13.06.2020
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; દર્દીઓ સાજા થવાનો દર વધીને 49.95% નોંધાયો
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19ના કુલ 7,135 દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ, અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,54,329 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. હાલમાં દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 49.95% નોંધાયો છે. હાલમાં, 1,45,779 દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે. ICMR દ્વારા નોવલ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોને શોધી કાઢવા માટે સેમ્પલના પરીક્ષણની ક્ષમતા સતત વધારવામાં આવી છે. સમગ્ર દેશમાં 642 સરકારી લેબોરેટરી અને 243 ખાનગી લેબોરેટરી (કુલ 885 લેબોરેટરી)માં હાલમાં કોવિડ-19નું પરીક્ષણ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,43,737 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 55,07,182 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
નવા પ્રોટોકોલમાં દર્દીની તબીબી ગંભીરતા એટલે કે હળવા લક્ષણો, મધ્યમ અને ગંભીરના આધારે કોવિડ-19ના વ્યવસ્થાપનના પ્રોટોકોલ સૂચવવામાં આવ્યા છે. ગંભીરતાના આ ત્રણ તબક્કાના આધારે ચેપ નિવારણ અને નિયંત્રણના આચરણો અંગે પણ તેમાં નિર્દેશો આપવામાં આવ્યા છે. આ માર્ગદર્શિકાઓમાં દર્દીઓના નિર્ધારિત પેટા સમૂહ માટે તપાસ ઉપચારો પણ સુચવવામાં આવ્યા છે. જોકે, આમાંથી કોઇપણ ઉપચારો સૂચવતા પહેલાં સંપૂર્ણ માહિતી સાથે અને વિચારવિમર્શ આધારિત નિર્ણય લેવો જરૂરી છે.
આરોગ્ય સંભાળ પૂરવઠા સાંકળ માટે વેબ આધારિત ઉકેલ “આરોગ્યપાથ”નો પ્રારંભ કરાયો જે મહત્વપૂર્ણ પૂરવઠાની વાસ્તવિક સમયમાં ઉપલબ્ધતા પૂરી પાડે છે
CSIR રાષ્ટ્રીય આરોગ્ય પૂરવઠા સાંકળ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જે વાસ્તવિક સમયમાં મહત્વપૂર્ણ પૂરવઠાની ઉપલબ્ધતા પૂરી પાડે છે. 12 જૂનના રોજ આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્યપાથ પોર્ટલ ઉત્પાદકો, પૂરવઠાકારો અને ગ્રાહકોને સેવા પૂરી પાડશે. કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી વર્તમાન રાષ્ટ્રીય આરોગ્ય કટોકટી દરમિયાન, પૂરવઠા સાંકળમાં ખૂબ જ મોટાપાયે વિક્ષેપ પડ્યો છે તેવી સ્થિતિમાં, મહત્વપૂર્ણ ચીજોનું ઉત્પાદન અને ડિલિવરી કરવામાં પણ સંખ્યાબંધ કારણોસર મુશ્કેલી પડી શકે છે. “કોઇપણ વ્યક્તિને આરોગ્ય (તંદુરસ્તી) તરફથી સફરમાં આગળ લઇ જાય તેવો માર્ગ પૂરો પાડવો” આવી દૂરંદેશી સાથે શરૂ કરવામાં આવેલું આરોગ્યપાથ નામનું માહિતી પ્લેટફોર્મ આવા પડકારોનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ એકીકૃત સાર્વજનિક પ્લેટફોર્મ એક જ જગ્યાએથી મહત્વપૂર્ણ આરોગ્ય સંભાળ ચીજવસ્તુઓની ઉપલબ્ધતા પૂરી પાડે છે જે સામાન્યપણે અનુભવાતી સંખ્યાબંધ સમસ્યાઓનો સામનો કરવામાં ગ્રાહકોને મદદ કરે છે.
‘માય લાઇફ, માય યોગ’ વીડિયો બ્લોગિંગ સ્પર્ધા માટે એન્ટ્રી દાખલ કરાવવાની મુદત 21 જૂન 2020 સુધી લંબાવવામાં આવી
તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવેલી ‘માય લાઇફ, માય યોગ’ વીડિયો બ્લોગિંગ સ્પર્ધા માટે એન્ટ્રી દાખલ કરાવવાની મુદત 21 જૂન 2020 સુધી લંબાવવામાં આવી છે. ડિજિટલ પ્લેટફોર્મ પર યોજવામાં આવેલી આ વૈશ્વિક સ્પર્ધાનું આયોજન આયુષ મંત્રાલય અને ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR) દ્વારા છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે. અગાઉ, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એન્ટ્રી દાખલ કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2020 નિર્ધારિત કરવામાં આવી હતી. ભારત અને વિદેશમાંથી યોગ સમુદાય દ્વારા તેઓ પોતાના વીડિયો વધુ સારી રીતે તૈયાર કરી શકે તે માટે આ મુદત લંબાવવા માટે મોટાપાયે માંગ ઉઠી હતી. આ માંગને ધ્યાનમાં રાખીને મંત્રાલય અને ICCR દ્વારા 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુધી તેની મુદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફિલ્ડ ઇનપુટ્સ
ચંદીગઢ: વરિષ્ઠ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો સાથે વિગતવાર ચર્ચા કર્યા પછી, ચંદીગઢના પ્રશાસને 30-06-2020 સુધી એટલે કે લૉકડાઉનના સમયગાળાના અંત સુધી અહીં દર્શાવ્યા મુજબ નિર્ણયો લીધા છે: (a) CTU દ્વારા આંતર રાજ્ય બસોનું પરિચાલન કરવામાં આવશે નહીં; (b) ચંદીગઢમાં અન્ય રાજ્યોમાંથી મુસાફરોને લાવવા માટે અગાઉ આંતર રાજ્યોની બસોને આપવામાં આવેલી મંજૂરી પાછી ખેંચવામાં આવશે; (c) ચંદીગઢ, પંજાબ અને હરિયાણા દ્વારા ચલાવવામાં આવતી ત્રિ-શહેરી બસોનું પરિચાલન ચાલુ રહેશે; (d) ટ્રેનો દ્વારા ચંદીગઢ આવતા તમામ મુસાફરોના આગમન સમયે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને 14 દિવસ સુધી સેલ્ફ ક્વૉરેન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવશે. તેમણે ફરજિયાત આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને સેલ્ફ મોનિટરિંગ પણ કરવું પડશે. કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રશાસન શક્ય હોય તે પ્રકારે અનિશ્ચિત ધોરણે તપાસ કરશે. (e) આવી જ વ્યવસ્થા સ્થાનિક ફ્લાઇટ્સ અને જમીન માર્ગે આવી રહેલા મુસાફરોને પણ લાગુ પડશે. (f) એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જમીન માર્ગે ચંદીગઢ આવી રહેલા લોકોએ ફરજિયાતપણે સેલ્ફ-જનરેટેડ દસ્તાવેજ પોતાની સાથે રાખવો પડશે જે પ્રશાસનની વેબસાઇટ પરથી મોબાઇલ ફોન દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. આનાથી પ્રશાસનને તેમની મુસાફરી અને નિવાસ અંગે માહિતી ટ્રેક કરવામાં મદદ મળશે. એ બાબતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ દસ્તાવેજ મંજૂરી અથવા પાસ તરીકે ઉપયોગમાં લઇ શકાશે નહીં. તે માત્ર સત્તાવાર નોંધ માટેનો એક મુસાફરીનો દસ્તાવેજ છે. (g) સરકારી/ PSU/ ખાનગી કંપનીના કર્મચારીઓને ઓળખકાર્ડ બતાવ્યા પછી ઓફીસે તેમજ ફરજ પર જવાની મંજૂરી આપવામાં આવશે.
