રાજ્યમાં કોરોનાથી સંક્રમિત ૧,૦૪૨ પોઝિટિવ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થઇને ઘરે પરત ફર્યા
રાજ્યમાં 4 મે 2020એ કૉવિડ-૧૯ ના નવા ૩૭૪ પોઝિટિવ કેસ નોંધાયા : છેલ્લા ૨૪ કલાકમાં ૫,૯૪૪ ટેસ્ટ અત્યાર સુધીમાં થયેલ ૮૦,૦૬૦ ટેસ્ટમાંથી ૫,૪૨૮ કેસ પોઝિટિવ આવેલા છે. પહેલા રૂપાણી સરકારે ટેસ્ટની સંખ્યા એકાએક ઘટાડી નાંખીને મામલા ઓછા બતાવવા પ્રયાસ કર્યો હતો. પણ તેમનો ભોપાળુ બહાર આવી જતાં કેન્દ્રની મોદી સરકારે તેને ઠપકો આપ્યો હતો. તેથી હવે ટેસ્ટની ચકાસણી એકાએક વધારી દેવામાં આવી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૪૨ લોકો કોરોના સામે જંગ લડીને સાજા થઈને ઘરે ગયા છે. આજે સમગ્ર રાજ્યમાં કુલ ૫,૪૨૮ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે જે પૈકીના ૪૦૬૫ દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે ૩૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે આજે સાંજે ૫.૦૦ વાગે પુરો થતા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં કુલ ૩૭૪ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડોક્ટર જયંતી રવિએ આજે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૮ જેટલા લોકોના મૃત્યુ થયા છે જે પૈકીના ૨૪ વ્યક્તિઓને કોરોના ઉપરાંત અન્ય ગંભીર બીમારીઓ પણ હતી જ્યારે માત્ર ચાર વ્યક્તિઓ એવી છે જેમના દુઃખદ અવસાન માત્ર કોરોનાને કારણે થયા છે.
ડો. રવિએ ઉમેર્યું કે, આજથી ૧૬ દિવસ પહેલાં ગત તારીખ ૧૭ એપ્રિલે કોરોનાનાં ૧,૦૯૯ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે ૧૬ દિવસ બાદ સાજા થઈને હોસ્પિટલમાંથી રજા લેતા દર્દીઓની સંખ્યા ૧,૦૪૨ એ પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના ૭૧ અને સુરતના ૫૭ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
ડો. રવિએ ઉમેર્યું કે રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ૨૭૪, વડોદરા તથા સુરતમાં ૨૫-૨૫, મહેસાણામાં ૨૧, મહિસાગરમાં ૧૦ તથા રાજ્યના અન્ય જિલ્લાઓ સહિત કુલ રાજ્યમાં ૩૭૪ નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ કુલ ૨૮ મૃત્યુમાં વિવિધ બિમારીઓ જેવી કે ફેફસાની બીમારી, અસ્થમા, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, લીવરની બીમારી, પથરીની તકલીફ તથા માનસિક બીમારી જેવી અન્ય બીમારીઓ ધરાવતા કુલ ૨૪ દર્દીઓનો સમાવેશ થાય છે.
ડો. રવિએ આજના નવા પોઝિટિવ કેસની વિગતો આપતા જણાવ્યું કે, આજે રાજ્યમાં નવા ૩૭૪ કેસ નોંધાયા છે. તેની સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫,૪૨૮ થઇ છે. તે પૈકી ૪,૦૬૫ દર્દીઓ સારવાર હેઠળ સ્ટેબલ છે, ૩૧ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, જ્યારે ૧,૦૪૨ દર્દીઓએ ડિસ્ચાર્જ લીધેલ છે અને કુલ ૨૯૦ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કૉવિડ-૧૯ના ૮૦,૦૬૦ કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે ૫,૯૪૪ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું..