ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં ફસાયેલા ૮પ ભારતીય વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે એકબીજાથી અલગ પાડી દેવામાં આવ્યા હતા. અમુક વિદ્યાર્થીઓ એ ભારત પરત આવવા માટે એર ટીકીટ પણ બુક કરાવી દીધી હતી. પરંતુ કોરોના વાઈરસના ભયના કારણે રાજ ફલાઈટો રદ થઈ રહી છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૩૪ લોકોના મોત થયા છે. અને ૧૭૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાઈરસને કારણે થયેલા મોતનો આંકડો હવે ત્રણ હજારને પાર થઈ ગયો છે. સમગ્ર વિશ્વમાં કુલ ૮૮૩૮પથી 1 લાખ સુધીના લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી સામે આવી છે.
ચીનના વુહાનથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઈરસ હવે દુનિયાભરના દેશો માટે સૌથી મોટો ખતરો બનતો જાય છે. તાજેતરમાં જારી કરાયેલા સતાવાર આકંડાઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએેચઓ) ની એ ભયાનક આગાહીને સાચી સાબિત કરે છે. જેમાં સમગ્ર વિશ્વમાં ઘાતક કોરોના વાઈરસ ફેલાવાની આશંકા વ્યક્ત કરી ચેતવણી આપવામાં આવી હતી.
ચીન સિવાયના અન્ય દેશોમાં પણ કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધતો જાય છે. ઈરાનમાં અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થયા છે. ભારત ઈરાનમાંથી ભારતીયોને સલામત રીતે બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યુ છે.
ઈટાલીમાં લોમ્બાડીયામાં પાવિયાના એન્જીનિયરીંગ વિભાગના એક નોન ટીચીંગ ફેકલ્ટીને કોરોનાનો ચેપ લાગ્યો બાદ વિદ્યાર્થીઓમાં ભય ખુબ વધી ગયો છે. સ્ટાફના અન્ય ૧પ લોકોને પણ અલગ અલગ પાડી દેવામાં આવ્યા છે. બેંગ્લુરૂની એક વિદ્યાર્થિની અંકિતા કે.એસ.એ. જણાવ્યુ હતુ કે અમારામાંથી અડધા વિદ્યાર્થીઓએે તેમની ટીકીટ પણ બુક કરાવી દીધી હતી. પરંતુ અહીં રોજ ફલાઈટ રદ થઈ રહી છે.
નવી ટીકીટના ભાવ ખુબ મોંઘા છે. અહીં કરિયાણાની દુકાનોમાં સ્ટોક બહુ ઝડપથી ખતમ થઈ રહ્યો છે. અમને ડર છે કે આવનારા દિવસોમાં સ્થિતિ હજુ વધારે ખરાબ થઈ શકે છે. તેથી ભારત સરકારને અમારી અપીલ છે કે તે અમને અહીંથી બહાર કાઢવા યોગ્ય પગલાં ભરે.