કોવિડ-19નું ભારતનું દૈનિક બુલેટીન

Date: 18.5.2020

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ

અત્યારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા 56,316 છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના કુલ 36,824 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,715 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. અત્યારે દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર 38.29% નોંધાયો છે. ભારતમાં પ્રત્યેક એક લાખની વસ્તીઓ પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની સંખ્યા અત્યારે અંદાજે 7.1 કેસ છે જ્યારે સમગ્ર દુનિયાની વસ્તીની સપ્રમાણતામાં આ આંકડો 60 કેસનો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 17.05.2020ના રોજ રાજ્યોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનનું વર્ગીકરણ કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા અનુસાર રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, રેડ, ઓરેન્જ અથવા ગ્રીન ઝોનમાં જિલ્લા/ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા વોરન્ટેડ સબડિવિઝન/ વોર્ડ અથવા અન્ય કોઇપણ વહીવટી એકમ તેમના ફિલ્ડ મૂલ્યાંકનના આધારે રેડ, ઓરેન્જ અથવા ગ્રીન ઝોનમાં મૂકવામાં આવે.

આ કામગીરી સ્થાનિક સ્તરે બહુ પરિમાણીય વિશ્લેષણ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા માપદંડોના સંયોજનના આધારે કરવાની રહેશે. આ માપદંડો કુલ સક્રિય કેસો, પ્રત્યેક એક લાખની વસ્તીએ સક્રિય કેસોની સંખ્યા, કેસો બમણા થવાનો દર (7 દિવસના સમયગાળાના આધારે ગણતરી કરવાની રહેશે), કેસોનો મૃત્યુદર, પરીક્ષણનો ગુણોત્તર અને પરીક્ષણોની પુષ્ટિ વગેરે વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યોને સાવચેતીપૂર્વક કન્ટેઇન્મેન્ટ ઝોન અને બફર ઝોન નક્કી કરવાનું પણ કહેવામાં આવ્યું છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, તેમણે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કન્ટેઇન્મેન્ટ પ્લાનનો અમલ કરવાનો રહેશે. વધુમાં, દરેક કન્ટેઇન્મેન્ટ ઝોનની આસપાસ, બફર ઝોન નક્કી કરવાનો રહેશે જેથી આસપાસના વિસ્તારોમાં વાયરસનો ચેપ ફેલાય નહીં. બફર ઝોનમાં આરોગ્ય સુવિધાઓમાં આવતા ILI/SARIના કેસો પર સઘન દેખરેખ માટે સંકલન કરવાનું રહેશે.

લૉકડાઉન તા.31 મે, 2020 સુધી લંબાવવામાં આવ્યું; રાજ્યોએ વિવિધ ઝોન અને તે ઝોનમાં મંજૂરી આપવામાં આવનારી પ્રવૃત્તિઓ નક્કી કરવાની રહેશે; કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓ સમગ્ર દેશમાં હજુ પણ પ્રતિબંધિત રહેશે.
તા.24 માર્ચ, 2020થી અમલમાં મૂકવામાં આવેલા લૉકડાઉનના પગલાંને કારણે કોરોના વાયરસ મહામારીને નિયંત્રીત કરવામાં નોંધપાત્ર સહાય થઈ છે. આથી લૉકડાઉનને તા.31 મે, 2020 સુધી વધુ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવી માર્ગરેખાઓ મુજબ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને હવે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા વિવિધ માપદંડ મુજબ રેડ, ગ્રીન અને ઓરેન્જ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આ ઝોનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશે નિર્ણય લીધા મુજબ જીલ્લો અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા મ્યુનિસિપાલિટી અથવા તો સબ ડિવીઝન જેવું નાનું એકમ પણ હોઈ શકે છે. રેડ અથવા તો ઓરેન્જ ઝોનમાં કન્ટેઈન્મેન્ટ અને બફર ઝોન જીલ્લા વહિવટી તંત્ર અથવા તો સ્થાનિક શહેરી સત્તા તંત્ર દ્વારા સ્થાનિક સ્તરેથી મળેલી માહિતી અને આરોગ્ય મંત્રાલયની માર્ગરેખાઓ મુજબ જાહેર કરવામાં આવશે. કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર માત્ર આવશ્યક ચીજો અને સર્વિસીસનો પૂરવઠાને મંજૂરી આપવામાં આવશે. કેટલીક મર્યાદિત સંખ્યામાં ચોક્કસ પ્રવૃત્તિઓ પર સમગ્ર દેશમાં પ્રતિબંધનો અમલ ચાલુ રહેશે. સાંજના 7 થી સવારના 7 સુધી તમામ બિન આવશ્યક પ્રવૃત્તિઓ માટે નાઈટ કર્ફ્યુનો અમલ ચાલુ રહેશે અને વ્યક્તિઓ અવરજવર કરી શકશે નહીં.

