોની જાનહાનિ નિવારવા માટે ઈ-ચલણ મેમોની શરુઆત કરવામાં આવી હતી, જે ટેકનીકલ કારણોસર તેને બંધ કરી દેવાઈ હતી. ફરીથી 15 એપ્રિલ 2018થી તે શરૂ થઈ છે. ટ્રાફિકના શિસ્ત જાળવવા અને નિયમ ભંગના ગુના પર નિયંત્રણ લાવવા અને તમામ ગુનાઓનું પ્રમાણ ઘટે અને તપાસ ઝડપી બને તે માટે ગુજરાત સરકારે રાજ્યમાં સીસીટીવીનું નેટવર્ક ઊભું કરી દીધું છે.

પોલીસ સ્ટેશનમાં કેમેરા

રાજ્યના 619 પોલીસ સ્ટેશનોમાં રૂ.62 કરોડમાં 7361 કેમેરા લગાવાયા છે. જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા તથા પોલીસ કમિશનરની કચેરી દ્વારા રિમોટ  મોનિટરિંગ સિસ્ટમથી દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ફૂટેજ 30 દિવસ સુધી જાળવી રાખવામાં આવે છે. જેનો ઉપયોગ માત્રને માત્ર પોલીસ વિભાગની કામગીરી પૂરતો જ કરવામાં આવે છે. મોટા પોલીસ સ્ટેશનોમાં 15 અને નાના પોલીસ સ્ટેશનોમાં 10 કેમેરા લગાવાયા છે. અમરેલી જિલ્લામાં 21 પોલીસ સ્ટેશનોમાં 234 કેમેરા મૂકાયા છે. જ્યારે સુરત શહેરમાં 377 કેમેરા કામ કરી રહ્યા છે.

ઈ મેમો માટે વધું ઉપયોગ, સલામતી માટે ઓછો

ઓગષ્ટ-2015થી જાન્યુઆરી-2018 સુધી જનરેટ થયેલાં કુલ 20 લાખમાંથી 13 લાખ ઈ-મેમોના દંડના પૈસા લોકોએ ભર્યાં નથી. અમદાવાદના 13 લાખ ઈ-મેમો હતા. આમ લોકોને દંડવા માટે તેનો ઉપયોગ થાય છે પણ કાયદો અને વ્યવસ્થાની સલામતી માટે ઓછો ઉપયોગ થાય છે. સામાન્ય પ્રજા ફી ભરીને સીસીટીવી ફૂટેજ મેળવી શકે એવી વ્યવસ્થા હજું કરવામાં આવી નથી. સામાન્ય લોકો પોતાની સલામતી માટે પુરાવા માટે આવા ફૂટેજ મેળવી શકે એવી કોઈ જોગવાઈ નથી.

26 વિભાગોમાં કેમેરા

108 એમ્યુલંસ, હોસ્પિટલ, દવાખાના, અનાજની દુકાન, ગ્રામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી, પોલીસ સ્ટેશન, ફાઇલની હીલચાલ, ઉદ્યોગજૂથની દરખાસ્ત, એસટીના રૂટ, પોલીસ સ્ટેશન, કલેક્ટર કચેરી, મહાનગર પાલિકા, પાલિકા-શહેરો, ટ્રાફિક, પ્રદૂષણ, ગુનાખોરી, કચેરીની અંદર જોઈ શકે, જેવા કૂલ 26 વિભાગોની કામગીરી રાજ્યના મુખ્યમંત્રી તેમના બંગલાની કચેરીમાં બેસીને 8 ઓગસ્ટ 2018થી સીધી જોઇ શકે છે. 33 જિલ્લાની હિલચાલ જોઈ શકાય છે. આ પદ્ધતિને સીએમ ડેસ્કબોર્ડ કહે છે. આવું ગુજરાતમાં પ્રથમ શરૂ થયું છે. રાજ્યમાં જે કોઇ સ્થળે સીસીટીવી કેમેરા લાગ્યા છે ત્યાં જીવંત પ્રસારણ આ ડેસ્કબોર્ડમાં જોઇ શકાય છે.

