- દાહોદના તબીબનો અનોખો સેવાયજ્ઞ – 8000થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક કર્યું નિદાન
ઝાલોદ તાલુકામાં ગામડી ગામમાં જન્મેલા દાહોદના જાણીતા તબીબ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગભાઇ આર. ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે જે પોતાની હોસ્પિટલે દર માસમાં એક વાર એટલે પ્રતિ માસની નવમી તારીખે મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરી આપે છે.
ઝાલોદની બી. એમ. હાઇસ્કૂલ અને દાહોદમાં અભ્યાસ કરી અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો. બી જે મેડિકલ કોલેજમાં સ્ત્રી રોગ વિશેષજ્ઞની પદવી મેળવીને પાંચ વર્ષ દાહોદ જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં સેવા બજાવી. સરકારી સેવામાં તેઓ કદાચ આજે ઉચ્ચ પદ પર હોત. દાહોદ જિલ્લાની આદિવાસી મહિલાઓની તંદુરસ્તી અને એની સમસ્યાઓ માટે જ કામ કરવાનું નક્કી કરીને પોતાની સ્વતંત્ર જનની હોસ્પિટલ ચાલુ કરી.
છેલ્લા ચાર વર્ષમાં ૮૦૦૦થી વધુ મહિલાઓનું નિઃશુલ્ક નિદાન અને જરૂર પડે તો પરિસ્થિતિને અનુરૂપ વિનામૂલ્યે સારવાર કરી છે. માસની નવમી તારીખે હોસ્પિટલે ઓછામાં ઓછી ૨૦૦ જેટલી મહિલાઓ આ સેવાનો લાભ લે છે.
દાહોદ જિલ્લાની આદિવાસી મહિલાઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ સાવ ઓછું જોવા મળે છે. ક્યારેક માત્ર એકથી દોઢ ટકા હિમોગ્લોબીન હોય એવી મહિલાની પણ સુરક્ષિત ડિલિવરી કરાવી છે.