લૉકડાઉન 4.0 – રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા હળવી નહીં કરી શકે, સ્થાનિક સ્તરે આકલન અને આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા પછી માત્ર તેને વધુ સખત બનાવી શકશે: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 17.05.2020ના રોજ કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે લૉકડાઉનના પ્રતિબંધો સંદર્ભે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હવે 31.05.2020 સુધી લૉકડાઉનની મુદત લંબાવવામાં આવી હોવાથી, પ્રતિબંધોમાં વ્યાપક છુટછાટો આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સમક્ષ પુનરોચ્ચાર કર્યો હતો કે, સુધારેલી માર્ગદર્શિકામાં લૉકડાઉનના પ્રતિબંધોમાં વ્યાપક છુટછાટો આપવામાં આવી હોવા છતાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો અમલ હળવો નહીં કરી શકે અને તેમાં છુટછાટોમાં વધારી નહીં શકે. તેઓ પરિસ્થિતિનું પાયાના સ્તરે વિશ્લેષણ કર્યા પછી જો જરૂર જણાય તો આ પ્રતિબંધોના અમલમાં વધુ સખતાઇ લાવી શકે છે અને અન્ય કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી શકે છે.

કેન્દ્રીય HRD મંત્રીએ CBSEમાં ધોરણ 10 અને 12માં બાકી રહે ગયેલી પરીક્ષાઓની તારીખો જાહેર કરી
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ આજે નવી દિલ્હીમાં CBSEમાં ધોરણ 10 અને 12માં બાકી રહેલી પરીક્ષાઓ માટે તારીખો જાહેર કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ધોરણ 10ની પરીક્ષાઓ માત્ર ઉત્તર, પૂર્વ દિલ્હી માટે જ લેવામાં આવશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ ઉત્તર-પૂર્વ દિલ્હી સહિત સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે લેવામાં આવશે. તમામ પરીક્ષાઓ માટે સમય સવારે 10:30થી બપોરે 1:30 સુધીનો રહેશે.

“એક રાષ્ટ્ર, એક ડિજિટલ પ્લેટફોર્મ” અને “એક વર્ગ, એક ચેનલ”થી દેશમાં છેવાડાના ખૂણામાં રહેલા વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત થઇ શકશે: HRD મંત્રી
કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે શિક્ષણક્ષેત્રને વેગ આપવા માટે 17 મે 2020ના રોજ નવી દિલ્હીમાં કેટલીક પહેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંકે’ જણાવ્યું હતું કે, “એક રાષ્ટ્ર, એક ડિજિટલ પ્લેટફોર્મ” અને “એક વર્ગ, એક ચેનલ”ના કારણે દેશના છેવાડાના ખૂણામાં રહેલા વિદ્યાર્થી સુધી ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પહોંચાડવાનું સુનશ્ચિત કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલોથી શિક્ષણમાં ઍક્સેસ અને ઇક્વિટી વધશે અને આવનારા સમયમાં એકંદરે પ્રવેશનો રેશિયો પણ સુધરશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, દિવ્યાંગ બાળકો પર પણ અત્યારે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આ પગલાંઓ નવા ભારતના નિર્માણમાં એક નવા પરિવર્તનનું દૃષ્ટાંત બની જશે.

નવા આર્થિક સુધારાથી ભારતની અવકાશ અને અણુ ક્ષમતાઓને પૂર્ણ સંભાવનાઓ સાથે આગળ વધવા માટે અનન્ય તક પૂરી પાડશે: ડૉ. જીતેન્દ્રસિંહ
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કોવિડ-19 મહામારીના પગલે દેશમાં આર્થિક વેગ આપવા માટે રૂપિયા 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેનાથી અન્ય બાબતોની સાથે સાથે, મેડિકલ આઇસોટોપનો ઉપયોગ કરીને કેન્સરની સારવાર પરવડે તેવા દરે શક્ય બનશે અને અણુ ઉર્જા વિભાગ (DAE)ના નેજા હેઠળ PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસીપેશન) મોડ દ્વારા વિશેષ રીએક્ટર સ્થાપવાની પણ તેમાં પરિકલ્પના કરવામાં આવી છે.

કોવિડ-19ને નાથવા માટે ભારતના પ્રયાસો વધારવા માટે TDB ટેકનોલોજીને મંજૂરી આપી
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)નું વૈધાનિક સંગઠન ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (TDB) કોવિડ-19 મહામારીનો ફેલાવો રોકવા અને તેના નિરાકરણ માટે વૈજ્ઞાનિકો ટેકનોલોજીસ્ટ્સ, ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગપતિઓને ટેકનોલોજીના વ્યાપારીકરણ માટે આર્થિક સહકાર આપીને તેમના પ્રયાસોમાં સક્રિયપણે મદદ કરે છે. વધુમાં, TDB અત્યારે સમગ્ર દુનિયા જેનો સામનો કરી રહી છે તે આરોગ્ય સંભાળની કટોકટીને અંકુશમાં લેવા માટે દેશના પ્રયાસોમાં સહકાર આપવા માટે નવતર ઉકેલો મેળવવાનું કામ પણ કરે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, TDBએ પોતાની મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા, વિવિધ ક્ષેત્રો અંતર્ગત મોટી સંખ્યામાં અરજીઓની પ્રક્રિયા કરી છે. અત્યાર સુધીમાં, TDB દ્વારા છ પ્રોજેક્ટને વ્યાપારીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં થર્મલ સ્કૅનર, તબીબી ઉપકરણો, માસ્ક અને નિદાનાત્મક કીટ્સનો પણ સમાવેશ થાય છે.

ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ કોરોનાના બોધપાઠમાંથી જીવન જીવવાની નવી રીતો શીખવા આહ્વાન કર્યું
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુએ કોરોનાના સમયમાં જીવન જીવવાની નવી રીતો શીખવાની અને અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અત્યાર સુધીમાં કોરોના મહામારીએ શીખવેલા બોધપાઠમાંથી આ વાયરસ સામે લડીને નવું સામાન્ય જીવન જીવવા માટે તેમણે 12 મુદ્દાનું માળખું સુચવ્યું હતું. આ વાયરસ અપેક્ષા કરતા વધુ સમય સુધી રહેશે તેવી અવધારણાઓ વચ્ચે તેમણે જીવન અને માનવજાત પ્રત્યે નવો દૃષ્ટિકોણ અપનાવવા પર ભાર મૂક્યો હતો.

પર્યટન મંત્રાલયે “દેખો અપના દેશ” શ્રેણી અંતર્ગત “ઉત્તરાખંડ સિમ્પલી હેવન” શીર્ષક સાથે 20મા વેબિનારનું આયોજન કર્યું

ફિલ્ડ  ઇનપુટ્સ

પંજાબ: પંજાબ સરકારે ખાનગી શાળાઓને સલાહ આપી છે કે જેમણે વર્ષ 2019-20માં વધુ ફી લીધી છે તેઓ વર્ષ 2020-21 માટે ફીમાં કોઇ વધારો ન કરે. આ સંબંધે, રાજ્યમાં તમામ ખાનગી, અનુદાન વગરની શાળાઓના મેનેજમેન્ટ/ આચાર્યોને ટાંકીને પત્ર લખવામાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસમાં દૈનિક ધોરણે નવા કેસોની વૃદ્ધિનો આંકડો ઓછો થયો હોવાથી, પંજાબના મુખ્યમંત્રીએ રાજ્યમાં કર્ફ્યૂના બદલે લૉકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરી છે. તેમણે 18 મેથી મર્યાદિત પ્રમાણમાં જાહેર પરિવહન અને રાજ્યમાં શક્ય એટલા વધારે પ્રમાણમાં નોન-કન્ટેઇન્મેન્ટ ઝોનમાં છુટછાટો આપવાના સંકેત આપ્યા હતા.
હરિયાણા: હરિયાણના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રૂપિયા 20 લાખ કરોડના આર્થિક પેકેજ અંતર્ગત કેન્દ્રી નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે છેલ્લા તબક્કામાં કરેલી જાહેરાતોને આવકારી હતી અને વર્ષ 2020-21માં કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદનના 3 ટકાના બદલે 5 ટકા સુધી ધિરાણ લેવાની મર્યાદા વધારવા બદલ ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી, કારણ કે આનાથી રાજ્યોને વધારાના સંસાધનો પ્રાપ્ત થશે. આ નિર્ણય ચોક્કસપણે હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને મોટો વેગ આપશે અને કોવિડ-19ના કારણે અસરગ્રસ્ત વિવિધ ક્ષેત્રોને તેમના નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવામાં ખૂબ જ મોટી મદદ કરશે.
હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા પાંચમા તબક્કામાં કરવામાં આવેલી વિવિધ જાહેરાતોને યોગ્ય ગણાવી હતી. વર્ષ 2020-21 માટે મનરેગા અંતર્ગત અંદાજપત્રીય ફાળવણીની અત્યારે રૂપિયા 61,000 કરોડની જોગવાઇ છે તેમાં રૂપિયા 40,000 કરોડની ફાળવણી વધારવાના નિર્ણયને આવકારતી વખતે તેમણે કહ્યું હતું કે, આનાથી લાંબાગાળે લોકોને રોજગારી આપવાનું વધુ સુનિશ્ચિત થશે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે. મુખ્યમંત્રીએ GSDPના ત્રણ ટકાના બદલે 5 ટકા સુધી ધિરાણ લેવાની મર્યાદા વધારવા માટે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને પણ આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આમ કરવાથી રાજ્યો પાસે તેમના પોતાના સંસાધનોનું સર્જન થશે.
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં માત્ર એક જ દિવસમાં કોવિડ-19ના વધુ 2,347 કેસ પોઝિટીવ નોંધાયા છે જેના કારણે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો વધીને 33,053 થઇ ગયો છે. તાજેતરના અહેવાલો અનુસાર અત્યારે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 24,161 છે જ્યારે આજદિન સુધીમાં 7688 દર્દી સાજા થયા છે. બેસ્ટ કર્મચારી એક્શન સમિતિએ ડ્રાઇવરો, પરિવહન આવશ્યક સેવાના કાર્યદળોને અપૂરતા પ્રમાણમાં સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. બેસ્ટના વહીવટીતંત્રએ દાવો કર્યો હતો કે, આ વિરોધના કારણે માર્ગ પરિવહન પર કોઇ વિપરિત અસર પડશે નહીં કારણ કે રાજ્ય પરિવહનની બસો હજુ પણ ચાલી રહી છે. દરમિયાન, નવી મુંબઇમાં આજથી APMC બજાર ફરી ખોલવામાં આવ્યું છે. કોવિડ-19ના પોઝિટીવ કેસોની સખ્યામાં નોંધપાત્ર વધારો થતા ગયા સોમવારથી તેને બંધ કરવામાં આવ્યું હતું.
ગુજરાત: રાજ્યમા કોવિડ-19ના વધુ 391 કેસો પોઝિટીવ હોવાનું સામે આવતા કુલ પોઝિટીવ કેસોનો આંકડો વધીને 11,379 થઇ ગયો છે. આજદિન સુધીમાં કુલ 4499 દર્દીઓ કોરોના વાયરસની બીમારીથી સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે, દર્દીઓના સાજા થવાનો દર પણ સુધરીને 39.53 ટકા થયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો, DDO અને વિવિધ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરીને રાજ્યમાં કન્ટેઇન્મેન્ટ ઝોન અને નોન-કન્ટેઇન્મેન્ટ ઝોનની સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી.
રાજસ્થાન: આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં કોવિડ-19ના વધુ 173 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જેથી રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોનો આંકડો વધીને 5375 થયો છે. ડુંગરપુરમાં આજે નવા 64 કેસો પોઝિટીવ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3072 દર્દીઓ સાજા થયા છે જ્યારે 2718 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
મધ્યપ્રદેશ: રાજ્યમાં કોવિડ-19ના વધુ 187 કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 4977 થઇ છે. અત્યાર સુધીમાં કુલ 2403 દર્દીઓ આ બીમારીથી સાજા થઇ ગયા છે. છેલ્લા અહેવાલો અનુસાર રાજ્યમાં અત્યારે કોવિડ-19ના 2326 સક્રિય કેસો છે.
ગોવા: રાજ્યમા ગઇકાલે કોવિડ-19ના વધુ 9 પોઝિટીવ કેસો નોંધાયા છે જેથી ગોવામાં કોવિડ-19 કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 22 થઇ છે. કોવિડ-19ના આ દર્દીઓમાંથી 8 વ્યક્તિઓ મહારાષ્ટ્રથી જમીનમાર્ગે ગોવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિ કર્ણાટકથી જમીનમાર્ગે ગોવામાં આવી છે. આ તમામ દર્દીઓને ESI હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે.
છત્તીસગઢ: છત્તીસગઢમાં કોવિડ-19ના વધુ 19 કેસ નોંધાતા રાજ્યમાં કુલ કોવિડ પોઝિટીવ કેસની સંખ્યા 86 થઇ ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
કેરળ: લૉકડાઉનના પ્રતિબંધોમાં થોડી છુટછાટ આપવામાં આવી: ટુંકા અંતરની બસ સેવાઓ અને ઓટો રીક્ષા રેડ ઝોન સિવાય સમગ્ર જિલ્લામાં ચલાવી શકાશે. આંતર જિલ્લા પરિવહન માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી પાસ લેવો પડશે. BEVCO બેવરેજ આઉટલેટ્સ, બારમાં વિશેષ કાઉન્ટર અને બીઅર તેમજ વાઇન પાર્લરો બુધવારથી રાજ્યમાં ખોલવામાં આવશે; દારુ ખરીદવા માટે અગાઉથી ટોકન લેવાનું રહેશે જે મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઇશ્યુ કરવામાં આવશે. બાકી રહેલી SSLC અને +2 રાજ્ય બોર્ડની પરીક્ષાઓ જૂન મહિનામાં લેવામાં આવશે. કોટ્ટાયમથી વિસ્થાપિત શ્રમિકો માટે પ્રથમ વિશેષ ટ્રેન આજે સાંજે પશ્ચિમ બંગાળ માટે રવાના થશે. અબુધાબી અને દોહાથી બે ફ્લાઇટ સાંજે આવશે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોવિડના 101 પોઝિટીવ કેસ થયા છે અને 23 હોટસ્પોટ ઓળખવામાં આવ્યા છે.
તામિલનાડુ: સરકારે જણાવ્યું હતું કે રાજ્યને ‘અમ્ફાન’ ચક્રાવાતથી કોઇ અસર નહીં પડે પરંતુ છતાંય ભારતીય હવામાન ખાતા સાથે મળીને પરિસ્થિતિ પર એકધારી નજર રાખવામાં આવે છે. રાજ્યમાં રવિવારે વધુ 639 કેસો નોંધાતા કોવિડ-19ના દર્દીઓનો આંકડો 11,000થી વધી ગયો હતો જ્યારે ચાર દર્દીઓના મરણ નીપજ્યાં હતાં. નવા ઉમેરાયેલા કેસોમાં 81 એવા લોકો છે જેઓ દેશના અલગ અલગ ભાગોમાંથી રાજ્યમાં પરત ફર્યા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 11,224 થઇ છે જેમાંથી 6,971 સક્રિય કેસ છે. આમાંથી માત્ર ચેન્નઇમાં 6750 સક્રિય કેસ છે.
કર્ણાટક: આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં વધુ 84 કોવિડ-19 પોઝિટીવ કેસો નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1231 થઇ છે જ્યારે 37 દર્દીના મોત નીપજ્યાં છે. કુલ 521 દર્દીઓ સાજા થયા છે અને 672 દર્દી અત્યારે સક્રિય છે. રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉનના પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરવામાં આવી છે: તમામ KSRTC અને BMTC બસો આવતીકાલથી 30% ક્ષમતા સાથે કાર્યરત થશે, ઓટો રીક્ષા અને કેબમાં બે મુસાફરો સાથે મંજૂરી આપવામાં આવશે, સલૂન ખોલી શકાશે અને બગીચા/ પાર્ક સવારે 7 થી 9 વાગ્યા સુધી તેમજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. મોલ અને જાહેર મેળાવડા સંબંધિત પ્રતિબંધો તેમજ રાત્રી કર્ફ્યૂનો અમલ હજુ પણ ચાલુ રહેશે.