10 હજાર કેમેરા  દ્વારા પગલાં

આવા 10 હજારથી વધું કેમેરા છે. આ તમામ સ્થળે ગરબડ જણાય તો એસએમએસ દ્વારા તુરંત સૂચના આપવામાં આવી રહી છે. ગુગલ મેપથી રાજ્યભરની કાર્યવાહી અને સીસીટીવી કેમેરાથી કચેરીની કામગીરી જોઇ શકાય છે. ફાઇલ ટ્રેકિંગમાં ત્રિસ્તરિય ફોલોઅપ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. પ્રથમ ડેસ્કબોર્ડના કર્મચારી ફોલોઅપ લે છે. બીજું ફોલોઅપ સેક્રેટરી કક્ષાના અધિકારીઓ લે છે. અને છેલ્લું ફોલોઅપ ખુદ મુખ્યમંત્રી લે છે. રાજ્યમાં રૂ.50 કરોડથી રૂ.500 કરોડના સરકારી અને ખાનગી પ્રોજેક્ટ્સનું ટ્રેકીંગ થાય છે.  આઇટી વિભાગના અધિકારીઓની એક એક્સપર્ટ ટીમ તે બધું જુએ છે. સેન્ટ્રલાઇઝ સિસ્ટમને કોઈ હેકર હેક કરી લે તો શું એ એક મોટો સવાલ છે. સિસ્ટમને ઉપગ્રહથી જોડી શકાય છે.

નવી નીતિ બનાવવી પડશે

સમગ્ર રાજ્ય પર નજર રાખવા માટે સિસ્ટમની વ્યવસ્થા કરી છે. તેનો કંટ્રોલ રૂમ મુખ્ય પ્રધાનની કચેરી અને નિવાસ સ્થાન પર છે. જેને કોઈ કાનૂની પીઠબળ હોવું જરૂરી છે. જેમાં લોકોને પણ અધિકાર આપવા પડશે. 10 હજાર કેમેરા સાથે સીએમ ડેસ્કબોર્ડનો ઉદ્દેશ ઝડપી કામ અને પગલાં ભરવાનો છે. જે માટે નવેસરથી નિયમ બનાવવા પડશે. કાયદો બદલવો પડશે. ખાનગી લોકોએ કેમેરા મૂકેલાં છે એવા સ્થળોને આવરી લઈને નવો કાયદો બનાવવો પડે તેમ છે. હાલ તો પોલીસના પરિપત્ર પર નિયમો ચાલે છે.

દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ

જિલ્લામાં CCTV સર્વેલન્સ માટે પોલીસ સ્ટાફ મૂકાયા છે. જિલ્લામાં કાર્યરત સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે. એક જિલ્લામાં આવા 100 જેટલાં કર્મચારીઓ અને ટેકનિકલ વ્યક્તિઓની પોલીસ અને સરકરમાં જરૂર છે. જે સરકારે તુરંત ભરવા પડે તેમ છે. જેનું કામ સીસીટીવી સર્વેલન્સ, ઈ-ચલણ અને પોસ્ટ ઈન્સીડેન્ટ ઇન્વેસ્ટિગેશન હાલ પોલીસ પાસે તાલીમ પામેલો કે વગર તાલીમી સ્ટાફ નથી અથવા ઓછો છે. આવા ઓછામાં ઓછા 5000 ટેકનિસિયન પોલીસની જરૂર પડે તેમ છે. જે ખાનગી કોન્ટ્રાક્ટરોથી ચાલી શકે તેમ નથી.

અમદાવાદમાં 554 કેમેરા બંધ

અમદાવાદ શહેરમાં 12 ઓક્ટોબર 2018માં 554 કેમેરામાંથી એક પણ કેમેરા ચાલતાં ન હતા. 6 મહિનાથી ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ નહીં અપાયો હોવાથી તે ચાલતા ન હતા. 5 વર્ષથી ઇ-ગવર્નન્સ માટે ટ્રાફિકની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કેમેરા મૂકાયા હતા. પોલીસના સર્વેલન્સ માટે પોલીસ કંટ્રોલરૂમથી આ કેમેરાનું મોનિટરિંગ થાય છે. માલિકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અને ઉપયોગ પોલીસ કરી રહી છે.