પંજાબ: કોવિડ-19ના સામુદાયિક ચેપ ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે પોતાની રીતે પ્રથમ વખત જ કહી શકાય તેવી પહેલ રૂપે પંજાબના મુખ્યમંત્રીએ મોબાઇલ આધારિત એપ્લિકેશન ‘ઘર ઘર કી નિગરાની’ શરૂ કરી છે, જેની મદદથી આ મહામારી સંપૂર્ણ નાબૂદ થાય ત્યાં સુધી રાજ્યમાં ઘરે ઘરે સર્વેલન્સ થઇ શકશે. સમગ્ર પંજાબમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વસતા 30 વર્ષથી વધુ ઉંમરના લોકોનો આ કવાયતના ભાગરૂપે સર્વે કરવામાં આવશે તેમજ સહ-બીમારી ધરાવતા અથવા ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી/ શ્વાસ લેવામાં તીવ્ર સમસ્યા જેવી તકલીફો ધરાવતા 30 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ સમાવી લેવામાં આવશે. આ સર્વેમાં દરેક વ્યક્તિની અગાઉના એક અઠવાડિયાની તબીબી સ્થિતિની માહિતી મેળવવામાં આવશે અને તેની/તેણીની સહ-બીમારીની માહિતી પણ એકત્ર કરવામાં આવશે જેનાથી રાજ્યને અત્યંત મહત્વનો ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે જેથી તેઓ કોવિડ નિયંત્રણ માટે આગળની વ્યૂહરચના ઘડી શકશે અને સામુદાયિક ધોરણે લક્ષિત હસ્તક્ષેપો કરી શકશે.
હરિયાણા: હરિયાણાના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, રાજ્ય કોરોના વાયરસ કટોકટીના કારણે ઉભી થઇ રહેલી તમામ વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, આ વૈશ્વિક મહામારીનો ફેલાવો નાબૂદ કરવા માટે અગાઉથી જ અસરકારક રીતે વ્યૂહરચના અમલમાં મુકવામાં આવી છે. મુખ્ય સચિવે નાયબ કમિશનરો અને કોવિડ-19 માટે નિયુક્ત કરવામાં આવેલા નોડલ અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા કે, કોવિડ-19ના વ્યવસ્થાપનની તૈયારીઓ વધુ ઝડપી કરે અને સાથે સાથે સઘન સર્વેલન્સ, સખત કન્ટેઇન્મેન્ટ, ઝડપથી સંપર્કોનું ટ્રેસિંગ, તબીબી વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન અને સક્રિયપણે IEC પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, માસ્ક પહેરવું અને સામાજિક અંતરના માપદંડોનું પાલન પણ ફરજિયાત કરવામાં આવે તેને પુરા જુસ્સા સાથે અમલમાં મુકવામાં આવે. મુખ્ય સચિવે વધુમાં નાયબ કમિશનરોને એવા પણ નિર્દેશો આપ્યા હતા કે, ગંભીર તીવ્ર શ્વસન ચેપની સમસ્યાઓ અથવા ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી હોય તેવા દર્દીઓ પર સાવચેતીપૂર્વક દેખરેખ રાખવામાં આવે જેથી કોવિડના છુપા ચેપ ધરાવતા દર્દીઓને પ્રારંભિક તબક્કે જ ઓળખી શકાય અને સમયસર કન્ટેઇન્મેન્ટની કામગીરી થઇ શકે.