આંધ્રપ્રદેશઃ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો બાદ રાજ્ય દ્વારા 31 મે સુધી લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે તથા રેડ ઝોનમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. 22 મેના રોજ MSMEને સહાયતા માટે રૂ. 904.89 કરોડના પેકેજનો પ્રથમ હપ્તો પૂરો પાડવામાં આવશે. છેલ્લા 24 કલાક દરમિયાન 52 નવા કેસો નોંધાયાં હતાં, જ્યારે એકપણ વ્યક્તિનું મરણ નીપજ્યું નહોતું અને 94 વ્યક્તિઓને રજા આપવામાં આવી હતી. અન્ય રાજ્યોમાંથી પાછા ફરેલા લોકોમાં નોંધાયેલા 150 પોઝિટીવ કેસો પૈકી 125 કેસો સક્રિય છે, જ્યારે સાજા થયેલા 2 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2,282 છે, જેમાંથી 705 કેસો સક્રિય છે, 1,527 લોકો સાજા થયા છે અને 50 લોકોના મરણ નીપજ્યાં છે. સૌથી વધારે પોઝિટીવ કેસો ધરાવતાં જિલ્લાઓમાં કુર્નૂલ (615), ગુંતૂર (615), ક્રિશ્ના (382)નો સમાવેશ થાય છે.
તેલંગણાઃ સરકારી હોસ્પિટલો ખાતે તમામ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે, જ્યારે ગાંધી હોસ્પિટલ, હૃદય હોસ્પિટલની કામગીરી નોડલ કોવિડ-19 કેન્દ્રો તરીકે ચાલુ રાખવામાં આવશે. માંચેરિયલ જિલ્લામાં વધુ 7 વિસ્થાપિતોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો અને મુંબઇથી પરત ફરેલા બે વ્યક્તિઓ રાજન્ના-સિરસિલ્લામાં આજે પોઝિટીવ નીકળ્યાં હતાં. આજે કુલ 9 વિસ્થાપિતો પોઝિટીવ નોંધાયાં હતાં. ગઇકાલ સુધી પોઝિટીવ કેસોની સંખ્યા 1,551 હતી.
અરૂણાચલ પ્રદેશઃ આજથી માત્ર આંતર જિલ્લા મુસાફરી માટે રાજ્ય પરિવહનની બસો દોડાવવામાં આવશે. માત્ર પચાસ ટકા બસો જ રોડ ઉપર ચાલશે.
આસામઃ આસામમાં મુંબઇથી પરત ફરેલો એક કોવિડ-19નો કેન્સરગ્રસ્ત દર્દી મૃત્યુ પામ્યો હતો. ગોલાઘાટ ખાતે વધુ બે લોકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં હતાં. કુલ કેસોનો સંખ્યા 104 છે, જેમાંથી 58 કેસો સક્રિય છે અને 3 લોકોના મરણ નીપજ્યાં છે.
મણીપૂરઃ મણીપૂરમાં સરકારી ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં 1,208 લોકોને રાખવામાં આવ્યાં છે, જ્યારે સમુદાય ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં રાખવામાં આવેલા લોકોની સંખ્યા 4,185 છે.
મેઘાલયઃ કોવિડ-19ના એકમાત્ર પોઝિટીવ કેસ ધરાવતાં દર્દી ઉપર બીજી વખત ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ જણાવ્યું હતું કે દર્દીને સાજો થયેલો જાહેર કરી શકાય છે.
મિઝોરમઃ સમગ્ર મિઝોરમમાં અત્યાર સુધી લૉકડાઉન/કર્ફ્યૂ ઉલ્લંઘનના 131 ઘટનાઓ સામે આવી છે. 19 FIR નોંધવામાં આવી છે અને 87 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નાગાલેન્ડઃ રાજ્ય સરકારે 18મી મે બાદ રાજ્યમાં પ્રવેશી રહેલા તમામ લોકો માટે 14 દિવસનો સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન અને ત્યારબાદ ફરજિયાત ઘરે ક્વૉરેન્ટાઇન રહેવાના આદેશો બહાર પાડ્યાં છે. આ કેન્દ્રો ઇદગાહ મદ્રેસા, જૈન ભવન, હિન્દુ મંદિર, સામુદાયિક હોલ, ગુરુદ્વારા આશ્રયાલય અને દુર્ગામંદિર આશ્રયાલયમાં ખોલાશે.
સિક્કિમઃ મુખ્યસચિવની આગેવાનીમાં દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા સિક્કિમના લોકોની બચાવ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે રાજ્ય ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી.
ત્રિપૂરાઃ ફસાયેલા નાગરિકો સાથે એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચેન્નાઇથી અગરતાલા આવી પહોંચી હતી. વધુ એક ટ્રેન આજે બેંગ્લોરથી અગરતાલા પહોંચે તેવી અપેક્ષા છે.