લેબોરેટરી પરીક્ષણ પ્રમાણે રાજ્યમાં 1944 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 95 પોઝિટિવ છે અને 1847 નેગેટીવ છે. 3 એપ્રિલ 2020 સાંજ સુધીમાં કોરોનાના કુલ દર્દી 100 ઉપર થઈ જશે. બે વ્યક્તિ વેન્ટીલેટર પર છે. અમદાવાદમાં કુલ 38 વ્યક્તિઓ સારવાર હેઠળ છે જે પૈકી 15 વિદેશથી આવેલા છે. સાત વ્યક્તિ આંતરરાજ્ય છે અને 16 વ્યક્તિ લોકલ છે.
કોરોના વાયરસના સંક્રમણ કારણે અમદાવાદમાં એક સાથે કુલ સાત નવા પોઝિટિવ કેસ નોંઘાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં આ રોગના કુલ કેસોની સંખ્યા વધીને 95 થઇ છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે અમદાવાદમાં નોંધાયેલા સાત પોઝિટિવ કેસોમાં એક વ્યક્તિ દિલ્હીથી આવેલા છે જ્યારે બાકીના તમામ છ પોઝિટિવ કેસોમાં લોકલ ટ્રાન્સમિશન છે. આશ્ચર્યની બાબત એવી છે કે અમદાવાદમાં એક સાત વર્ષની બાળકીને પોઝિટિવ આવ્યો છે.
ગુજરાતમાં વડોદરામાં 78 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. જો કે આ વ્યક્તિને ફેફસાની બિમારી અને હાઇપર ટેન્શન હતું. અત્યારે બે દર્દીઓ વેન્ટીલેટર પર છે અને કુલ 10 દર્દીઓ સાજા થતાં તેમને મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ મોતનો આંકડો 8 થયો છે. જ્યંતિ રવિએ કહ્યું હતું કે 14868 વ્યક્તિઓ અત્યારે હોમ ક્વોરેન્ટાઇન છે જ્યારે 880 સરકારી અને 267 પ્રાઇવેટ ક્વોરેન્ટાઇનમાં છે. રાજ્યમાં લોકડાઉનનો ભંગ કરવા બદલ અને ક્વોરેન્ટાઇન તોડવા બદલ 418 સામે એફઆઇઆર કરવામાં આવેલી છે.