મહારાષ્ટ્ર: રાજ્યમાં શુક્રવારે કોવિડ-19 ચેપગ્રસ્ત વધુ 3,493 દર્દીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત પોઝિટીવ દર્દીઓની સંખ્યા એક લાખનો આંકડો પાર કરીને 1,01,141 સુધી પહોંચી ગઇ છે. આમાંથી 49,616 દર્દી હાલમાં પોઝિટીવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,717 લોકો કોરોનાની બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે. રાજ્યના હોટસ્પોટ મુંબઇ શહેરમાં જ કોરોના વાયરસના કુલ 55,451 પોઝિટીવ કેસ નોંધાયા છે અને 2,044 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે ખાનગી લેબોરેટરીમાં કોવિડ-19 પરીક્ષણ (RT-PCR) માટે મહત્તમ રૂપિયા 2,200 ચાર્જ નિર્ધારિત કર્યો છે જે અગાઉ રૂ. 4,400 હતો.
ગુજરાત: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 495 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસનો આંકડો 22,562 થઇ ગયો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં રચાયેલી છ સભ્યોની આર્થિક પુનરોત્થાન સમિતિએ તેમનો અંતિમ અહેવાલ સોંપી દીધો છે જેમાં 231 સુચનો આપવામાં આવ્યા છે. આ સુચનો ખાસ કરીને કોવિડ-19 મહામારી પછીના તબક્કામાં રાજ્યમાં આર્થિક પુનરોત્થાન માટે લાંબાગાળા અને ટુંકાગાળાની વ્યૂહરચનાઓને કેન્દ્ર સ્થાને રાખીને આપવામાં આવ્યા છે.
રાજસ્થાન: રાજસ્થાનમાં આજે સવાર સુધીમાં કોવિડ-19ના નવા 118 કેસ નોંધાયા છે જેથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 12,186 થઇ ગઇ છે. તેમાંથી 275 દર્દીઓના મૃત્યુ થયા છે જ્યારે 9175 દર્દીઓ આ બીમારીથી સાજા થઇ ગયા છે જ્યારે 8784 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. મોટાભાગના નવા નોંધાયેલા કેસો ભરતપુર અને પાલી જિલ્લાના છે જ્યારે તે પછી સૌથી વધુ કેસો જયપુરમાંથી નોંધાયા છે.
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના વધુ 202 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 10,443 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે નવ દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે જેથી રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક 440 સુધી પહોંચી ગયો છે. 31 મેના રોજ લૉકડાઉનના પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં 2354 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે અને આ સમયમાં 90 દર્દીઓ કોરોનાની બીમારીમાં મૃત્યુ પામ્યા છે.
છત્તીસગઢ: રાજ્યમાં કોવિડ-19ના નવા 47 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં કોરોના વાયરસથી નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1445 થઇ ગઇ છે.
અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં, “વોકલ ફોર લોકલ”ને પ્રોત્સાહન આપવા માટે તવાંગના જિલ્લા સ્થાનિક ઉત્પાદનો (DDP)ની કામગીરી અંગે ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત અરુણાચલ પ્રદેશને મે અને જૂન મહિના માટે વિસ્થાપિત લોકોમાં વિતરણ કરવા 35 મેટ્રિક ટન આખા ચણા આપવામાં આવ્યા છે.
આસામ: આસામમાં કોવિડ-19ના વધુ 25 કેસોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આમ, રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 3718 થઇ ગઇ છે જેમાંથી હાલમાં સક્રિય કેસની સંખ્યા 2123 છે. અત્યાર સુધીમાં 1584 દર્દી સાજા થયા છે અને 8 દર્દીઓ આ બીમારીથી મૃત્યુ પામ્યા છે.
મણીપૂર: મૈતીરામ ખાતે UNACCO સ્કૂલમાં નવા કોવિડ સંભાળ કેન્દ્રનું નિરીક્ષણ કરતી વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોવિડ-19ની બીમારી ફેલાવા પાછળ શિસ્તનો અભાવ સૌથી મોટું જવાબદાર કારણ છે.
મિઝોરમ: મિઝોરમ રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ચેકવાન ગામના ગ્રામ્ય સંગઠને સમગ્ર સેરછીપ જિલ્લામાં ક્વૉરેન્ટાઇન કેન્દ્રોને દાન માટે વિવિધ પ્રકારના શાકભાજીનો જથ્થો સેરછીપ જિલ્લાના નાયબ કમિશનરને સોંપ્યો હતો.