પ્રજાને દંડ પણ કર્મચારીઓને દંડ નહીં

ખારીકટ કેનાલને પ્રદુષણથી બચાવવા 129 કેમેરા લગાવવાનું નક્કી કરાયું હતું. જે પાલડીના કમાન્ડ સેન્ટર સાથે જોડવાના હતા પણ મહિનાઓ સુધી જોડાયા ન હતા. ઇ-ગવર્નન્સ માટે ઉચ્ચ અધિકારીઓ મનમાન્યા નિયમો બનાવી દે છે. જેમાં ભ્રષ્ટાચાર થાય છે. કેમેરા બિન ઉપયોગી પડી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પોલીસના કેમેરાનો ઉપયોગ સફાઈ, રોડની ગુણવત્તા, ગેરકાયદે બંધકામ જેવા હેતુ માટે કરી શકે છે. પણ થતો નથી. પ્રજાના પૈસા રોકવામાં આવ્યા છે પણ તેનો ગેરવહીવટ થઈ રહ્યો છે. માત્ર પ્રજાને દંડવા માટે જ કેમેરાનો ઉપયોગ થાય છે સરકાર કે અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેને દંડવા માટે આજ સુધી ક્યારેય ઉપયોગ થયો નથી. તો પછી કરોડો રૂપિયાના કેમેરા લગાવવાનો કોઈ મતલબ નથી.

શાળાની પરિક્ષામાં કેમેરા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2017માં ધો.10-12ની પરીક્ષા સામાન્ય પ્રવાહ અને સાયન્સના 17 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરા હતા. સીસીટીવી અને ટેબ્લેટના કારણે ઘટનાઓમાં ઘટાડો થયો હતો.

નિ.સ્કૂલ બોર્ડનું પાંચ કરોડના વધારા સાથેનું 673 કરોડનું બજેટ મંજૂર

અમદાવાદની શાળાઓમાં કાયમી કેમેરા

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રૂ.668 કરોડનું અંદાજપત્ર 2019-20નું તૈયાર કરેલું છે જેમાં તમામ મ્યુનિસિપલ શાળાઓમાં કેમેરા લગાવવાનું નક્કી કરાયું છે. ઉપરાંત 50 સ્માર્ટ સ્કૂલ ગુગલ ક્લાસરૂમવાળી શાળા તૈયાર કરાશે. શહેરમાં 150 વર્ષ જૂની 5, 100 વર્ષ જૂની 19 મ્યુનિસિપલ શાળાઓ છે..

ચૂંટણી પંચનું વેબકાસ્ટીંગ

વેબકાસ્ટીંગનો મતલબ છે કે એક વીડિયો કેમેરા મતગણતરી કેન્દ્ર કે 52,000 મતદાન કેન્દ્રો પર મૂકીને ત્યાંથી નજર રાખવામાં આવે છે. આ કેમેરા સેન્ટ્રલાઈઝ્ડ સર્વરથી જોડાયેલા હોય છે. મતગણતરી કેન્ર્દનું સીધું પ્રસારણ ભારતીય ચૂંટણી પંચની ઓફીસ અને રાજ્ય ચૂંટણી પંચની ઓફીસમાં કરવામાં કરવામાં આવે છે.

દેશનો પ્રથમ ઈમરજન્સી મોનિટરિંગ કંટ્રોલરૂમ

સ્માર્ટ સિટી અમદાવાદ શહેરના પાલડીમાં મોનિટરિંગ કંટ્રોલરૂમ 23 ફેબ્રુઆરી 2018માં શરૂ થયો હતો. જેમાં પોલીસ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 9 વિભાગો એએમટીએસ, બીઆરટીએસ, સ્કાડા, સહિતની કામગીરીનું નિરીક્ષણ સીસીટીવી કેમેરામાં જોઈને કરાય છે. શહેરના દરેક ચાર રસ્તે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

રાજકોટમાં આઈ-વે

રાજકોટ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ નજર રાખવા તથા ટ્રાફિકના નિયમ માટે આઈ-વે પ્રોજેક્ટ કામ કરે છે.  75 સ્થળોએ પર 350 કેમેરા કામ કરે છે. મનપા કોમ્યુનિટી હોલમાં કેમેરા લગાવાયા નથી. આઈ.વે પ્રોજેક્ટ અંતર્ગત ગુનાખોરી, સફાઈ કર્મચારીઓની કામગીરી, માર્ગો પરનું મોનેટરીંગ, ટ્રાફિક સમસ્યા, ગાર્ડન, સરકારી કચેરીઓ, હોસ્પિટલો તેમજ મનપાની મિલકતો પર પણ બાજ નજર રાખવામાં આવે છે.

કેમેરા કે જાસૂસી

ચાણક્ય પાસે પણ જાસૂસોની મોટી સેના હતી. સ્ત્રીઓને વિષકન્યા તરીકે જાસૂસી કરાતી હતી. ઈંદિરા ગાંધી અને નરેન્દ્ર મોદી જાસૂસી કરાવવા માટે જાણીતા બન્યા હતા. નરેન્દ્ર મોદી પર મુખ્યમંત્રી કાળમાં એક યુવતીની જાસૂસી કરાવવા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરાયો હતો. ટૅક્નૉલૉજી એટલી હદે આગળ વધી ગઈ છે કે જાસૂસીથી છટકવું મુશ્કેલ બની ગયું છે. સીસીટીવી કેમેરા આવાં કામોમાં ઉપયોગી છે. હૉટલોના રૂમોમાં ખબર ન પડે તેમ કેમેરા મૂકાયા હોય છે અને પતિ-પત્નીની સત્તાવાર અંગત પળો કે પછી વ્યક્તિઓનાં વ્યભિચારો રેકોર્ડ કરાય છે. ટૅક્નૉલૉજી માણસને નૈતિક, ચારિત્ર્યવાન અને પ્રમાણિક બનવા પ્રયાસ કરી રહી છે.

જામનગરમાં 400 કેમેરા

જામનગર શહેરમાં 152 સ્થળોએ કુલ 400 સીસીટીવી કેમેરા પોલીસે લગાડેલા છે.

આવતા બે મહિનામાં આપણું નગર સીસીટીવીની સતેજ આંખ હેઠળ ધબકતું જોવા મળશે તે માટેના કંટ્રોલ સેન્ટરને કાર્યરત કરવામાં આવી રહ્યું છે. સીસીટીવીમાં જે વાહનચાલક ટ્રાફિકના નિયમનો ભંગ કરતા દૃષ્ટિગોચર થશે તેને દંડ ફટકારવામાં આવશે. પણ કોઈ સરકારી કર્મચારી કચેરીમાં કામ ન કરતાં હોય અને લાંચ માંગતા હોય તો તે કેમેરામાં પકડવા કોઈ જોગવાઈ કરી નથી.

વડોદરા પ્રથમ શહેર

વડોદરા શહેરમાં કચરો ફેંકી ગંદકી કરનારને પકડી પાડવા 120 સ્થળે કેમેરા રખાયા છે. કચરો ફેંકનાર લોકો સામે સખતાઈથી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. એમાંય વિશ્વામિત્રી નદીના કિનારે કચરો ફેંકનારને ઝડપી પાડવા અને દંડ વસૂલ કરવા 20 સ્થળે કેમેરા મૂકાયા છે. મોટાભાગના બ્રિજ પાસેથી લોકો નદીમાં કચરો નાંખે છે. ગુજરાતમાં પ્રથમ વખત 2012થી 29 કેમેરા કામ કરે છે, બીજા 150 કેમેરા લગાવવા માટે પોલીસ કમિશનરે મ્યુનિસિપલ કમિશનર કહ્યું હતું. જેની પાછળ પાંચ વર્ષની નિભાવણી પાછળ રૂ.4.20 કરોડના ખર્ચ થતો હતો. એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં અસામાજિક તત્ત્વોને રોકવા માટે અને સુરક્ષા માટે  કેમ્પસમાં 100થી વધારે સીસીટીવી કેમેરા મૂકવાનું 2018માં નક્કી કરાયું હતું.

રાજકોટમાં લોકો પર વોચ પણ કર્મચારીઓ પર નહીં

2014માં રાજકોટમાં અધિકારીઓની કચેરી સિવાય ત્રણેય ઝોનમાં 130થી વધુ સીસીટીવી કેમેરા મૂકીને  મુલાકાતી પર ‘વોચ’ રાખવા કેમેરા મૂકાયા હતા પણ કામ ન કરતાં કર્મચારીઓ ઉપર તે કેમેરા મૂકાયા ન હતા. લોબી, કમ્પાઉન્ડ, પાર્કિંગ, ગેઇટ ઉપરાંત ઢોર-ડબ્બા, કન્ઝર્વન્સી અને સિટી સિવિક સેન્ટરમાં પણ કેમેરા હતા. રૂા.67 લાખના ખર્ચે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન કચેરીમાં કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ પ્રોઆઇટેક ઇલેક્ટ્રોટેક્નિ‌ક્સ પ્રા. લિ. ને અપાયો હતો. તેનો મતલબ કે એક કેમેરા રૂ.51,538 પડતો હતો. કોન્ટ્રાક્ટ રાખનાર કંપનીનો એક કર્મચારી ત્રણ વર્ષ સુધી મહાપાલિકામાં કામ કરે છે.

