100 વર્ષની વિદ્યાની સ્વતંત્રતા હણતી ભાજપની ભૂપેન્દ્ર પટેલની ભગવા સરકાર

અમદાવાદ

16 સપ્ટેમ્બર 2023માં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલને વિધાનસભામાં રજૂ કરાયુ હતુ અને કોંગ્રેસના ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો પણ ભાજપે ૧૫૬ ધારાસભ્યોની બહુમતીથી તેને પસાર કર્યુ હતુ.આ બિલ પસાર થતા જ હવે વડોદરાની 100 વર્ષ જૂની અને દેશને ગૌરવ અપાવનાર એમ.એસ.યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થઈ ગઈ છે.એમ.એસ.યુનિવર્સિટી હવે સરકારને સંપૂર્ણપણે આધીન રહેશે.

એમ.એસ.યુનિવર્સિટીના મોટાભાગના સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ આ બિલનો વિરોધ કરવાની હિંમત દાખવી નહોતી.જેઓ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા તે પૈકીના ટેકનોલોજી ફેકલ્ટીના રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીના કોંગ્રેસના સેનેટ સભ્યે આજના દિવસને એમ.એસ.યુનિવર્સિટી માટે કાળો દિવસ ગણાવ્યો છે.

એક ખુલ્લા પત્રમાં તેમણે કહ્યુ છે કે, ભાજપના શાસકોએ યુનિવર્સિટીને ગુલામીની બેડીઓમાં જકડી દીધી છે.વડોદરા શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યોએ પણ પોતાની માતૃ સંસ્થાને બચાવવા માટે કોઈ પ્રયત્ન કર્યા નહોતા અને બિલની તરફેણમાં સહી કરી હતી.ભાજપના ધારાસભ્યોએ વડોદરા વિરોધી કૃત્ય કર્યુ છે.તેઓ આ કાયદાના વિરોધમાં એક શબ્દ પણ ગૃહમાં પોલી શક્યા નહોતા.આ તમામ ધારાસભ્યો એક યા બીજી રીતે એમ.એસ.યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે.વડોદરાના લોકોએ 28 વર્ષથી ભાજપના નેતાઓને સતત જીતાડયા છે અને તેનો બદલો આ રીતે મળ્યો છે.

આ સેનેટ સભ્યનુ કહેવુ છે કે, યુનિવર્સિટીને બચાવી લેવા માટે હજી પણ જન જાગૃતિ ફેલાવીને બિલને લાગુ થતુ અટકાવવા માટે પ્રયત્ન કરાશે.

વડોદરાના વિદ્યાર્થીઓ માટે અનામત રહેતી ૭૦ ટકા બેઠકો છીનવાઈ જશે

ર્કોમન એકટ લાગુ થયા બાદ તેની શું અસરો પડશે તે અંગે શિક્ષણવિદોમાં ચર્ચાઓ ચાલી રહી છે.જેમ કે,

–સૌથી વધારે અસર વડોદરાના વિદ્યાર્થીઓ પર પડશે.અત્યારે કોમર્સ, સાયન્સ, આર્ટસ જેવા કોર્સમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે 70 ટકા બેઠકો અનામત રહેતી હતી.કોમન એકટના કારણે આ બેઠકો છીનવાઈ જશે અને આખા ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.વડોદરાના વિદ્યાર્થીઓને બીએ અને બીકોમ થવા માટે પણ હજારો રુપિયા ખર્ચીને બહારગામ જવાનો વારો આવશે.

–એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ ભૂતકાળ બની જશે.યુનિવર્સિટીમાં ચૂંટણીઓ લડીને ભૂતકાળમાં ઘણા વિદ્યાર્થી નેતાઓ ગુજરાતના દિગ્ગજ રાજકારણી બન્યા છે.

–વાઈસ ચાન્સેલરનુ એક હથ્થુ શાસન સ્થપાશે.કારણકે તમામ મહત્વની કમિટિઓમાં વાઈસ ચાન્સેલરને જ સભ્યો મુકવાની સત્તા અપાયેલી છે.

–શિસ્તના નામે અધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ વિરોધ પણ નહીં કરી શકે

–એમ.એસ.યુનિવર્સિટી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતા રાજ્યની એક માત્ર યુનિવર્સિટી છે.કોમન એકટમાં અધ્યાપકોની બદલીની જોગવાઈ છે તો યુનિવર્સિટીમાં અન્ય કોલેજોના અધ્યાપકોની બદલી કેવી રીતે શક્ય બનશે તે એક સવાલ છે.

–સેનેટ અને સિન્ડિકેટ પણ ભૂતકાળ બની જશે.યુનિવર્સિટીમાં લોકતાંત્રિક વાતાવરણ પણ નહીં રહે.

વર્તમાન સેનેટ અને સિન્ડિકેટ ક્યાં સુધી ચાલુ રહેશે તે અંગે અટકળો

યુનિવર્સિટીની વર્તમાન સેનેટ અને સિન્ડિકેટ ક્યાં સુધી ચાલુ રહેશે તે અંગે અટકળો થઈ રહી છે. એવુ મનાઈ રહ્યુ છે કે, કોમન એકટ પ્રમાણે યુનિવર્સિટીના માળખામાં જરુરી ફેરફાર કરવા માટે સરકાર યુનિવર્સિટીઓને સમય આપશે અને ત્યાં સુધી વર્તમાન વ્યવસ્થા ચાલુ રહેશે.યુનિવર્સિટીઓએ 6 મહિનામાં જરુરી ફેરફાર કરી લેવા પડશે.આમ સેનેટ અને સિન્ડિકેટ મહત્તમ 6 મહિના સુધી અસ્તિત્વમાં રહે તેવી શક્યતા છે.

ભાજપના ત્રણ દાયકા ના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ કર્યું, હવે બિલથી શિક્ષણનું સરકારીકરણ થશે: અમીત ચાવડા

પબ્લિક યુનિવર્સિટી બિલથી  ૧૧ યુનિવર્સિટીની શૈક્ષણિક સ્વાયત્તા, એકેડેમિક સ્વાયત્તા અને આર્થિક સ્વાયત્તા ખતમ થઈ જશે: અમીત ચાવડા

પબ્લિક યુનિવર્સિટી બિલ અંગે વિધાનસભામાં ચર્ચા કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ જણાવ્યું હતું, ભૂતકાળની આપણી શૈક્ષણિક પરંપરા, ભવ્યતા અને તેના કારણે જે જાહેર જીવનને મળ્યું, સમાજને મળ્યું આપણાં રાજય અને રાષ્ટ્રની જે પ્રગતિ થઇ તે બાબતની પણ ખૂબ વિસ્તૃત વાત કરીને એટલુ ચોક્કસ કહીશ કે ત્રણ દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે શિક્ષણનું ખાનગીકરણ થયુ, શિક્ષણનું વેપારીકરણ થયું અને હવે આપણે જે રીતે અલગ અલગ કાયદા બનાવીને શિક્ષણનું સરકારીકરણ કરવા જઈ રહ્યા છીએ.

આપણે શિક્ષણનો એક ઉચ્ચ વારસો છે તેને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે. ભાજપ સરકારે અનેક રીતે ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું છે. એકત્રીકરણ કરી અને સત્તાનું કેન્દ્રીયકરણ કરી અને જે યુનિવર્સિટીની ઓટોનોમી- સ્વાયત્તા છે તે ખતમ કરવા માટે જે બિલ લાવવામાં આવી રહ્યું છે.

ઓટોનોમી ખત્મ કરવાવાળી કેટલીક કલમો લીધી છે તેને આપણે દૂર પણ કરી શકયા હોત. અત્યારે જે 11 યુનિવર્સિટી છે તેમાંથી શૈક્ષણિક ઓટોનોમી ખતમ થઈ જશે. તેમની ફાયનાન્સિયલ ઓટોનોમી ખતમ થઇ જશે અને સાથે સાથે તેમની એકેડેમીક ઓટોનોમી છે તે પણ ખતમ થઇ જશે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મધ્ય ગુજરાતમાં શરૂ થઇ અને આજે આખા વિશ્વમાં તેની નામના છે.  વિવિધતા અને કોર્સીસની સ્વતંત્રતા છે તે ખતમ થઇ જશે. મોટી તરાપ મારવા બરાબર થઇ જશે.

કોલેજમાં કોઇ દીકરો કે દીકરી જાય ત્યારે તેનામાં જે સ્વતંત્રતા, એના વિચારો રજૂ કરવાની તેની અભિવ્યકિતની આઝાદી અને કંઇક નવું જોવાની, જાણવાની, શીખવાની અને કંઇ પણ ખોટું થતું હોય તો તેની સામે લડવાનો જે જોશ અને ઉત્સાહ હોય છે તે ધીમે- ધીમે કરીને તેમાંથી નેતા બહાર આવતા હતા તે બંધ થઈ જશે. વિદ્યાર્થી નેતાગીરી ખતમ થઈ જશે.

સેનેટ- સિન્ડિકેટની વ્યવસ્થા ખતમ થઇ જશે. સેનેટ- સિન્ડિકેટની વ્યવસ્થામાં અત્યાર સુધી વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ ચૂંટાઇને આવતાં, અધ્યાપકોના પ્રતિનિધિઓ ચૂંટાઇને આવતાં, ટીચિંગ- નોન ટીચિંગ સ્ટાફમાંથી અલગ- અલગ પ્રતિનિધિઓ આવતાં, આચાર્યના પ્રતિનિધિઓ પણ આવતાં અને સરકાર દ્વારા નોમિનેટ થતાં પ્રતિનિધિઓ પણ આવતાં. અભિવ્યક્તિ માટેની આઝાદી ખતમ થઈ જશે.

સેનેટ- સિન્ડિકેટની વ્યવસ્થા ખતમ કરવાના બદલે સરકાર દ્વારા માનીતા લોકોની બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિમણૂકની જે પદ્ધતિ છે તેમ થવાથી જે લડાયક લોકો છે તેમનું અસ્તિત્ત્વ ખતમ કરી નિમણૂક કરવામાં આવશે. તમામ નિમણૂક સરકાર દ્વારા કે કુલપતિ દ્વારા કરવામાં આવશે. તો લડવાવાળા અને બોલવાવાળા લોકો તો નહીં જ હોય. પણ કુલપતિના માનીતા કે તેમની હા માં હા કરનારા લોકોની નિમણૂક થશે.

સરકાર અથવા કુલપતિએ નક્કી કરેલો એજન્ડા અમલી થશે. શૈક્ષણિક વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થશે. યુનિવર્સિટીઓના કોઇ પણ કર્મચારી કે અધ્યાપકને કોઇ પણ જાતની અભિવ્યક્તિની આઝાદી નહિ રહે. તે લખી પણ નહિ શકે. પોતાના વિચારો પણ વ્યક્ત નહિ કરી શકે. કોઇ પણ બાબતમાં રજૂઆત કરવાની આવશે તો પણ એને ડર લાગશે. મૌલિકતાથી લખવાની છૂટ નહીં હોય. મૌલિકતાથી અભિવ્યક્તિ કરવાની છૂટ નહીં હોય.

કવિતા લખવાની વાત હોય કે બીજો કોઇ લેખ લખવાની વાત હોય કે, પત્ર લખવાની વાત હોય કે બીજી કોઇ રીતે પોતાની અભિવ્યક્તિ કરતા હોય તો એના પર બંધન આવશે. તેના કારણે ડર અને ભયનો માહોલ ઊભો થશે.

શૈક્ષણિક સંસ્થાઓમાં ડરનું ભવિષ્ય તૈયાર થવાનું છે. એ ભવિષ્ય તૈયાર કરનારા પ્રાધ્યાપકો, આચાર્યોની અભિવ્યક્તિ છિનવવા માટેની કલમો આ બીલમાં કોઇ પણ રીતે સ્વીકાર્ય ન હોઇ શકે.

એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકોની બદલી કરી શકાશે. આ જોગવાઇના કારણે પણ કર્મચારીઓમાં ડરનો માહોલ ઊભો થયો છે. ક્યાંક કુલપતિના આદેશની સામે પોતાની વાત રજૂ કરી હોય. ક્યાંક કોઇ રાજકીય પાર્ટીના એજન્ડાને અનુસર્યા ના હોય. ક્યાંક કોઇ રાજકીય પાર્ટીએ આપેલા કાર્યક્રમોમાં હાજરી ન પુરાવી હોય, તો પગલાં લેવાશે. દુરુપયોગ થવાની પણ ભીતિ છે.

તમામ યુનિવર્સિટીઓની મોટાભાગની મિલકતો વર્ષો પહેલા દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. તેની તબદીલી માટે રાજ્ય સરકાર સુધી મંજૂરીનો પ્રશ્ન નહોતો આવ્યો. રાજ્ય સરકારનો હિડન એજન્ડા લાગે છે.

સંપદાની પણ તબદીલી કરશે. આપણી રીસર્ચ માટેની લેબોરેટરી કે બીજી વ્યવસ્થાઓને તબદીલ કરવા માટેની વ્યવસ્થાઓ સહિતની જોગવાઇઓ આવનારા સમયમાં સંસ્થાઓ માટે ખૂબ ભયજનક બનશે.

યુનિવર્સીટીઓની ખાસિયત અને નામના તેની ઓટોનોમીના કારણે હતી તે છીનવાઇ જવાની છે. સત્તાના આ કેન્દ્રીકરણથી આવનારા સમયમાં દુરુપયોગ થવાની શક્યતાઓ રહેલી છે.

બધા લોકોનો વિરોધ આવી રહ્યો છે. કોમન યુનિવર્સિટી એક્ટના નામે ડ્રાફ્ટ પ્રસિદ્ધ કર્યો, પબ્લિક ડોમેનમાં મૂક્યો ત્યારે અદ્યાપકો, કર્મચારી મંડળો અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા ખૂબ વિરોધ થયો. નામ બદલીને ભલે બીજી રીતે લાવ્યા હોય પણ બિલનો હાર્દ હજુ પણ તે જ છે. સરકાર સ્વાયત્તતા ખતમ કરીને પોતાની સત્તાનું કેન્દ્રીકરણ કરવા માંગે છે. આ શૈક્ષણિક સંસ્થાઓનું સરકારીકરણ કરવા માગે છે.

સરકારી કર્મચારી જેવી માનસિકતાથી કામ કરશે. યુનિવર્સિટીને શિક્ષણ વિભાગ ચલાવતો હોય તેવી સ્થિતિનું નિર્મણ થવાનું છે. ગુજરાતની આવનારી પેઢીને, શૈક્ષણિક વ્યવસ્થાઓને, આપણા ઉચ્ચ શૈક્ષણિક- વારસાને નુકસાનકારક થવાનું છે. તેને ખૂબ મોટી હાનિ કરવા માટે આ બિલ આવી રહ્યું છે.