નાગાલેન્ડ: નાગાલેન્ડ કૃષિ વિભાગ રાજ્યના દરેક જિલ્લામાં એક ગામને મોડલ ખેતીવાડી ગામ તરીકે અપનાવશે જેથી કોવિડ-19 પછીની સ્થિતિમાં કૃષિ ઉત્પાદનને વધુ વેગ આપી શકાય. નાગાલેન્ડમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્યમાં મહામારીના સમય દરમિયાન લોકોની એકંદરે માનસિક સ્થિતિ અને સુખાકારીનું આકલન કરવા માટે ઑનલાઇન સર્વે તૈયાર કર્યો છે.
સિક્કિમ: સિક્કિમમાં નોંધાયેલા કોવિડ-19ના પ્રથમ બે કેસ STNM હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા તેઓ હવે સંપૂર્ણ સાજા થઇ ગયા હોવાથી, આજે હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.
કેરળ: કેરળમાં, રવિવારે લૉકડાઉનના માપદંડોમાં થોડી છુટછાટો આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 20 જૂનથી ચાર્ટર વિમાનો દ્વારા વિદેશથી પરત આવી રહેલા લોકો માટે કોવિડ-19નું પ્રમાણપત્ર રાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. પરીક્ષણનો રિપોર્ટ મુસાફરીના 48 કલાકમાં તૈયાર થઇ જવો જોઇએ. વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને રાજ્ય સરકારના આ પગલાંને અવ્યવહારુ ગણાવ્યું છે. વધુ આઠ કેરળવાસીઓ જેમાંથી અખાતી દેશોમાં પાંચ, દિલ્હીમાં બે અને મુંબઇમાં એક, કોવિડ-19ના કારણે રાજ્યની બહારના વિસ્તારોમાં મૃત્યુ પામ્યા છે. આ સાથે રાજ્યની બહાર કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા કેરળવાસીઓની સંખ્યા વધીને 220 થઇ ગઇ છે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 78 કેસ પોઝિટીવ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં વિવિધ જિલ્લામાં 1,303 દર્દીઓ સારવાર હેઠળ છે અને 2,27,402 લોકો દેખરેખ હેઠળ છે.
તામિલનાડુ: પુડુચેરીમાં કોવિડ-19ના નવા 13 કેસ નોંધાયા છે જેમાંથી પાંચ દર્દીઓ એક જ કંપનીના હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે, અહીં કુલ કેસની સંખ્યા 176 થઇ ગઇ છે જેમાંથી 91 કેસ હાલમાં સક્રિય છે અને 82 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે જ્યારે ત્રણ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તામિલનાડુમાં બીજા ધારાસભ્યનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આ વખતે AIADMKના સભ્યનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે; અગાઉ આ અઠવાડિયે DMKના ધારાસભ્ય જે. અંબાઝગન કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા હતા. ગઇકાલે રાજ્યમાં 1982 નવા કેસ નોંધાયા હતા જ્યારે 1342 દર્દીઓ સાજા થયા હતા અને 18 વ્યક્તિનાં મરણ નીપજ્યાં હતાં. ચેન્નઇમાં કુલ 1477 નવા કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. રાજ્યમાં ગઇકાલ સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 40698, સક્રિય કેસ: 18281, મૃત્યુ થયા: 367, ચેન્નઇમાં સક્રિય કેસ: 13906.
