રક્ષા મંત્રાલયનો આદેશઃ ફિલ્મ કે વેબ સિરીઝમાં ક્યાંય પણ ભારતીય સેનાના સીન બતાવતા પહેલા મંજૂરી લેવી પડશે

રક્ષા મંત્રાલયને ભારતીય સેનાના જવાનો અને સૈન્ય વર્દીનું અપમાનજનક રીતે ફિલ્મમાં તથા વેબસીરીઝમાં બતાવવા બદલ અમુક ફરિયાદો મળી હતી. આ ફરિયાદ બાદ રક્ષા મંત્રાલયે આધિકારીક રીતે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણ બોર્ડ અને માહિતી ખાતા અને પ્રસારણ મંત્રાલયને કહ્યુ છે કે, ભારતીય સેના પર બનાવવામાં આવતી કોઈ પણ ડોક્યુમેન્ટ્રી, વેબ સિરીધના પ્રસારણ માટે પ્રોડક્શન હાઉસને રક્ષા મંત્રાલય પાસેથી NOC લેવાનું રહેશે. NOC વગર ભારતીય સેના પર બનાવેલી ફિલ્મો તથા તેનું પ્રસારણ થઈ શકશે નહીં.

કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ અને માહિતી ખાતા અને પ્રસારણ વિભાગને રક્ષા મંત્રાલય તરફથી એવુ કહેવાયુ છે કે, આ તમામ ઘટાનાઓને રોકવા માટે આવુ કરવામાં આવ્યુ છે. રક્ષા દળોની છબી ખરાબ થતી જોઈ રક્ષા કર્મીઓ અને દિગ્ગજોની ભાવનાને ઠેસ પહોંચી છે.

રક્ષા મંત્રાલયને મળેલી ફરિયાદોમાં કહેવાયુ છે કે, અમુક વેબ સિરીઝમાં સેનાને લઈ અપમાનજનક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. જે વાસ્તવિકતાથી ઘણા દૂર છે. ફક્ત એટલુ જ નહીં સેનાના જે સીન સિરીઝમાં બતાવવામાં આવ્યા છે, તેનાથી સશસ્ત્ર દળની છબી ખરાબ થઈ છે. જેને લઈ અમુક સંબંધિત નાગરિકો અને પૂર્વ સૈનિકોની ભાવનાને પણ ઠેસ પહોંચી છે.