અમદાવાદના કોરોના વોરિયર્સ નાયબ મામલતદાર રાવલની શહાદતને હ્વદયાંજલિ આપતા મુખ્યમંત્રી

રૂ. રપ લાખની પ્રથમ સહાય સદ્દગતના પરિવારને આપવાની રાજ્ય સરકારની સંવેદના
…….
રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર સુશ્રુષા સહિત આ વૈશ્વિક મહામારીના નિયંત્રણની કામગીરીમાં સંકળાયેલા ફ્રન્ટલાઇન વોરિયર્સની કપરી ફરજ દરમ્યાન કોરોના સંક્રમિત થઇ દુ:ખદ અવસાન પામતા કર્મયોગીઓના પરિવારની પડખે વિપદાની ઘડીએ રાજ્ય સરકાર રૂ. રપ લાખની આર્થિક સહાયથી ઊભી રહે છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા ફ્રન્ટલાઇન વોરિયર્સનું કોરોના સંક્રમણ નિયંત્રણ ફરજ દરમ્યાન સંક્રમિત થવાથી અવસાન થાય તો તેમને રૂ. રપ લાખની સહાય આપવાનો માનવીય સંવેદનાપૂર્ણ નિર્ણય કરેલો છે.
અમદાવાદ કલેકટર કચેરીના નાયબ મામલતદાર શ્રી દિનેશભાઇ રાવલનું કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી ફરજ દરમ્યાન તા.૧૭મી મે ના દુ:ખદ અવસાન થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ કર્મનિષ્ઠ કર્મયોગીની ફરજનિષ્ઠાને બિરદાવતાં સ્વ. દિનેશભાઇ રાવલના પરિવારજનોને આ વિપદાની વેળાએ આર્થિક આધાર આપતાં રૂ. રપ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાંથી આપવાના આદેશો કર્યા છે.
આ ચેક મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં સ્વ. દિનેશભાઇ રાવલના પરિવારજનોને પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોરોના સામેના જંગ માટેનું ભંડોળ-દાન મેળવવા મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો-સહયોગની અપિલ પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીની આ અપિલનો પ્રતિસાદ આપતાં અનેક દાતાઓ, સેવાવ્રતીઓ, વ્યકિતગત ફાળો મળીને મુખ્યમંત્રી રાહતનિધિમાં કોરોના માટેના ફંડ માતબર યોગદાન મળી રહ્યું છે.
આવા ફંડનો ઉપયોગ કોરોના સંકટ સામે દવાઓ અને કોરોના સંક્રમણ નિયંત્રણ ફરજ દરમ્યાન સ્વયં સંક્રમિત થઇ મૃત્યુ પામનારા કર્મીઓને સહાય માટે કરવાનો રાજ્ય સરકારનો ઉદાત્ત ભાવ છે.
તદઅનુસાર, મુખ્યમંત્રી રાહતનિધિનો રૂ. રપ લાખનો આવો પ્રથમ ચેક નાયબ મામલતદાર સ્વ. દિનેશભાઇ રાવલના પરિવારજનોને આપવામાં આવશે.