કર્ણાટક: રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ડૉ. કે. સુધાકરે જણાવ્યું હતું કે, રાજ્યમાં પરીક્ષણની પ્રક્રિયા સુવ્યવસ્થિત કરવામાં આવી છે, પરીક્ષણોમાં કોઇ વિલંબ થઇ રહ્યો નથી અને શંકાસ્પદ કેસોનું પરીક્ષણ ICMRના પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી રહ્યું છે. ઓછામાં ઓછા ત્રણ લાખ લોકો, કે જેઓ પર્યટન ક્ષેત્ર પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આજીવિકા માટે નિર્ભર છે તેઓ કોવિડ-19 મહામારીના કારણે તેમની નોકરી ગુમાવે તેવી શક્યતા છે. રાજ્યમાં ગઇકાલે 271 નવા કોવિડ-19ના કેસ નોંધાયા હતા જ્યારે 464 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી અને સાત દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસ: 6516, સક્રિય કેસ: 2995, મૃત્યુ થયા: 79, સાજા થયા: 3440.
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 14,477 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 186 નવા કેસો પોઝિટીવ નોંધાયા છે જ્યારે 42 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી અને બે વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામી હતી. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ: 4588. સક્રિય કેસ: 1865, સાજા થયા: 2641, મૃત્યુ પામ્યા: 82.
તેલંગાણા: રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરૂ કરવા અંગે અનિશ્ચિતતાઓ હોવ છતાં, કેટલીક ખાનગી શાળાઓએ તેમના વર્ચ્યુઅલ વર્ગો શરૂ કરી દીધા છે જ્યારે કેટલીક શાળાઓ સોમવારથી વર્ચ્યુઅલ વર્ગો શરૂ કરવાના આયોજનમાં છે. તેલંગાણા સરકારે રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉનના અમલની અફવાઓનું ખંડન કર્યું હતું કારણ કે, તેલંગાણાના લોકો, ખાસ કરીને હૈદરાબાદના લોકોમાં એવી અફવાઓથી ચિંતા ઉભી થઇ હતી કે રાજ્યમાં ફરીવાર સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેલંગાણામાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 4484 થઇ ગઇ છે. વારાંગલ જિલ્લામાં સત્તારૂઢ પક્ષના ધારાસભ્યને કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવતા રાજ્યમાં તેઓ કોરોનાથી ચેપગ્રસ્ત થયેલા તેઓ પ્રથમ ધારાસભ્ય છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 2032 છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 174 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. થોંગલોઉન સિસોઉલીથ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. થોંગલોઉન સિસોઉલીથ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ વૈશ્વિક કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા આરોગ્ય અને આર્થિક પડકારો બાબતે પોતાના મંતવ્યો એકબીજાને જણાવ્યા હતા. લાઓમાં આ મહામારીને નિયંત્રણમાં રાખવા માટે લાઓ PDRની સરકારે લીધેલા અસરકારક પગલાંઓની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. બંને નેતાઓ એ વાતે સંમત થયા હતા કે, કોવિડ પછીની દુનિયામાં પરિસ્થિતિ અનુસાર સજ્જ થવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ અને એકબીજાના શ્રેષ્ઠ આચરણો તેમજ અનુભવોનું આદાનપ્રદાન કરવું જરૂરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિઆના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. જ્હોન પોમ્બે જોસેફ મગુફુલી સાથે ટેલીફોન પર ચર્ચા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિઆના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. જ્હોન પોમ્બે જોસેફ મગુફુલી સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ જુલાઇ 2016માં દાર-એ-સલામ ખાતેની પોતાની મુલાકાતના સ્મરણો ઉષ્માભેર તાજા કર્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, તાન્ઝાનિયા સાથે પરંપરાગત મૈત્રીનું બંધન ભારત માટે ખૂબ જ મહત્વનું છે. તાન્ઝાનિયામાં રહેતા ભારતીય નાગરિકોને કોવિડ-19 મહામારીની સ્થિતિમાં વતન પરત લાવવા માટે તાન્ઝાનિયાની સરકારે મદદ કરી તે બદલ પ્રધાનમંત્રીએ ડૉ. મગુફુલીનો આભાર વ્યક્ત કર્યો હતો.