હાલોલમાં પણ કેમેરા

ગોધરાના હાલોલ નગરમાં 2015માં 34 નાઇટ વિઝન હાઇફ્રિકવન્સી CCTV કેમેરા મૂકવા નક્કી કરાયું હતું.  રાજયના અને ગુજરાત બહારના તડીપાર ગુનેગારો પણ હાલોલમાં આવીને રહે છે. ચોરી, લૂંટ માટે આ કેમેરા રખાયા હતા. બસ મથક પર 3 કેમેરા રખાયા હતા.

રેલવેના 80 હજાર કેમેરા

દેશની રેલવે 12 લાખ જેટલા સીસીટીવી કેમેરા ખરીદવાની તૈયારી 2018માં કરી રહ્યું હતું. જે 11 હજાર ટ્રેનોમાં દરેક કોચમાં 8 કેમેરા અને 8500 સ્ટેશનો પર નજર રાખશે. રૂ.3,000 કરોડનું ખર્ચ મંજૂર કરાયું હતું. 2018માં દેશના 395 રેલવે સ્ટેશન અને માત્ર 50 ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. ગુજરાતમાં 70થી 80 હજાર કેમેરા તો માત્ર રેલવેના થઈ જાય છે. જેની સાથે ગુજરાત પોલીસના કંટ્રોલ રૂમ સાથે જોડાયા નથી.

મહેસાણા ફેસ ડિટેક્શન કેમેરા

મહેસાણા શહેરમાં 2019થી 219 કેમેરા નાગરીકો પર નજર રાખી રહ્યાં છે. રૂ.60 લાખના ખર્ચે બનેલા કમાન્ડ કંટ્રોલરૂમમાંથી વિડીયો વોલ પર 45 કર્મચારીઓ મોનટરીંગ કરે છે. સીસીટીવી કેમેરામાં ફેઝ ડીટેક્શન સીસ્ટમ એટલે કે વોન્ટેડ ગુનેગાર સીસીટીવી કેમેરાની હદમાં દેખાય તો કંટ્રોલ રૂમમાં વોર્નીંગ આપશે. PTZ કેમેરા-360 ડીગ્રી કવર કરી શકે છે.  FIX કેમેરા-જે એકતરફનો વિસ્તાર જ કવર કરી શકે, ANPR કેમેરા-ઓટોમેટીક નંબરપ્લેટ રીકગ્નાઈઝેશન કેમેરા, RLVD કેમેરા-રેડલાઈટ સીગ્નલને ડીટેક્ટ કરશે, જેનાથી ટ્રાફીકને લગતા મેમો જનરેટ કરી શકાશે. ભવિષ્યમાં ૩૦ જેટલાં 4K સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે. 4K સીસીટીવી કેમેરાની ગુણવત્તા HD કેમેરા કરતા પણ વધારે સારી છે.

CSITMS -સીટી સર્વેલન્સ એન્ડ ઈન્ટેલીજન્સ ટ્રાફીક મોનીટરીંગ સીસ્ટમ સીસીટીવી કેમેરાથી કાર્યરત કરી શકાશે. શહેરમાં સીસીટીવી કેમેરા લાગી જવાથી ટ્રાફીક સમસ્યા નિયંત્રણમાં લાવી શકાશે, ટ્રાફીકનો ભંગ કરનારને દંડી શકાશે.

શહેરનાં તમામ સીસીટીવી કેમેરાની ગતિવિધિ ગાંધીનગરમાં પણ લાઈવ નિહાળી શકાશે. હાલમાં ગુજરાત સરકારના જી-સ્વાન પ્રોજેક્ટનું સંચાલન કરતી ઓરેન્જ કંપની સેઈફ એન્ડ સીક્યોર પ્રોજેક્ટનું સતત પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સ કરશે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા તમામ ડેટા એક મહિના સુધી સંગ્રહ કરાશે. કમાન્ડ કંટ્રોલ રૂમની સીસ્ટમમાં 700 ટીબી ડેટા સંગ્રહ કરી શકાશે.