૦૫-૦૫-૨૦૨૦
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે,
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉનના ત્રીજા તબક્કાના ચુસ્ત અમલ માટે રાજ્યના પોલીસ કર્મીઓ અને જાગૃત નાગરિકો પણ ખાસ તકેદારી રાખે એ જરૂરી છે. લોકડાઉન દરમિયાન રાજ્યના તમામ વિસ્તારોમાં રાત્રીના સાત કલાકથી સવારના સાત કલાક દરમિયાન લોકો ઘરમાં જ રહે, બહાર ન નીકળે, જો બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે.
રેડ ઝોન વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ ઘટે તે માટે માલવાહક વાહનોની હેરાફેરી તથા આવશ્યક સેવા સિવાયની તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ છે, ત્યારે નાગરિકો પણ સંયમ રાખીને સહયોગ આપે. પોલીસને પણ આ માટે ચોક્કસ દિશા નિર્દેશો આપી દેવાયા છે. રોડ બ્લોક કરીને તમામ ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકૃત લોકોને જ અવરજવર કરવા દેવાશે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વયસ્કો, સગર્ભા મહિલાઓ અને બાળકો પોતાના ઘરમાં જ શક્ય એટલા આઇસોલેશનમાં રહે. લોકડાઉનના અમલને સફળ બનાવવા અન્ય લોકો પણ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરવા સિવાય બહાર ન નીકળે
રેડ ઝોનના કન્ટેન્ટમેંટ વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરીને લોકડાઉનનો અસરકારક અમલ કરાશે. આ વિસ્તારોમાં શક્ય તેટલી ઓછી અવરજવર થાય અને બિનજરૂરી અવરજવરને રોકવા માટે સ્થાનિક આગેવાનોનો સહયોગ લઇ આ વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ કામ વગર બહાર ન નીકળે અને બહારથી કોઈ વ્યક્તિ અંદર ન આવે એ માટે માઇક્રો મેનેજમેન્ટ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જે અંતર્ગત પોલીસ દ્વારા ફિક્સ પોઇન્ટ ઉભા કરી વીડિયોગ્રાફી સાથે સઘન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અમુક શરતોને આધીન વાહનોને છૂટછાટ આપવામાં આવી છે આ ઝોનના આંતર જિલ્લાઓમાં અધિકૃત પાસ કે પરમિશન સાથે જ પરિવહન કરી શકાશે. આ સિવાય જે લોકો અનઅધિકૃત રીતે અવરજવરનો પ્રયાસ કરશે તો પોલીસ તેમને ચોક્કસ અટકાવશે અને ગુનો દાખલ કરી તેમના વાહન પણ જપ્ત કરશે. જેમાં માલવાહક વાહનો અને આવશ્યક સેવાઓના વાહનોને છૂટછાટ આપવામાં આવી છે.
લોકડાઉનના લીધે ગુજરાતમાં જ રોકાયેલા અન્ય રાજ્યોના લોકો તેમના વતન જવા ઇચ્છી રહ્યા છે તેમને વતન મોકલવા માટેની વ્યવસ્થાને વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે વિવિધ શહેરોમાંથી રાજ્ય સરકાર દ્વારા ટ્રેન અને બસની વ્યવસ્થા કરાઈ છે પરંતુ વતન જવા વાળા અન્ય રાજ્યોના લોકોની સંખ્યા વધુ હોઇ થોડો સમય જરૂર લાગશે, એટલે આવા લોકોએ ધીરજ રાખીને તંત્ર અને પોલીસને સહયોગ આપવો જોઈએ. ખોટી રીતે તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવું જોઈએ નહિ. આમ થશે તો ચલાવી લેવાશે નહીં. પોલીસ કડક કાર્યવાહી કરશે. ગઈકાલે સુરત જિલ્લાના પલસાણા ખાતે અન્ય રાજયોના લોકો દ્વારા થયેલા સંઘર્ષના બનાવમાં ૨૦૪ લોકો સામે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, રાયોટિંગ, ૩૦૪, ૧૨૦(બી) સહિતની કડક કલમો લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી છે.
રત્ન કલાકારો પણ અનિવાર્યતા ન હોય તો ત્યાં જ રોકાયા અને વતનના સ્થળે જવું હોય તો સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પાસેથી જરૂરી પાસ અને મંજૂરી મેળવીને જ જાય. સરપંચો પણ આવા લોકો ગામમાં પ્રવેશે ત્યારે તેઓના આરોગ્યની પૂરતી ચકાસણી કરીને કવોરન્ટાઈન સહિતની પગલાંઓ સુનિશ્ચિત કરે તે જરૂરી છે.
વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૩૬ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૨૦૦ ગુના દાખલ કરીને ૨૧,૧૬૩ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૮૭ ગુના નોંધીને ૯૯ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨૫૬૯ ગુના નોંધીને ૩૬૭૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૨૧ ગુનામાં ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૫૪૬ ગુનામાં કુલ ૮૧૫ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૧૩ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૬૫૭ ગુના દાખલ કરીને ૧૩૬૧ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૧૫ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા ૬૧૧ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૧૪૬ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૨૪૦૮ ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૪૭ સહિત આજદિન સુધીમાં કુલ ૧૦૭૧ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૬૭ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૮૨૭ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૨૦૩૮ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૫૪ ગુના તથા અન્ય ૫૪૩ ગુના મળી અત્યાર કુલ ૩૩૩૫ ગુનાઓ દાખલ કરી કુલ ૪૫૬૮ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૬૨૧૦ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૦,૭૧૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ગતરોજ ૮૩૬૫ અને અત્યાર સુધીમાં ૧,૭૯,૫૩૦ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં
આવ્યા છે